Ganderbal Attack Terrorist CCTV : જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે (20 ઓક્ટોબર) આતંકવાદીઓએ કેટલાક પરપ્રાંતિય નાગરિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં છ મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આતંકવાદીઓએ એક ડોક્ટરની પણ હત્યા કરી હતી. આ આતંકી હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા મજૂરો ટનલ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. કામ કરતી વખતે તેના પર આતંકીઓએ હુમલો કર્યો હતો.
આ આતંકી હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આતંકીઓ બંદૂકો બતાવી રહ્યા છે. આ સીસીટીવી વીડિયોમાં બંને આતંકીઓના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ આતંકીઓના હાથમાં અમેરિકન બનાવટની M-4 કાર્બાઈન રાઈફલ અને AK-47 રાઈફલ જોવા મળી રહી છે.
મજૂરોની હત્યા કર્યા બાદ આતંકવાદીઓ 7 મિનિટ સુધી મજૂરોના કેમ્પમાં રહ્યા હતા. આ સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળે છે. તેમજ આતંકવાદીઓની તમામ હિલચાલ જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓ જ્યાં મજૂરો માર્યા ગયા એ વિસ્તારથી સારી રીતે વાકેફ હતા.
આ આતંકી હુમલામાં કુલ સાત લોકો માર્યા ગયા હતા. તેમાંથી છ કાશ્મીર બહારથી કામ માટે ગાંદરબલ આવ્યા હતા. આતંકવાદીઓ દ્વારા એક સ્થાનિક ડોક્ટરની પણ હત્યા કરવામાં આવી છે. આ તમામ મજૂરો કન્સ્ટ્રક્શન કંપની APCO ઈન્ફ્રાટેકમાં કામ કરતા હતા. આ કંપની હાલમાં શ્રીનગર-સોનમાર્ગ હાઈવે Z-મોડ પર ટનલ બનાવવાનું કામ કરી રહી છે.
એ રાત્રે શું થયું?
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે રાત્રે આતંકવાદીઓ દ્વારા કેટલાક પરપ્રાંતિય કામદારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ સાંજે 7:30 વાગ્યાની આસપાસ નિર્માણાધીન સુરંગ પાસે હુમલો કર્યો હતો. આ સમયે કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા, જ્યારે અન્ય કામ બંધ કરીને જમવા માટે બહાર આવી રહ્યા હતા.
આ પણ વાંચોઃ- સોનું કે સેન્સેક્સ શેમાં રોકાણ કરવાથી આગામી દિવાળી સુધી થશે જંગી કમાણી? જાણો
આ હુમલાની માહિતી મળતાની સાથે જ સુરક્ષાદળો હુમલાના સ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી હતી. સુરક્ષા દળો સ્થળ પર પહોંચે તે પહેલા જ આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. જ્યાં ટનલનું કામ ચાલી રહ્યું છે તેની નજીક જ મજૂરો માટે રહેવાની વ્યવસ્થા હતી. એક તરફ પર્વત છે અને બીજી બાજુ શ્રીનગર-લેહ નેશનલ હાઈવે છે.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે જે જગ્યાએ આતંકવાદીઓએ પહેલા હુમલો કર્યો હતો ત્યાં સીસીટીવી કેમેરા નથી. જો કે, જ્યાં તેઓએ મજૂરોની હત્યા કરી હતી તે જગ્યાએ સીસીટીવી કેમેરા હતો એટલે કે મજૂરો માટેની કેન્ટીનમાં. બે આતંકવાદીઓ મોટી રાઈફલ સાથે સુરંગ પાસેની કેન્ટીનમાં ઘૂસી ગયા અને મજૂરો પર ગોળીબાર કર્યો. કેન્ટીનની બહારના લોકો પર પણ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.