Israel-Hamas Ceasefire updates : ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે ગાઝા પટ્ટી માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર સમજુતી શુક્રવારે બપોરથી લાગુ થઇ ગઇ છે. આ જાહેરાત ઇઝરાયેલના કેબિનેટ દ્વારા ગાઝા પટ્ટીમાં સીઝફાયર સુરક્ષિત કરવા, બાકીના બંધકો અને પેલેસ્ટાઇનના કેદીઓને મુક્ત કરવાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાને મંજૂરી આપ્યાના કલાકો પછી આવી છે.આ સીઝફાયર બે વર્ષથી ચાલી રહેલા વિનાશક યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ઘણા સવાલો હજુ ઉભા છે
યુદ્ધ દરમિયાન ગાઝાનો મોટાભાગનો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત વ્યાપક શાંતિ કરારમાં ઘણા પ્રશ્નો છે, જેનો જવાબ હજુ સુધી આપવામાં આવ્યો નથી. જેમ કે હમાસ તેના હથિયારો મુકી દેશે કે નહીં, ગાઝા પર કોણ શાસન કરશે. આ પ્રશ્નો હોવા છતાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે એક ટેલિવિઝન નિવેદનમાં કહ્યું હતું કે આગળનો તબક્કો હમાસને હથિયાર વગરના અને ગાઝાને લશ્કરી મુક્ત કરશે.
નેતન્યાહુએ કહ્યું કે જો તે સરળ રીતે થઇ જાય તો તે સારું છે. જો નહીં તો તે મુશ્કેલ રીતે પ્રાપ્ત કરવામાં આવશે. તેમણે કહ્યું કે હમાસ સમજુતી માટે ત્યારે રાજી થયો જ્યારે તેને લાગ્યું કે તલવાર હજી પણ તેના ગળા પર લટકી રહી છે.
આ પણ વાંચો – અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકીએ કહ્યું – અમારે ત્યાં ભારતીયોનું સ્વાગત છે
ઇઝરાયલી સૈન્યના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને જણાવ્યું હતું કે સૈનિકોએ શુક્રવારે બપોર સુધીમાં તૈનાતી લાઇન પર વાપસી પુરી કરી લીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના સમજુતીની જાહેરાત કરતા કહ્યું હતું કે ગાઝામાં રાખવામાં આવેલા તમામ બંધકોને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે અને ઇઝરાયેલ ચોક્કસ સરહદ પર તેના સૈનિકોને પાછા ખેંચી લેશે.
ઇઝરાયેલ લગભગ 2,000 પેલેસ્ટાઇન કેદીઓને મુક્ત કરશે
હમાસના એક મુખ્ય વાટાઘાટકારે ગુરુવારે કહ્યું હતું કે ઇઝરાયેલ સીઝફાયર કરાર પર લગભગ 2,000 પેલેસ્ટાઇન કેદીઓને મુક્ત કરશે. હમાસ સાથે જોડાયેલા ખલીલ અલ-હૈયાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલની જેલમાં બંધ તમામ મહિલાઓ અને બાળકોને પણ મુક્ત કરવામાં આવશે.
અલ-હૈયાએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર અને મધ્યસ્થીઓએ ખાતરી આપી છે કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને હમાસ અને અન્ય પેલેસ્ટાઇન જૂથો હવે પેલેસ્ટાઇન રાષ્ટ્રની સ્થાપના પર ધ્યાન કેન્દ્રિત કરશે. યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ સીઝફાયર સમજુતીનું સમર્થન અને દેખરેખ રાખવામાં મદદ કરવા માટે આંતરરાષ્ટ્રીય ટીમના ભાગ રૂપે લગભગ 200 સૈનિકો ઇઝરાયલેમાં મોકલશે.