Kargil Vijay Diwas 2024 Date, History : દર વર્ષે 26 જુલાઇના દિવસને કારગિલ વિજય દિવસ રૂપમાં ઉજવવામાં આવે છે. 1999માં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો. આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ-કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને ‘ઓપરેશન વિજય’ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
કારગિલ યુદ્ધ જીતી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના વીર સપૂતોનો એ ભવ્ય વિજય અને પોતાના દેશ માટે સૈનિકોની શહાદત ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે. ત્યારથી દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કારગિલ યુદ્ધની વીરતાભરી કહાની.
- ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. આ સંઘર્ષના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા યુદ્ધો થયા હતા. ખાસ કરીને કાશ્મીરને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ચાલુ રહ્યો હતો.
- આ વિવાદને શાંત કરવા માટે ફેબ્રુઆરી 1999માં શાંતિપૂર્ણ સમાધાનના વચન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને કાશ્મીર ભારતના ભાગમાં રહ્યું હતું. જોકે આ પછી પણ ભારતીય સીમામાં પાકિસ્તાનની ઘૂસણખોરી ચાલુ જ રહી હતી.
- 3 મે 1999ના રોજ સેનાને સૂચના મળી હતી કે કારગિલમાં કેટલાક લોકો હરકત કરી રહ્યા છે. તાશી નામગ્યાલ નામના એક સ્થાનિક ચરવાહે સેનાને આ માહિતી આપી હતી. તાશી કારગિલના બાલ્ટિક સેક્ટરમાં પોતાની એક યાક શોધી રહ્યો હતો. ત્યારે તેને ત્યાં શંકાસ્પદ પાકિસ્તાનના સૈનિકો દેખાયા હતા.
- આ પછી 5 મેના રોજ ભારતીય સેના પેટ્રોલિંગ પર નીકળી હતી. આ દરમિયાન સેનાના પાંચ જવાનોને બંધક બનાવીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
- આ પછી 8 મે 1999 ના રોજ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ કારગિલની ટોચ પર જોવા મળ્યા હતા. જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધ શરુ થયું હતું. આ યુદ્ધમાં 2 લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો અને આ યુદ્ધ 60 દિવસ સુધી ચાલ્યું હતું.
આ પણ વાંચો – પઠાનકોટના એક ગામમાં જોવા મળ્યા 7 શકમંદો, જંગલમાં ગાયબ થયા, પોલીસે સ્કેચ જાહેર કર્યો
- 9 જૂનના રોજ ભારતીય સેનાએ બાલ્ટિક ક્ષેત્રમાં 2 ચોકીઓ પર કબજો કર્યો હતો, 13 જૂને દ્રાસ સેક્ટરમાં તોતોલિંગ ખાતે ધ્વજ ફરકાવ્યો હતો અને 29 જૂને ભારતીય સૈન્યએ વધુ બે મહત્વપૂર્ણ પોસ્ટ્સ પોઇન્ટ 5060 અને પોઇન્ટ 5100 કબજે કરી હતી.
- 2 જુલાઈના રોજ કારગિલમાં ત્રિપલ હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં ભારતીય સેનાએ 4 જુલાઈના રોજ ટાઇગર હિલ પર કબ્જો કર્યો હતો. 5 જુલાઇએ દ્રાસ પર કબ્જો કર્યો હતો, 7 જુલાઇના રોજ જુબાર શિખર પર ધ્વજ ફરકાવ્યો હતો અને 11 જુલાઇએ ફરી એકવાર બટાલિકના મુખ્ય શિખરો પર ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
- આ પછી 14 જુલાઈ 1999ના રોજ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કારગિલને ઘૂસણખોરોથી મુક્ત કરવા માટે ઓપરેશન વિજયની સફળતાની જાહેરાત કરી હતી.
- આ પણ વાંચો – ફ્લાઇટ લેફ્ટેનન્ટ નચિકેતાની શૌર્યભરી કહાની
- આ પણ વાંચો – કારગિલ વિજય દિવસ પર શહીદો માટે શ્રદ્ધાંજલી સંદેશ – જરા યાદ કરો કુરબાની
- આખરે 26 જુલાઈ 1999ના રોજ કારગિલ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો હતો અને ભારતની વિજયગાથા ચારેય તરફ ગુંજી ઉંઠી હતી.
- કારગિલ યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા, જેમાં કેપ્ટન વિક્રમ બત્રા પણ હતા.