Justice Sanjiv Khanna, ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના: જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51મા ચીફ જસ્ટિસ (CJI) બન્યા છે. 11 નવેમ્બરે રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ સંજીવ ખન્નાને સીજેઆઈ તરીકે શપથ લેવડાવ્યા હતા. તેમના પિતા દેવરાજ ખન્ના વકીલ હતા જે બાદમાં દિલ્હી હાઈકોર્ટના જજ બન્યા હતા. જ્યારે તેમની માતા સરોજ ખન્ના લેડી શ્રી રામ કોલેજમાં લેક્ચરર હતા.
જસ્ટિસ ખન્નાના માતા અને પિતા તેમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવા માંગતા હતા કારણ કે તેમનું માનવું હતું કે કાયદાકીય વ્યવસાયમાં ઘણો સંઘર્ષ અને મહેનત છે. પરંતુ પોતાના કાકા અને લેજન્ડરી જજ જસ્ટિસ હંસરાજ ખન્નાથી પ્રભાવિત થઈને સંજીવ ખન્નાએ વકીલાતનો માર્ગ પસંદ કર્યો હતો. આ જ રસ્તે આગળ વધતા જસ્ટિસ સંજીવ ખન્ના હવે દેશના સીજેઆઈ બન્યા છે.
ન્યાયમૂર્તિ હંસરાજ ખન્નાએ 1976માં એડીએમ, જબલપુર વર્સિસ શિવકાંત શુક્લા (1976)ના “હેબિયસ કોર્પસ કેસ”માં એકમાત્ર અસંમતિપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ પછી તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે વરિષ્ઠતમ જજ જસ્ટિસ હંસરાજ ખન્નાની વરિષ્ઠતાને બાજુએ મુકીને જાન્યુઆરી 1977માં જસ્ટિસ એમએચ બેગને દેશના ચીફ જસ્ટિસ બનાવ્યા હતા. જે બાદ જસ્ટિસ હંસરાજ ખન્નાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
જસ્ટિસ સંજીવ ખન્ના કાકાને પોતાના આદર્શ માને છે
એનડીટીવીએ જસ્ટિસ સંજીવ ખન્ના સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સંજીવ ખન્ના તેમના કાકા જસ્ટિસ એચઆર ખન્નાને આદર્શ માનતા હતા. તે તેમના કામ પર નજર રાખતા હતા. સંજીવ ખન્ના એ વાત નોટિસ કરતા હતા કે જસ્ટિસ એચઆર ખન્ના માત્ર પોતાના જ નહીં પરંતુ પરિવારના અન્ય સભ્યોના શૂઝ પણ પોલિશ કરતા હતા. તે પોતાના કપડાં પણ જાતે ધોતા હતા.
સૂત્રોએ કહ્યું કે જસ્ટિસ ખન્નાના ન્યાયિક કાર્યથી પ્રભાવિત સંજીવ ખન્નાએ તેમના બધા જજમેન્ટ નોટ, રજિસ્ટર વગેરે આજે પણ સાચવી રાખ્યા છે. તેઓ સમયાંતરે આ નોટ્સને જોતા રહે છે. જસ્ટિસ ખન્ના ઇચ્છે છે કે આ તમામ નોટો સુપ્રીમ કોર્ટ લાઇબ્રેરી અથવા મ્યુઝિયમને આપવામાં આવે.
આ પણ વાંચો – સંજીવ ખન્ના બન્યા સુપ્રીમ કોર્ટના 51મા નવા ચીફ જસ્ટિસ
આ પણ એક સુખદ સંયોગ છે કે જસ્ટિસ સંજીવ ખન્નાએ 18 જાન્યુઆરી 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા બાદ પોતાના પહેલા દિવસની શરૂઆત એ જ કોર્ટરૂમ-2માં કરી હતી, જ્યાંથી તેમના કાકા જસ્ટિસ એચ આર ખન્ના નિવૃત્ત થયા હતા. આ કોર્ટરૂમમાં જસ્ટિસ એચઆર ખન્નાની તસવીર પણ છે.
છેલ્લાં બે વર્ષથી જસ્ટિસ સંજીવ ખન્ના આ જ કોર્ટરૂમમાં સિનિયોરિટીમાં બીજા નંબરના જજ હોવાના કારણે પોતાના કાકાની તસવીરને પ્રણામ કરીને કોર્ટની કાર્યવાહીની શરૂઆત રહ્યા હતા.
જસ્ટિસ સંજીવ ખન્ના ક્યારે નિવૃત્ત થશે?
સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે જસ્ટિસ સંજીવ ખન્નાએ આ સમયગાળા દરમિયાન ક્યારેય તેમના કાકા જસ્ટિસ એચઆર ખન્નાની તસવીર સાથે તેમનો ફોટો લીધો ન હતો. તેમના મનમાં છે કે સીજેઆઈના પદ પરથી રિટાયર થતા પહેલા તે તેમની તસવીર સાથે પોતાનો ફોટો પડાવે. જસ્ટિસ સંજીવ ખન્ના 13 મે 2025 ના રોજ સીજેઆઈ તરીકે નિવૃત્ત થશે.
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના?
જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. 1983માં તેમણે બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં એડવોકેટ તરીકે નામ નોંધાવ્યું હતું. અહીંથી જ તેમની કાનૂની સફર શરૂ થઈ હતી. આ પહેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા. આ પછી તેમને દિલ્હી હાઈકોર્ટમાં પ્રમોટ કરવામાં આવ્યા હતા.
કેટલા વર્ષ સુધી દિલ્હી હાઈકોર્ટના જજ રહ્યા?
જસ્ટિસ ખન્ના 14 વર્ષ સુધી દિલ્હી હાઈકોર્ટમાં જજ રહ્યા હતા. તેઓ 2005માં એડિશનલ જજ અને 2006માં સ્થાયી જજ બન્યા હતા. જસ્ટિસ ખન્નાને 18 જાન્યુઆરી, 2019ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમણે 17 જૂન 2023 થી 25 ડિસેમ્બર 2023 સુધી સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ સમિતિના અધ્યક્ષ તરીકેનો હવાલો સંભાળ્યો હતો. હાલમાં તેઓ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને ગવર્નિંગ કાઉન્સિલ ઓફ નેશનલ જ્યુડિશિયલ એકેડેમી, ભોપાલના સભ્ય પણ છે





