ISRO Axiom 4 Mission: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર AXIOM-4 મિશનનું લોન્ચિંગ એક દિવસ માટે ટાળી દેવામાં આવ્યું છે. લોન્ચિંગ મોકૂફ રાખવાનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ભારતીય વાયુસેનાના પાઇલટ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અન્ય 3 ક્રૂ સભ્યો સાથે આ પ્રક્ષેપણનો હિસ્સો બનવાના હતા. જો કે તેને 1 દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે.
અગાઉ આ મિશનને 10 જૂને સવારે 8:22 વાગ્યે સ્પેસ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના કેનેડી સ્પેસ સેન્ટરના એલસી-39એ લોન્ચ પેડથી લોન્ચ કરવાનું હતું. પરંતુ હવે આ લોન્ચિંગ 11 જૂને ભારતીય સમય પ્રમાણે સાંજે 5:30 વાગ્યે થશે.
તમને જણાવી દઇયે કે, શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં ઉડાન ભરી ઈતિહાસ રચશે. આ ભારતનું બીજું માનવસહિત અંતરિક્ષ મિશન હશે. આ પહેલા 1984માં રાકેશ શર્માએ રશિયાના સ્પેસક્રાફ્ટ સાથે ઉડાન ભરી હતી. શુભાંશુ શુક્લા પોતાની ટીમ સાથે 14 દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાશે. આ સમય દરમિયાન, તે વિજ્ઞાનને લગતા ઘણા પ્રયોગોની સાથે સાથે ઘણા નિષ્ણાતો સાથે સીધી વાતચીત પણ કરશે. શુભાંશુ શુક્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાળાના વિદ્યાર્થીઓ અને અંતરિક્ષ ઉદ્યોગના દિગ્ગજો સાથે પણ વાતચીત કરશે.
નોંધનિય છે કે, આ સમગ્ર ટીમ 60 પ્રયોગ કરશે. જેમાંથી 7 પ્રયોગોનું આયોજન ઈસરો દ્વારા કરવામાં આવ્યું છે. શુભાંશુ શુક્લા નાસાના હ્યુમન રિસર્ચ પ્રોગ્રામના ભાગ રૂપે જોડાશે. શુભાંશુ શુક્લા નાસા દ્વારા હાથ ધરવામાં આવેલા પાંચ સહયોગી અધ્યયનમાં પણ સામેલ થશે. ક્રૂમાં ભારત ઉપરાંત પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓનો પણ સમાવેશ થાય છે.