Jammu Kashmir encounter: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સેનાને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં આતંકવાદી ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં લોલાબમાં નિયંત્રણ રેખાની ખૂબ નજીક ત્રિમુખા ટોપ પર ઘૂસણખોરોના જૂથને સેનાએ ઘેરી લીધું છે. અહીં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ સેનાએ કાર્યવાહી કરીને એક આતંકીને ઠાર કર્યો છે.
મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છુપાયેલા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓને કાબૂમાં લેવા માટે ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. આતંકીઓ સાથેની અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ થવાના પણ સમાચાર છે.
મોડી રાતથી એન્કાઉન્ટર ચાલુ
મળતી માહિતી મુજબ મોડી રાતથી આતંકીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અહીં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ પછી સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ચારથી પાંચ પાકિસ્તાની આતંકીઓ ઘેરામાં ફસાયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, સાંજે ત્રિમુખાની પહાડીઓમાં સર્ચ કરી રહેલા સૈનિકોએ ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથને ઝાડ વચ્ચેથી પસાર થતા જોયા. સેનાની કાર્યવાહી બાદ આતંકીઓએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને જવાનોને તેમનો પીછો કરતા રોકવા માટે ગોળીબાર કર્યો.





