Hezbollah chief Hassan Nasrallah : હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનું મોત થયું છે. લેબનોનમાં હુમલા બાદ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે આ દાવો કર્યો છે. આઈડીએફએ શનિવારે પુષ્ટિ કરી હતી કે શુક્રવારે રાત્રે બૈરુતમાં ઇઝરાઇલી હવાઈ હુમલામાં હસન નસરલ્લાહ માર્યો ગયો હતો. આઇડીએફએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હસન નસરલ્લાહ હવે વિશ્વને આતંકિત કરી શકશે નહીં.
ઈઝરાયેલી વાયુસેનાએ બૈરુતમાં હિઝબુલ્લાહના મુખ્યાલય પર હુમલો કર્યો હતો
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટ અનુસાર ઈઝરાયેલી વાયુસેનાએ બૈરુતમાં હિઝબુલ્લાહના મુખ્યાલય પર હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એરસ્ટ્રાઇક સમયે નસરલ્લાહ કમાન્ડ સેન્ટરમાં હતો. આ હુમલામાં નસરલ્લાહની પુત્રી ઝૈનબનું પણ મોત થયું હતું. ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીને ગુપ્ત માહિતી મળી હતી કે હિઝબુલ્લાહ ચીફ હેડક્વાર્ટરમાં હાજર છે. આ પછી ઇઝરાયેલે તેના પર હુમલો કર્યો હતો. જેમાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું હતું.
નસરલ્લાહ અનેક હત્યાઓ માટે જવાબદાર – ઇઝરાયેલ
ઇઝરાયેલના સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નસરલ્લાહના 32 વર્ષના શાસન દરમિયાન ઘણા ઇઝરાયેલી નાગરિકો અને સૈનિકો માર્યા ગયા હતા. ઈઝરાયેલી સેનાએ આરોપ લગાવ્યો કે નસરલ્લાહ અનેક હત્યાઓ માટે જવાબદાર છે. નસરલ્લાહ બધા મોટા નિર્ણયો લેતો હતો અને વ્યૂહરચના બનાવતો હતો.
આ પણ વાંચો – ભારતે UNમાં પાકિસ્તાનને ફટકાર લગાવી
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના પ્રવાસે હતા. પરંતુ બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર થયેલા હુમલા બાદ તેમણે તરત જ તેમની અમેરિકાની મુલાકાત ખતમ કરવાની જાહેરાત કરી હતી. તે પોતાના દેશ ઈઝરાયેલ પરત ફર્યા છે. આ દરમિયાન અમેરિકાએ લેબનોનમાં યુદ્ધવિરામની અપીલ કરી છે.
આ પહેલા ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહની મિસાઇલ અને રોકેટ દળોના વડા ઇબ્રાહિમ મુહમ્મદ, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના મિસાઇલ યુનિટના કમાન્ડર, મુહમ્મદ અલી ઇસ્માઇલ અને તેના ડેપ્યુટી, હુસૈન અહેમદ ઇસ્માઇલ, એરફોર્સ દ્વારા કરવામાં આવેલા ચોક્કસ હુમલામાં માર્યા ગયા છે.





