Jammu Kashmir Assembly Elections First Phase Voting, જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાનું મતદાન : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન બુધવારે 18 સપ્ટેમ્બરના રોજ સવારથી મતદાન શરુ થયું છે. પ્રથમ તબક્કામાં 24 વિધાનસભા સીટો પર મતદાન શરું થયું છે. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ આ પહેલી વખત વિધાનસભા ચૂંટણી છે. આ પહેલા દસ વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી, જ્યારે લદ્દાખ રાજ્યનો ભાગ હતું. જમ્મુ વિભાગના ત્રણ જિલ્લા અને કાશ્મીર ખીણના ચાર જિલ્લાની 24 બેઠકો પર 90 અપક્ષો સહિત 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે બુધવારે 23 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
પ્રથમ તબક્કામાં કેટલા લોકો મતદાન કરશે?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં કુલ 23,27,580 મતદારો છે, જેમાં 11,76,462 પુરુષો, 11,51,058 મહિલાઓ અને થર્ડ જેન્ડરના 60 મતદારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 18થી 19 વર્ષના 1.23 લાખ યુવાનો, 28,309 દિવ્યાંગો અને 85 વર્ષથી વધુ વયના 15,774 વૃદ્ધ મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. શહેરી વિસ્તારમાં 302 અને ગ્રામ્ય વિસ્તારમાં 2974 મતદાન મથકો છે. દરેક મતદાન મથક પર પ્રિસાઈડિંગ ઓફિસર સહિત ચાર પોલિંગ કર્મચારીઓ તૈનાત રહેશે.
સુરક્ષા વ્યવસ્થા કેવી છે?
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી.કે.બીરદીએ પીટીઆઈને જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસે વિધાનસભાની ચૂંટણી માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે જેથી વધુને વધુ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે સીએપીએફ, જમ્મુ-કાશ્મીર સશસ્ત્ર પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસના અનેક દળોને સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કાના મુખ્ય ઉમેદવારો
જમ્મુ કાશ્મીરના અગ્રણી ઉમેદવારોમાં સામેલ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ-એમ)ના મોહમ્મદ યુસુફ તારિગામી કુલગ્રામથી સતત પાંચમી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમના સિવાય કોંગ્રેસ પાર્ટીના ગુલામ અહમદ મીર ડુરૂથી ત્રીજી વખત જ્યારે નેશનલ કોન્ફરન્સના સકીના ઇટુ દમહાલ હાજીપોરાથી ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો – જમશેદપુર રેલીમાં પીએમ મોદીએ કહ્યું – બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરી સાથે ઉભા છે JMM ના લોકો
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના સરતાજ મદની (દેવસર) અને અબ્દુલ રહેમાન વીરી (શાંગસ-અનંતનાગ) પણ મુખ્ય ઉમેદવારોમાં સામેલ છે. બિજબેહરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પીડીપીના ઇલ્તિજા મુફ્તીનો મુકાબલો નેશનલ કોન્ફરન્સના બશીર અહેમદ વીરી અને ભાજપના સોફી મોહમ્મદ યુસુફ સાથે છે. પીડીપીના વહીદ પારા પુલવામા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે આતંકવાદના એક કેસમાં આરોપી છે. તેમને પાર્ટીના પૂર્વ સાથી અને એનસી ઉમેદવાર મોહમ્મદ ખલીલ તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીના પૂર્વ સદસ્ય તલત મજીદ અલી પણ મેદાનમાં ઉતરતા મુકાબલો રસપ્રદ બની ગયો છે.
પ્રથમ તબક્કામાં કઈ બેઠકો પર ચૂંટણી થશે?
બુધવારે જે વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે તેમાં પંપોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનાપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, દોરુ, કોકેરનાગ (એસટી), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઇન્દરવાલ, કિશ્તવાડ, પૈડરનાગસેની, ભદ્રવાહ, ડોડા, ડોડા વેસ્ટ, રામબન અને બનિહાલનો સમાવેશ થાય છે.





