Jammu Kashmir Kathua Terror Attack | જમ્મુ કાશ્મીર કઠુઆ આતંકી હુમલો : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર થયેલા હુમલામાં 5 સૈનિકો શહીદ થયા છે. આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. તેઓએ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને એન્કાઉન્ટર ચાલુ છે. જોકે, જમ્મુ કાશ્મિરમાં પાંચ દિવસની અંદર આ બીજો આતંકી હુમલો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ એક આયોજિત હુમલો હતો. પોલીસ અને સુરક્ષાદળોની ટીમ માચેડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ વિસ્તાર ભારતીય સેનાની 9 કોર હેઠળ આવે છે. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. વધુ સુરક્ષા દળોને આ વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ ભારતીય સેનાના કાફલા પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. તે સમયે કઠુઆના પહાડી માર્ગો પરથી સેનાના વાહનો પસાર થઈ રહ્યા હતા. હુમલાની માહિતી મળતાં જ સેનાની ટુકડી અને પોલીસની ટુકડીએ આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો. નજીકની સૈન્ય ચોકીઓને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે.
એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ બાદ આજનો હુમલો થયો છે. શનિવારથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક પેરા-ટ્રૂપર સહિત બે જવાન શહીદ થયા હતા અને અન્ય એક જવાન ઘાયલ થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, મોદરગામ એન્કાઉન્ટર સ્થળ પરથી બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. તો, ચિન્નીગામ એન્કાઉન્ટર સાઇટ પરથી ચાર આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં અનેક આતંકી હુમલા થયા છે. ગયા મહિને, રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે તે ખાઈમાં પડી ગઈ હતી અને નવ લોકોના મોત થયા હતા. આ પછી તરત જ બે સશસ્ત્ર આતંકવાદીઓ એક ગામમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એક જવાન શહીદ થયો.
કઠુઆ જિલ્લામાં સુરંગની આશંકા
થોડા દિવસો પહેલા કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેના એક ગામના એક વ્યક્તિએ તેના ખેતરની નીચે સીમા પાર સુરંગ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ પછી સુરક્ષાકર્મીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક પોલીસની સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સ્થળ પર ખોદકામ કરી રહ્યા છે અને એ જાણવા માટે કે ત્યાં સુરંગ છે કે નહીં.





