ISRO Launches Analogue Space Mission: ભારતનું પહેલું એનાલોગ સ્પેસ મિશન લદ્દાખના લેહથી શરૂ થયું છે. ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)એ આ મિશન હેઠળ આંતરગ્રહીય નિવાસ (Interplanetary Habitat) માં જીવનનો અનુભવ કરવાનું શરૂ કર્યું છે, જેથી ભવિષ્યમાં મનુષ્યને ચંદ્ર પર મોકલવાની યોજના સફળતાપૂર્વક પાર પાડી શકાય. એનાલોગ મિશનનો હેતુ પૃથ્વી પર ચંદ્ર અને મંગળ જેવા વાતાવરણમાં જીવનના પડકારોનો સામનો કરવાનો અને તેના સમાધાન લાવવાનો છે. એનાલોગ સ્પેસ મિશન એ એવા અંતરિક્ષ પરિક્ષણ છે જે પૃથ્વી પરના સ્થળોએ હાથ ધરવામાં આવે છે જેની સ્થિતિ ભૌતિક રીતે અત્યાધિક અવકાશના વાતાવરણ જેવી જ હોય છે. આ સ્પેસ રિસર્ચ અવકાશ ઉડાન સંશોધનમાં સમસ્યાઓ દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
એનાલોગ સ્પેસ મિશન માટે લદ્દાખ કેમ પસંદ કરવામાં આવ્યો છે?
એનાલોગ સ્પેસ મિશન માટે લદ્દાખની પસંદગી એટલા માટે કરવામાં આવી કારણ કે તેની ભૌગોલિક સ્થિતિ – ઠંડી, શુષ્ક આબોહવા, ઉજ્જડ જમીન અને ઊંચાઈ – મંગળ અને ચંદ્ર જેવા છે. અવકાશયાન અને અવકાશયાત્રીની જીવંત તકનીકોનું આ વાતાવરણમાં પરીક્ષણ કરી શકાય છે, જે વૈજ્ઞાનિકો અને અવકાશયાત્રીઓને ભવિષ્યના ગ્રહોના સંશોધન માટે તાલીમ આપવા માટે આદર્શ સ્થળ પ્રદાન કરે છે.
ઈસરોએ આ મિશન ઘણા સંગઠનોના સહયોગથી શરૂ કર્યું છે, જેમાં સમાનવ સ્પેસ ફલાઇટ સેન્ટર, AAKA સ્પેસ સ્ટુડિયો, લદાખ યુનિવર્સિટી, આઇઆઇટી બોમ્બે અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ સામેલ છે. ઓક્ટોબરના મધ્યમાં શરૂ કરવામાં આવેલું આ મિશન એક મહિના સુધી ચાલશે. આ મિશન એક કોમ્પેક્ટ, ઇન્ફ્લેટેબલ હેબિટેટ “હબ-1″નું પરીક્ષણ કરશે, જેમાં હાઇડ્રોપોનિક્સ ફાર્મ, રસોડું અને અન્ય જરૂરી સુવિધાઓ છે. ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી જાણકારી આપી છે.
લદ્દાખની ઉંચાઇ પર ઓક્સિજન લેવલ સમુદ્રની સપાટી કરતા ઘણું ઓછું
લદ્દાખની ઉંચાઇ પર ઓક્સિજનનું સ્તર સમુદ્રની સપાટી કરતા ઘણું ઓછું છે. તેનું ઓક્સિજન લેવલ દરિયાની સપાટીના માત્ર 40 ટકા છે, જે મંગળ જેવી પરિસ્થિતિઓનું અનુકરણ કરવામાં મદદ કરે છે. આ વાતાવરણમાં, એએકે સ્પેસ સ્ટુડિયો ખાતેની ટીમ લાઇફ સપોર્ટ સિસ્ટમ્સ અને એન્વાયર્મેન્ટલ સ્યુટ્સનું પરીક્ષણ કરી રહી છે, જે ભવિષ્યના ઇન્ટરપ્લેનેટરી મિશન માટે ચાવીરૂપ બની રહેશે.
વિશ્વભરની ઘણી અવકાશ સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ પણ એનાલોગ મિશન ચલાવી રહી છે. તેમાં નાસાનો એનાલોગ મિશન પ્રોજેક્ટ અને પોલેન્ડ સ્થિત એનાલોગ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ સેન્ટર (એએટીસી)નો સમાવેશ થાય છે. નાસાના આ અભિયાનો જ્હોન્સન સ્પેસ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવે છે અને તે ચાર મુખ્ય એનાલોગ મિશન પર કામ કરે છે, જેમાં સંશોધન અને ટેકનોલોજીનો અભ્યાસ, નાસાનું એક્સ્ટ્રીમ એન્વાયર્મેન્ટલ મિશન ઓપરેશન્સ, ઇન-સીટુ રિસોર્સ યુટિલાઇઝેશન અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ટેસ્ટ બેડનો સમાવેશ થાય છે.
પોલેન્ડ સ્થિત, એએટીસીનો હેતુ વૈજ્ઞાનિકો, ઇજનેરો અને અવકાશ જનારાઓને તાલીમ આપવાનો છે. આ કેન્દ્રએ 2023ના અંત સુધીમાં 75 એનાલોગ સિમ્યુલેશન્સ હાથ ધર્યા છે, જેમાં માનવ શરીરવિજ્ઞાન અને ઓપરેશનલ તાલીમ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારતની આ નવી ચાલ ચંદ્ર અને મંગળ જેવા મિશનની તૈયારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.