Kolkata RG Kar Doctor Rape Murder Case: કલકત્તા આરજી કર ડોક્ટર રેપ મર્ડર કેસમાં સીબીઆઇએ શનિવારે મોટી કાર્યવાહી કરી છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને કોલકાતા પોલીસના એસએચઓ અભિજિત મંડલની હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલે ધરપકડ કરી છે. સંદીપ ઘોષને રવિવારે સિયાલદાહ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ તપાસમાં ખુલાસો થયો છે કે સંદીપ ઘોષ અને કોલકાતા પોલીસના એસએચઓ બંને તપાસમાં વિલંબ અને પુરાવા સાથે છેડછાડ કરવામાં કથિત રીતે સામેલ હતા.
સીબીઆઈને ઘોષનો આ દાવો શંકાસ્પદ લાગ્યો હતો કે તેમને સવારે 10.20 વાગ્યે ગુના વિશે જાણ થઈ હતી. તપાસ એજન્સીનું માનવું છે કે, મોન્ડલ અને ઘોષે ઘટનાઓના ક્રમ વિશે જૂઠું બોલ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપી સંજય રોયે નાર્કો ટેસ્ટ માટે પોતાની સંમતિ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં તપાસ એજન્સીની શંકા વધી હતી. બાદમાં કોલકાતાની એક કોર્ટે નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટેની રોયની અરજીને ફગાવી દીધી હતી.
ઘોષ હાલમાં પ્રેસિડેન્સી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને આ અઠવાડિયાની શરૂઆતમાં અહીં લાવવામાં આવ્યા હતા. કોર્ટે ઘોષને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ 24 ઓગસ્ટના રોજ સીબીઆઈએ કથિત ભ્રષ્ટાચારના કેસમાં ઘોષ વિરુદ્ધ સત્તાવાર એફઆઈઆર નોંધી હતી અને ધરપકડ પણ કરી હતી. ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ તપાસ વચ્ચે કોલકાતાના ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્વારા ઘોષનું સભ્યપદ પણ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
સંદીપ ઘોષ અને અભિજીત મંડલની ધરપકડ પર ભાજપે શું કહ્યું
આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અભિજિત મંડલની સીબીઆઇ દ્વારા ધરપકડ પર કેન્દ્રીય મંત્રી સુકંતા મજુમદારે કહ્યું કે, આજે કરવામાં આવેલી ધરપકડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને તાલા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જની ધરપકડ. પશ્ચિમ બંગાળના લોકો લાંબા સમયથી તેની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા હતા. મારો સવાલ એ છે કે શું એક નાના સ્ટેશનનો ઇન્ચાર્જ આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે. તેને ઉપરથી સૂચનાઓ મળી હોવી જોઈએ. સ્વાભાવિક રીતે જ, ટોચ પરના લોકોની ધરપકડ થવી જોઈએ. વિનીત ગોયલે હવે રાજીનામું આપી દેવું જોઇએ નહીંતર પશ્ચિમ બંગાળની જનતા મુખ્યમંત્રીને તેમના પદ પરથી હટાવી દેશે.
વિરોધ કરી રહેલા ડૉક્ટરોએ ઉજવણી કરી
“અમે કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના એસએચઓ અભિજિત મોંડલની ધરપકડની માંગ કરી રહ્યા હતા કારણ કે તેઓ પુરાવા સાથે ચેડા કરવામાં સામેલ હતા. અમે ખૂબ જ ખુશ છીએ કારણ કે સીબીઆઈએ તેની ધરપકડ કરી છે. સીબીઆઈએ પુરાવા સાથે ચેડા કરનારા અન્ય લોકોની પણ ધરપકડ કરવી જોઈએ.
કલકત્તા મહિલા ડોક્ટર રેપ અને મર્ડર કેસ
9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સેમિનાર હોલમાંથી એક મહિલા ડોક્ટરની લાશ મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે હત્યા પહેલા તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી. દરમિયાન, હજારો ડોકટરો અને નર્સિંગ સ્ટાફે પીડિતાને ન્યાય અને ડોકટરોની સલામતીની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.