Iran helicopter crash, ઈરાન હેલિકોપ્ટર દુર્ઘટના : હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહિયનનું મોત નીપજ્યું છે, એમ ન્યૂઝ એજન્સી રોયટર્સે અધિકારીઓએ જણાવ્યું હતું. અઝરબૈજાન-ઈરાની સરહદ નજીક રવિવારે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ સોમવારે સવારે મળી આવ્યો હતો.
દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરોના મોત
હેલિકોપ્ટર ભારે ધુમ્મસમાં પર્વતીય પ્રદેશને પાર કરી રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું, જ્યારે રાયસી, ઈરાનના વિદેશ પ્રધાન અને અન્ય અધિકારીઓ ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાન સાથેની સરહદની મુલાકાતથી પાછા ફરી રહ્યા હતા. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે.
દુર્ઘટનામાં હેલિકોપ્ટર સંપૂર્ણ પણે બળીને ખાખ થયું છે. ઘટનાના 16 કલાક બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. ઈરાનના સ્થાનિક મીડિયાએ આ અહેવાલ આપ્યો છે. તુર્કીના એક ડ્રોને ઘટના સ્થળે તપાસ કર્યા બાદ બચાવ ટીમ ત્યાં પહોંચી. જો કે ઈરાન દ્વારા હજુ સુધી રાષ્ટ્રપતિના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈરાનની રેસ્ક્યુ ટીમ કાટમાળને શોધી રહી છે
તુર્કીના ડ્રોને તે સ્થાન વિશેની માહિતી ઈરાની અધિકારીઓ સાથે શેર કરી હતી. ત્યાર બાદ તે સ્થળની ભૌગોલિક સ્થિતિની ચોકસાઈપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.
તુર્કીએ છ વાહનો અને 32 પર્વતારોહકો અને બચાવ કાર્યકરોને ઈરાન મોકલ્યા છે. તસ્નીમ ન્યૂઝના અહેવાલ મુજબ, ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં રવિવારે જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં ત્રણ અધિકારીઓ, એક ઈમામ અને હેલિકોપ્ટર ક્રૂ અને સુરક્ષા ટીમના સભ્યો સહિત નવ લોકો સવાર હતા.
આ પણ વાંચોઃ- ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, વિદેશ મંત્રી પણ સાથે હતા
રિપોર્ટ પ્રમાણે ઈબ્રાહિમ રઈસી ઇરાનના પૂર્વી અઝરબૈજાન પ્રાંતમાં મુસાફરી કરી રહ્યા હતા અને આ અકસ્માત ઇરાનની રાજધાની તેહરાનથી 600 કિમી દૂર અઝરબૈજાન સાથેની સરહદ નજીક જોલ્ફા વિસ્તાર નજીક થયો હતો. સરકારી IRNA ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઈબ્રાહિમ રઈસી સાથે પ્રવાસમાં ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ હતા.
રાજ્ય ટીવીએ જણાવ્યું હતું કે બચાવકર્તાઓ સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓને અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પવન સાથે ભારે વરસાદ અને ધુમ્મસનો સામનો કરવો પડી રહ્યો છે.





