Operation Sindhu: ઈરાન અને ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 827 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. મશહદથી બીજું વિમાન શનિવારે સાંજે 4.30 વાગ્યે 310 નાગરિકોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોને મધ્ય પૂર્વના વિસ્તારમાંથી બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે.
દિલ્હી પરત ફરેલા ભારતીય નાગરિકોએ પોતાના અનુભવો શેર કર્યા
આ સમય દરમિયાન દિલ્હી પરત ફરેલા ભારતીય નાગરિકોએ પોતાના અનુભવો શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે ઇરાનમાં કેવી સ્થિતિ છે. ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી પરત ફરેલા ભારતીય નાગરિક રિયાઝુલ હસનનું કહેવું છે કે ત્યાંની સ્થિતિ સારી નથી. અમે અમારી હોટલની બારીમાંથી જોયું કે મિસાઇલો આવી રહી હતી, જેને હવામાં જ રોકી દેવામાં આવી હતી. અહીં પાછા આવીને અમને રાહત થઈ છે. અમે દૂતાવાસ દ્વારા આવ્યા છીએ. અમે પીએમ મોદીનો આભાર માનીએ છીએ.
ભારતીય નાગરિક નદીમ અસગરે જણાવ્યું હતું કે હું આપણા દેશનો આભારી છું કે તેમણે અમને ત્યાં સુરક્ષિત રાખ્યા અને અમને સુરક્ષિત રીતે પાછા લાવ્યા. જેવી પરિસ્થિતિ બગડી કે તરત દૂતાવાસે અમને બહાર કાઢ્યા હતા. હું ભારત સરકારનો ખૂબ આભારી છું.
અન્ય એક ભારતીય નાગરિક ફરઝાના અબ્દીએ જણાવ્યું હતું કે અમે ઇરાનથી પાછા આવી રહ્યા છીએ. ત્યાં ઘણી લડાઇ થઈ હતી અને મિસાઇલો છોડવામાં આવી હતી. ભારતીય દૂતાવાસે અમને ઘણી મદદ કરી અને અમને અહીં લાવ્યા. અમે ભારત પાછા આવીને ખૂબ જ ખુશ છીએ. ભારત વિશ્વનો શ્રેષ્ઠ દેશ છે.
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી બહાર કાઢવામાં આવેલી ભારતીય નાગરિક ફાતિમાએ કહ્યું કે હું વડાપ્રધાન મોદીનો ઘણી આભારી છું. હવે હું મારા દેશમાં પરત આવીને શાંતિ અનુભવું છું. પોતાના વતનમાં પાછા આવવું એ ખૂબ જ આનંદની વાત છે.
આ પણ વાંચો – ‘હવાઇ ભાડા વધવાની ચિંતા, બંધ થઇ શકે છે પોર્ટ’ નિકાસકારોએ મોદી સરકારને કરી આવી વિનંતી
અન્ય એક ભારતીય નાગરિક અલ્માસ રિઝવીએ જણાવ્યું હતું કે અમને એક સરસ હોટલમાં રહેવાની સગવડ આપવામાં આવી હતી અને લંચ, ડિનર, બધું જ સમયસર આપવામાં આવ્યું હતું. આપણા દેશમાં પાછા આવીને સારું લાગી રહ્યું છે. ભારતીય દૂતાવાસે અમને ઘણી મદદ કરી.
ઓપરેશન સિંધુ હેઠળ ઇરાનથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિક દાનિયાએ જણાવ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું. અમે ખૂબ ડરી ગયા હતા. તેહરાનની સ્થિતિ ખૂબ જ ભયાનક હતી. હું ભારતીય દૂતાવાસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમની મદદથી અમે અહીં સુરક્ષિત પહોંચી શક્યા.
આ પહેલા શુક્રવારે 290 ભારતીય નાગરિકો દિલ્હી પરત ફર્યા હતા
આ પહેલા શુક્રવારે રાત્રે 290 ભારતીય નાગરિકો દિલ્હી પરત ફર્યા હતા. જેમાંથી મોટાભાગના કાશ્મીરના વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત કેટલાક મુસાફરો દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના પણ છે. શુક્રવારે મોડી રાત્રે 407 જેટલા ભારતીયો બે બેચમાં પરત ફર્યા હતા. સવારે 10.30 વાગ્યાની ફ્લાઇટમાં 190 કાશ્મીરી વિદ્યાર્થીઓ સહિત 290 લોકો અને સવારે 3 વાગ્યાની ફ્લાઇટમાં 117 લોકો હતા. 19 જૂને 110 વિદ્યાર્થીઓ આર્મેનિયા અને દોહા થઈને ભારત આવ્યા હતા. ઈરાનથી દિલ્હી પહોંચેલા યાત્રીઓએ એરપોર્ટ પર વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.