દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જાય છે અને ત્યાં સેટલ થવાનું વિચારે છે. જો તમે કેનેડામાં નોકરી કરવાનું સપનું જોઇ રહ્યા છો તો તમારા માટે માઠા સમાચાર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ચૂંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે. તેમણે કેનેડામાં અસ્થાઇ નોકરી કરનારા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. જેની અસર કેનેડામાં કામ કરતા વિદેશીઓ અને ભારતીયો પર પડશે.
જસ્ટિન ટુડો એ શું લીધો નિર્ણય
ટુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે, રોજગારમાં બદલાવ આવી રહ્યો છે. કેનેડામાં ઓછા પગારમાં નોકરી કરતા અસ્થાઇ વિદેશી કર્મચારીઓની સંખ્યા ઓછી કરવામાં આવશે. વધુમાં તેમણે લખ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે કેનેડાના વ્યવસાય સ્થાનિક શ્રમિકો અને યુવાઓ ચલાવે.
કેનેડા ટુર વિઝા નિયમ પણ બદલાશે?
કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશીઓની સંખ્યામાં તેજીથી વધારો થઇ રહ્યો છે. જેને લીધે બેરોજગારી પણ વધી રહી છે. દેશના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે તાજેતરમાં આ મામલે ઇશારો કરતાં કહ્યું હતું કે, પ્રવાસન નિયમો કેનેડાના લોકોના આધારે હોવા જોઇએ કારણ કે નોકરીઓ સતત ઘટી રહી છે. આ મામલે યોગ્ય પગલાં લેવા જરુરી છે.
આ પણ વાંચો – ગુજરાત પોલીસ નિગમમાં નોકરી
નવા નિયમો ક્યાં લાગુ પડશે
નવા નિયમો અનુસાર ઓછા વેતનવાળી નોકરી માટેની પરમીટ બે વર્ષથી ઘટાડીને માત્ર એક વર્ષ કરી દેવાશે. આ ઉપરાંત કૃષિ, સ્વાસ્થ્ય સારસંભાળ અને નિર્માણ ક્ષેત્રે છુટ આપવામાં આવશે. જે સ્થળોએ બેરોજગારી દર છ ટકા કે એનાથી વધુ છે ત્યાં ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને કામ આપવામાં નહીં આવે. અસ્થાયી વિદેશી શ્રમિકો રાખવાની હિસ્સેદારી 20 ટકાથી ઘટાડી 10 ટકા કરી દેવાશે.