BJP Manifesto for JK Assembly Elections 2024, જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે શુક્રવારે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે આર્ટિકલ 370ને ક્યારેય વાપસી થઇ શકશે નહીં. ભાજપના આ ચૂંટણી ઢંઢેરામાં પાર્ટીએ મહિલાઓ અને યુવા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સાથે અમિત શાહે પાર્ટીના સંકલ્પ પત્રનો ઉલ્લેખ કરતા એ પણ જાહેરાત કરી કે રાજ્યના ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે 3 હજાર રૂપિયાનું પરિવહન ભથ્થું આપવામાં આવશે. આ સિવાય ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ અને લેપટોપ મળશે. મહિલાઓ પર ખાસ ફોક્સ કરતા ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દર વર્ષે 2 મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. અટલ આવાસ યોજનાના માધ્યમથી જમીન વિહોણા લોકોને 5 મરલા જમીન (જમીન માપવાનો એકમ) મફતમાં આપવામાં આવશે.
અમિત શાહે કહ્યું – 6000 લોકોનું પુનર્વસન
જમ્મુ-કાશ્મીરને લઇને જાહેર કરાયેલા સંકલ્પ પત્રમાં કાશ્મીરી પંડિતો માટે પુનર્વસન યોજનાને સામેલ કરવા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ યોજના ખૂબ જ વ્યાપક હશે. અમે સંપૂર્ણ પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આતંકવાદની ચરમસીમા દરમિયાન ઘણા કાશ્મીરી પંડિતો અને શીખો ત્યાંથી ચાલ્યા ગયા હતા, જેમને તેમની સંપત્તિ વેચવાની ફરજ પડી હતી. અમે આ અંગે કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમની સંપત્તિ પરત કરવામાં આવશે અથવા તો તેમની સંપત્તિ માટે રકમ આપવામાં આવશે. અમે 6,000 લોકોનું પુનર્વસન પૂર્ણ કરવાની તૈયારીમાં છીએ.
આ પણ વાંચો – શું હરિયાણામાં આપ અને કોંગ્રેસ વચ્ચે થશે ગઠબંધન
મોદી સરકારે 10 વર્ષમાં કર્યો છે વિકાસ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે અમિત શાહે કહ્યું કે 370 હટાવવાથી રાજ્યનો વિકાસ થયો છે અને સતત થઈ રહ્યો છે. આજે કલમ 370 અને 35(એ) ભૂતકાળ બની ગઈ છે. તે હવે આપણા બંધારણનો ભાગ જ નથી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના શક્તિશાળી નિર્ણયને કારણે આ બધુ થયું. આર્ટિકલ 370 ઈતિહાસ બની ગયો છે. અમે તેને ક્યારેય પાછી નહીં આવવા દઈએ.
ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ મોટા વાયદાઓ કર્યા
- દરેક પરિવારની વરિષ્ઠ મહિલાઓને વાર્ષિક 18,000 રૂપિયા મળશે.
- કોલેજના વિદ્યાર્થીઓને વાર્ષિક 3,000 રૂપિયા મળે છે.
- 10માં ધોરણવા વિદ્યાર્થીઓ માટે લેપટોપ અને ટેબ્લેટ.
- ઉજ્જવલા યોજના હેઠળ વાર્ષિક 2 મફત સિલિન્ડર.
- અટલ આવાસ યોજના હેઠળ જમીનવિહોણા લોકોને 5 મરલા મફત જમીન.
- જેકેપીએસસી અને યુપીએસસીની તૈયારી માટે 2 વર્ષ સુધી 10 હજાર રૂપિયા કોચિંગ ફી.
- 5 લાખ લોકોને રોજગાર આપવાનું વચન.
- ડોડા, કિશ્તવાડ, રામબન, રાજૌરી, પૂંચ, ઉધમપુર અને કઠુઆને અપર એરિયા ટૂરિસ્ટ ઉદ્યોગ તરીકે અપડેટેશન.
- કાશ્મીર ઘાટીમાં ગુલમર્ગ અને પહેલગામને મોર્ડન ટૂરિસ્ટ સિટી બનાવવાનો વાયદો.
- શ્રીનગરમાં તવી રિવરફ્રન્ટ
- રણજીત સાગર ડેમ બસોહલી માટે અલગ તળાવ વિકાસ સત્તામંડળ
- જમ્મુમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે આઇટી હબ સ્થાપિત કરવામાં આવશે
રાહુલ ગાંધી અને કોંગ્રેસને પૂછ્યા સવાલો
ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની સાથે જ ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસને કેટલાક મહત્વના સવાલો પૂછ્યા છે કે શું તેઓ નેશનલ કોન્ફરન્સના એજન્ડા સાથે સહમત છે કે કેમ, જેમાં એનસીએ 370 પરત લાવવાનો વાયદો કર્યો છે. રાહુલ ગાંધી આ અંગે કંઇ પણ નહીં કહે. અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને પૂછ્યું કે શું દેશમાં બે ઝંડા હોઈ શકે છે?
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં શિવરાજ ચૌહાણ, યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાનીના નામ પણ સામેલ છે.