કોણ છે જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય ? કલકત્તા હાઈકોર્ટમાંથી આપ્યું રાજીનામું, ભાજપમાંથી લડી શકે છે લોકસભા ચૂંટણી

જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય ભાજપની ટિકિટ પર તમલુક લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં તમલુક બેઠક પર ટીએમસીના દિબ્યેન્દુ અધિકારીએ જીત મેળવી હતી

Written by Ashish Goyal
Updated : March 06, 2024 13:47 IST
કોણ છે જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય ? કલકત્તા હાઈકોર્ટમાંથી આપ્યું રાજીનામું, ભાજપમાંથી લડી શકે છે લોકસભા ચૂંટણી
કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય 7 માર્ચે ભાજપમાં જોડાશે (Express photo by Partha Paul)

Justice Abhijit Gangopadhyay : કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અભિજીત 7 માર્ચે ભાજપમાં જોડાશે અને આ પહેલા તેમણે કહ્યું કે ટીએમસી સામે માત્ર ભાજપ જ લડી શકે છે. પાર્ટીમાં પોતાની ભૂમિકાને લઈને તેમણે કહ્યું કે આ હાઈકમાન્ડ નક્કી કરશે કે હું કઈ સીટ પરથી ચૂંટણી લડીશ.

અભિજીત ગંગોપાધ્યાય vs મમતા સરકાર

છેલ્લાં બે વર્ષમાં જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે અવારનવાર મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં તેમના શાસનની ટીકા કરતા જોવા મળ્યા હતા. કેટલાક અહેવાલો સૂચવે છે કે જસ્ટિસ ભાજપની ટિકિટ પર તમલુક લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં તમલુક બેઠક પર ટીએમસીના દિબ્યેન્દુ અધિકારીએ જીત મેળવી હતી.

તમલુક બેઠક તૃણમૂલ કોંગ્રેસનો ગઢ રહી છે. 2009ની ચૂંટણી પછીથી ટીએમસી પાર્ટીએ આ બેઠક પર વિજય મેળવ્યો છે. જસ્ટિસ અભિજીતે કહ્યું કે શાસક પક્ષના ટોણાને કારણે મને આ પગલું ભરવાની ફરજ પડી છે. તેના મહેણાં-ટોણાં અને નિવેદનોએ મને આ પગલું ભરવા માટે પ્રેર્યો છે.સત્તા પક્ષે મારું ઘણી વાર અપમાન કર્યું છે. તેમના પ્રવક્તાઓએ મારા પર અસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મને લાગે છે કે તેમને પોતાની શિક્ષાને લઇને સમસ્યા છે.

આ પણ વાંચો – કલકત્તા હાઈકોર્ટના જજ અભિજીત ગંગોપાધ્યાય રાજનીતિમાં પ્રવેશ કરશે, ભાજપ-કોંગ્રેસ બન્નેએ કર્યું સ્વાગત

જમીન મહેસૂલ અધિકારી તરીકે કારકિર્દી શરૂ કરી

જસ્ટિસ ગંગોપાધ્યાયનો જન્મ 19 ઓગસ્ટ 1962ના રોજ થયો હતો. કલકત્તા યુનિવર્સિટીની હાજરા લૉ કૉલેજમાંથી સ્નાતક થયેલા અભિજિતે પશ્ચિમ બંગાળ સિવિલ સર્વિસીસમાં ગ્રેડ-એ ઓફિસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જમીન મહેસૂલ અધિકારી તરીકે તેમણે સ્થાનિક ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરતા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાનું શરૂ થયું.

આ પછી તેમણે રાજીનામું પણ આપવું પડ્યું હતું. પછી તે કોલકાતા પાછા ગયા હતા. ત્યારબાદ તેમણે કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી અને ઘણી વીમા કંપનીઓ અને વીમા નિયમનકાર માટે પેનલ સલાહકાર તરીકે કામ કરતા રહ્યા હતા.

સીજેઆઈએ પણ વ્યક્ત કરી ચુક્યા છે નારાજગી

2022માં ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. ગત વર્ષે જસ્ટિસે શિક્ષકોની ભરતી કૌભાંડ સાથે જોડાયેલા એક પેન્ડિંગ કેસમાં એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યા બાદ સુપ્રીમ કોર્ટની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. આ પછી સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સંબંધિત કેસોને અન્ય જસ્ટિસને મોકલવાનો આદેશ આપ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ