Justice Suryakant Oath New CJI Of India : જસ્ટિસ સૂર્યકાંત ભારતની સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે સવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયમૂર્તિ સૂર્યકાંતને પદના શપથ લેવડાવ્યા હતા. તેઓ પૂર્વ સીજેઆઈ બીઆર ગવાઈની જગ્યા લેશે. જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા CJI છે.
ચીફ જસ્ટિસ બીઆર ગવાઈ 23 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા. 24 મે 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી પામેલા જસ્ટિસ સૂર્યકાંતનો કાર્યકાળ એક વર્ષ અને બે મહિનાનો રહેશે. તેઓ 9 ફેબ્રુઆરી 2027ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર 65 વર્ષ છે.
જસ્ટિસ સૂર્યકાંત કોણ છે?
જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. ન્યાયધીધ સૂર્યકાંત કલમ 370 હટાવવા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહી, ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને લિંગ સમાનતા સાથે સંબંધિત સીમાચિહ્નરૂપ ચુકાદાઓ સહિત બે દાયકાથી વધુના અનુભવ સાથે દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ સંભાળશે.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત એ ખંડપીઠનો હિસ્સો હતા જેણે બ્રિટિશ યુગના રાજદ્રોહ કાયદા પર રોક લગાવી હતી અને નિર્દેશ આપ્યો હતો કે જ્યાં સુધી સરકાર દ્વારા તેની સમીક્ષા ન થાય ત્યાં સુધી તેના હેઠળ કોઈ નવી એફઆઈઆર નોંધવામાં ન આવે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા દર્શાવતા એક આદેશમાં તેમણે ચૂંટણી પંચને બિહારમાં એસઆઈઆર પછી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા 65 લાખ નામોની વિગતો આપવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સહિતના બાર એસોસિએશનમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્દેશ આપવાનો પણ શ્રેય જસ્ટિસ સૂર્યકાંતને જાય છે. તેમણે સંરક્ષણ દળો માટે વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી) યોજનાને બંધારણીય રીતે માન્ય ગણાવી હતી અને સશસ્ત્ર દળોની મહિલા અધિકારીઓની અરજીઓ પર સુનાવણી કરવાનું ચાલુ રાખ્યું હતું, જેમાં સેનામાં કાયમી કમિશનમાં સમાનતા મેળવવાની માંગ કરવામાં આવી હતી.
જસ્ટિસ સૂર્યકાંત સાત ન્યાયાધીશોની બેન્ચનો હિસ્સો હતા, જેણે 1967 ના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ચુકાદાને રદ કર્યો હતો, જેણે સંસ્થાના લઘુમતી દરજ્જા પર પુનર્વિચારણાનો માર્ગ મોકળો કર્યો હતો. તેઓ પેગાસસ સ્પાયવેર કેસની સુનાવણી કરી રહેલી ન્યાયીક ખંડપીઠનો પણ ભાગ હતા, જેણે ગેરકાયદેસર સર્વેલન્સના આરોપોની તપાસ માટે સાયબર એક્સપકર્ટ્સ પેનલની નિમણૂક કરી હતી.
તેઓ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરનારી ખંડપીઠનો પણ હિસ્સો હતા. તેમણે કહ્યું હતું કે આવા કેસોમાં “ન્યાયિક રીતે પ્રશિક્ષિત મન” ની જરૂર હોય છે. (ઇનપુટ – ભાષા)





