મહામારી બાદ હવે મંદીના (recession) વાદળો વૈશ્વિક અર્થવ્યવસ્થા (global economy) પર ઘેરાય રહ્યા છે. મંદીની દહેશતે ફરીવાર મોટી સંખ્યામાં લોકો નોકરી ગુમાવે (job losses)તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. KPMG 2022 CEO આઉટલુકએ તેના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કર્યો છે કે વૈશ્વિક સ્તરે મંદીના ડરને કારણે લોકોની નોકરીઓ પર છટણીની (staff layoff) તલવાર લટકી રહી છે.
આ રિપોર્ટ અનુસાર, વિશ્વભરના લગભગ 46 ટકા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આગામી 6 મહિનામાં મોટા પાયે છટણી કરવાની યોજના બનાવી રહ્યા છે, જ્યારે 39 ટકા CEOએ નવી ભરતી પર રોક લગાવી દીધી છે. કેપીએમજી એ તેના આ સર્વે રિપોર્ટમાં વિશ્વના વિવિધ દેશોની મોટી કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં, કેપીએમજીએ સીઈઓને મંદીની સંભાવના અને તેનો સામનો કરવાની તેમની વ્યૂહરચના અંગે પ્રશ્નો પૂછ્યા છે.
ભારત, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સ્પેન, યુએસએ અને યુકે સહિત લગભગ 11 દેશોમાં હાથ ધરાયેલા સર્વેમાં કેપીએમજીએ બેંકિંગ, ગ્રાહક, મોટર્સ માર્કેટ, ટેલિકોમ સહિતના વિવિધ ક્ષેત્રોની 1300 કંપનીઓને આવરી લીધી હતી. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, “આંતરરાષ્ટ્રીય બજાર (international markets)માં મંદીના ભયને કારણે અસ્થિરતા આવી શકે છે. બજારમાં આ અસ્થિરતાને જોતા, 39 ટકા CEOએ કંપનીમાં નવી ભરતી અટકાવી દીધી છે, જ્યારે 46 ટકા આગામી 6 મહિનામાં છૂટણી કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કંપનીની પોલિસીથી નારાજ, કરિયરમાં પ્રગતિ, ઉદ્યોગમાં ફેરફાર, પગારથી નાખુશ અને અન્ય કારણોને કારણે મોટી સંખ્યામાં લોકોએ રાજીનામું આપ્યું છે. આ રિપોર્ટ જણાવે છે કે, 58% કંપનીઓ મંદી હળવી અને ટુંકી હોવાની અપેક્ષા રાખે છે. 10માંથી 8 CEO માને છે કે આ હળવી મંદી 12 મહિના એટલે કે એક વર્ષ સુધી ચાલી શકે છે. જો કે, ત્રણ-ચતુર્થાંશ લોકોએ પહેલેથી જ સાવચેતીનાં પગલાં લીધાં છે.
KPMG 2022 CEO આઉટલૂક રિપોર્ટના મુખ્ય તારણોઃ-
આ સર્વેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, સ્પેન, યુકે અને યુએસ જેવા મોટા દેશોની કંપનીઓને સામેલ કરાઇ.
મંદની દહેશતે આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા રહેશે.
મંદીના ડરને કારણે, 39% CEOએ પહેલેથી જ ભરતી પર રોક લગાવી.
આગામી 6 મહિનામાં 46 ટકા CEOની છટણી કરવાની યોજના.
કંપનીની પોલિસી સહિત અન્ય કારણોસર મોટી સંખ્યામાં લોકો નોકરી છોડી રહ્યા છે.