Khalistani Attack On Jaishankar In London: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બ્રિટનની મુલાકાતે ગયા છે. બ્રિટનની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ અંગે ભારત કે બ્રિટન તરફથી કોઇ સત્તાવાર વાત કરવામાં આવી નથી. અહેવાલ મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ લંડનમાં એક ફંક્શન માંથી પરત ફરી રહ્યા હતા. ખાલિસ્તાનીઓએ જયશંકર સહિત અનેક ભારતીય અધિકારીઓને અનેક વખત ધમકીઓ આપી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ગુરુવારે લંડનમાં જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે ચથમ હાઉસ થિંક ટેન્કની એક ઇવેન્ટમાં ભાગ લીધા બાદ કારમાં પરત ફરી રહ્યા હતા.
રિપોર્ટ અનુસાર, એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઝડપથી જયશંકરની કાર પાસે આવી જાય છે, તેના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરગા છે, જેને તે ફાડી નાંખે છે. જો કે લંડન પોલીસ ઝડપથી તે વ્યક્તિને પકડી રસ્તાની સાઇડમાં લઇ જાય છે.
યુકે અને આયર્લેન્ડ સાથેના તેમના 6 દિવસના પ્રવાસ દરમિયાન, વિદેશ પ્રધાન ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો, વિદેશ નીતિના જોડાણો અને ભારતીય સમુદાય સાથે મંત્રણાનું આયોજન કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ગતિ આપશે.
તેમણે કહ્યું કે તેમણે બુધવારે યુકેના તેમના સમકક્ષ ડેવિડ લેમી સાથે દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. લેમીએ જયશંકરને હોસ્ટ કર્યા હતા. કેન્ટના ચેવેનિંગ હાઉસમાં બે દિવસ સુધી નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આમાં મુક્ત વેપાર કરારથી લઈને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સુધીના ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે.





