Jharkhand Politics : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા ચંપઈ સોરેને ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મૌન તોડ્યું છે. રવિવારે તેમણે કહ્યું કે તેમની પાસે આગળ વધવા માટે ત્રણ વિકલ્પ છે. જો કે ભારતીય જનતા પાર્ટીમાં જવા અંગે હજુ સુધી તેમણે કંઇ સ્પષ્ટ રીતે કહ્યું નથી. ચંપઈ સોરેને જણાવ્યું હતું કે છેલ્લા ચાર દાયકાની મારી નિષ્કલંક રાજકીય સફરમાં હું પહેલી વાર અંદરથી તૂટી ગયો છું. આટલું અપમાન કર્યા પછી મારે અન્ય માર્ગો શોધવા મજબૂર થવું પડ્યું છે.
ઝારખંડના પૂર્વ સીએમ ચંપઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે આજે સમાચાર જોયા પછી, તમારા બધાના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થતા હશે. છેવટે એવું તે શું થયું જેણે કોલ્હાન નામના નાનકડા ગામમાં રહેતા એક ગરીબ ખેડૂતના પુત્રને આ તબક્કે લાવી દીધો. મારા જાહેર જીવનની શરૂઆતમાં ઔદ્યોગિક ગૃહો સામે કામદારોનો અવાજ ઉઠાવવાથી માંડીને ઝારખંડ આંદોલનસુધી, મેં હંમેશાં જન સરોકારની રાજનીતિ કરી છે. હું રાજ્યના આદિવાસીઓ, મૂળનિવાસી, ગરીબો, મજૂરો, વિદ્યાર્થીઓ અને પછાત વર્ગોને તેમના અધિકારો અપાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. કોઈ પણ પદ પર હોય કે ન હોય, પરંતુ દરેક ક્ષણે જનતા માટે ઉપલબ્ધ હતા, લોકોના મુદ્દો ઉઠાવતો રહ્યો હતો, જેમણે ઝારખંડ રાજ્ય સાથે પોતાના સારા ભવિષ્યના સપના જોયા હતા.
ઇન્ડિયા એલાયન્સે મને સીએમ તરીકે ચૂંટ્યો હતો : ચંપઇ સોરેન
ચંપઇ સોરેને આગળ કહ્યું કે 31 જાન્યુઆરીની એક અભૂતપૂર્વ ઘટનાક્રમ પછી ઇન્ડિયા ગઠબંધને મને ઝારખંડના 12માં મુખ્યમંત્રી તરીકે રાજ્યની સેવા કરવા માટે પસંદ કર્યો હતો. મારા કાર્યકાળના પહેલા દિવસથી લઈને અંતિમ દિવસ (3 જુલાઈ) સુધી મેં ખૂબ જ નિષ્ઠા અને સમર્પણ સાથે રાજ્ય પ્રત્યેની મારી ફરજો નિભાવી. આ સમય દરમિયાન અમે જાહેર હિતમાં ઘણા નિર્ણયો લીધા અને દરેકને માટે હંમેશા ઉપલબ્ધ રહ્યો. વડીલો, મહિલાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને સમાજના દરેક વર્ગ અને રાજ્યના દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને અમે જે નિર્ણયો લીધા તેનું મૂલ્યાંકન રાજ્યની જનતા કરશે.
મારા તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા : ચંપઈ સોરેન
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમણે બાબા તિલકા માંઝી, ભગવાન બિરસા મુંડા અને સિદો-કાન્હુ જેવા નાયકોને નમન કરીને રાજ્યની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો. ઝારખંડનું દરેક બાળક જાણે છે કે મારા કાર્યકાળ દરમિયાન મેં ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી અને ક્યારેય થવા દીધું નથી. આ દરમિયાન હૂલ દિવસના પછીના દિવસે, મને ખબર પડી કે પક્ષના નેતૃત્વ દ્વારા આગામી બે દિવસ માટેના મારા બધા કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. એક જાહેર કાર્યક્રમ દુમકામાં હતો જ્યારે બીજો પીજીટી શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કરવાનો હતો. પૂછવા પર જાણવા મળ્યું કે ગઠબંધન દ્વારા 3 જુલાઈના રોજ વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે, ત્યાં સુધી તમે સીએમ તરીકે કોઈ કાર્યક્રમમાં જઈ શકતા નથી.
મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી – ચંપઇ સોરેન
ચંપઈ સોરેને જણાવ્યું હતું કે શું લોકશાહીમાં આનાથી વધારે કશું અપમાનજનક હોઇ શકે કે એક મુખ્યમંત્રીના કાર્યક્રમો કોઇ અન્ય વ્યક્તિ રદ કરાવી દે. અપમાનનો આ કડવો ઘૂંટડો પીધો હોવા છતાં મેં કહ્યું કે નિમણૂક પત્રની વહેંચણી સવારે છે, જ્યારે બપોરે વિધાયક દળની બેઠક યોજાશે, તેથી આ કાર્યક્રમ પતાવી હું ત્યાં જ તેમાં જોડાઈશ. પરંતુ તે તરફથી સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો હતો.
છેલ્લા ચાર દાયકાની મારી નિષ્કલંક રાજકીય સફરમાં પહેલી વાર હું અંદરથી ભાંગી પડ્યો છું. મને સમજાતું ન હતું કે મારે શું કરવું. બે દિવસ સુધી શાંતિથી બેઠો રહ્યો અને આત્મનિરીક્ષણ કર્યું, આખી ઘટનામાં પોતાનો દોષ શોધતો રહ્યો. સત્તાની લાલચની સહેજ પણ ન હતી પરંતુ આત્મ સન્માન પર લાગેલી આ ચોટ હું કોને બતાવું. પોતાના પ્રિયજનો દ્વારા આપેલી પીડાને તે ક્યાં વ્યક્ત કરશે.
આ પણ વાંચો – શું કોલકાતા કેસમાં ‘મોટી માછલી’ ને બચાવવામાં આવી રહી છે? સહયોગીઓએ કર્યો મોટો ખુલાસો
ચંપઇ સોરેને કહ્યું કે પાર્ટીની કેન્દ્રીય કાર્યકારિણીની બેઠક વર્ષોથી થઈ રહી નથી અને એકતરફી આદેશો પારિત કરવામાં આવે છે ત્યારે હું કોની પાસે જઈને મારી સમસ્યા જણાવું. મારી ગણતરી આ પક્ષના સિનિયર સભ્યોમાં થાય છે, બાકીના જુનિયર છે અને સિનિયર સુપ્રીમો કે જેઓ મારાથી સિનિયર છે તેઓ હવે સ્વાસ્થ્યના કારણોસર રાજકારણમાં સક્રિય નથી. ત્યારે મારી પાસે કયો વિકલ્પ હતો. જો તેઓ સક્રિય હોત, તો કદાચ વસ્તુઓ જુદી હોત. ધારાસભ્ય દળની બેઠક બોલાવવાનો અધિકાર મુખ્યમંત્રીનો હોય છે, પરંતુ મને બેઠકનો એજન્ડા પણ જણાવવામાં આવ્યો ન હતો. મીટિંગ દરમિયાન મને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું. મને નવાઈ લાગી, પણ મને સત્તાની લાલચ ન હતી એટલે મેં તરત જ રાજીનામું આપી દીધું, પણ આત્મ સન્માન પર થયેલી ઈજાને કારણે દિલ ભાવુક હતું.
મારી પાસે ત્રણ વિકલ્પ છેઃ ચંપઇ સોરેન
ઝારખંડના પૂર્વ સીએમ ચંપઇ સોરેને કહ્યું કે હું છેલ્લા ત્રણ દિવસથી અપમાનજનક વ્યવહારથી ભાવુક થઇને હું આંસુઓને સંભાળવામાં લાગ્યો હતો, પરંતુ તેમને માત્ર ખુરશીની ચિંતા હતી. મને લાગ્યું કે જે પક્ષમાં મેં આખું જીવન સમર્પિત કરી દીધું છે, તેમાં મારું કોઈ અસ્તિત્વ જ નથી.
આ દરમિયાન આવી ઘણી અપમાનજનક ઘટનાઓ બની, જેનો ઉલ્લેખ હું હાલ કરવા નથી માગતો. આટલા બધા અપમાન અને તિરસ્કાર પછી મને વૈકલ્પિક માર્ગ શોધવાની ફરજ પડી. વિધાનસભા પક્ષની એ જ બેઠકમાં મેં ભારે હૈયે કહ્યું હતું કે આજથી મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મારી પાસે ત્રણ વિકલ્પો હતા. પહેલું, રાજકારણમાંથી નિવૃત્ત થવું, બીજું પોતાનું અલગ સંગઠન બનાવવું અને ત્રીજું, જો તમને આ માર્ગમાં ભાગીદાર મળે તેની સાથે આગળની સફર કરવી. તે દિવસથી લઇને આજ સુધી અને આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી સુધી મારા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે.
ચંપઈ સોરેને કહ્યું કે વધુ એક વાત, આ મારો વ્યક્તિગત સંઘર્ષ છે, તેથી પાર્ટીના કોઈ પણ સભ્યને તેમાં સામેલ કરવાનો કે સંગઠનને કોઈ નુકસાન પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી. આપણે જે પાર્ટીને આપણા લોહી અને પરસેવાથી પાણી ઉભી કરી છે તેને નુકસાન પહોંચાડવાનું ક્યારેય વિચારી પણ ન શકીએ.