Israel Hezbollah War : ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈરાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહનું મોત થયું હતું. તે પછી ઇરાન આ મામલે તપાસ કરી રહ્યું છે. હવે અહેવાલ છે કે ઈરાનના લશ્કરી ચીફ ઇસ્માઇલ કાનીએ હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહના સ્થળ વિશે ઈઝરાયેલને જાણ કરી હતી.
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડર ગુમ
આ દરમિયાન ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડર ગાયબ થઈ ગયા છે. એવી અટકળો છે કે તેમણે હસન નસરલ્લાહની મારવામાં ઇઝરાયેલની મદદ કરી હતી અને ઇરાન સાથે દગો કર્યો હતો. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઇઆરજીસી)ના કમાન્ડર બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કાનીને ઇરાનનો સૌથી શક્તિશાળી લશ્કરી વ્યક્તિ માનવામાં આવે છે. આ પહેલા કાસિમ સુલેમાની સૌથી શક્તિશાળી સૈન્ય વ્યક્તિ હતા પરંતુ અમેરિકા દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.
27 સપ્ટેમ્બરના રોજ હસન નસરલ્લાહના મૃત્યુ બાદથી જ ઇસ્માઇલ કાની જાહેરમાં જોવા મળ્યા નથી. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે એ વાતની તપાસ શરુ કરી છે કે ઇઝરાયેલ લેબનોન આંદોલનના સૌથી વરિષ્ઠ નેતૃત્વમાં પ્રવેશવામાં કેવી રીતે સક્ષમ બન્યું અને એ શોધવામાં કેવી રીતે સફળ રહ્યું કે નસરલ્લાહ ક્યાં અને ક્યારે મળી આવશે.
આ પણ વાંચો – હુમલા વચ્ચે પણ ભારતીય શ્રમિકો ઈઝરાયેલ કેમ જઈ રહ્યા છે?
તેહરાન, બૈરુત અને બગદાદના દસ સૂત્રોએ મિડલ ઇસ્ટ આઇને જણાવ્યું હતું કે ઇરાનના સૌથી વરિષ્ઠ જનરલોમાંથી એક કાની અને તેમની ટીમ પણ લોકડાઉન પર છે કારણ કે તેમની પાસે જવાબો માંગવામાં આવી રહ્યા છે. એટલે કે તેઓ એક રીતે નજરકેદમાં છે. જાન્યુઆરી 2020માં અમેરિકાએ કાસિમ સુલેમાનીની હત્યા કર્યા બાદ ઇસ્માઇલ કાનીને આઇઆરજીસીના વિદેશી એકમના વડા બનાવવામાં આવ્યા હતા.
નસરલ્લાહના મોત પછી ઇસ્માઇલ કાની લેબનોન પહોંચ્યા હતા
નસરલ્લાહના મોતના બે દિવસ બાદ પરિસ્થિતિને સમજવા માટે કાની લેબનોન પહોંચ્યા હતા. આ પછી શફીદ્દીનના મોતના સમાચાર આવ્યા હતા અને તેના બે દિવસ પછી કાની સાથે કોઈ સંપર્ક થયો નથી. એવી અટકળો હતી કે ઇઝરાયેલ હુમલામાં કાનીનું પણ મોત નીપજ્યું છે. પરંતુ હવે તેની પુષ્ટિ થઈ છે કે તે જીવિત છે અને તેને ઇજા પણ પહોંચી નથી. ઈરાનની કૂદ્સ ફોર્સના ડેપ્યુટી કમાન્ડર ઇરાજ મસ્જિદીએ જણાવ્યું હતું કે ઇસ્માઇલ કાનીનું સ્વાસ્થ્ય ઠીક છે. તપાસના સમગ્ર મામલા પર ઈરાનના સુપ્રીમ નેતા ખામનેઇ નજર રાખી રહ્યા છે.





