Ajab Gajab : કેટલીક કહાનીઓ આપણને વિચારવા મજબૂર કરે છે. આવો જ એક કિસ્સો કર્ણાટકના બેલાગવી જિલ્લાનો છે. અહીં નિપાણી તાલુકાના યમગરણી ગામમાં એક ડોગની સત્ય ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. માલિક અને અનમોલ પ્રાણી વચ્ચેનો આ પ્રેમ હવે સોશિયલ મીડિયા પર પણ હેડલાઇન્સ બનાવી રહ્યો છે.
આ ગામના કેટલાક લોકો ડોગને ફુલહારની માળા પહેરાવી તિલક લગાવી રહ્યા હતા. આખું ગામ તેને આવકારવા ઉમટ્યું. આ લેખમાં અમે તમને આ આખી કહાની જણાવી રહ્યા છીએ.
ખોવાયેલા શ્વાનમે આવકારવા માટે આખા ગામના લોકો ફૂલો અને તોરણો સાથે એકઠા થયા હતા. લોકોએ ડોગને માળા પહેરાવી અને પછી તેને પૂરા ગામમાં ફેરવ્યું. એટલું જ નહીં, ગામના લોકોએ તેના સ્વાગત માટે આખા ગામમાં મિજબાનીનું આયોજન કર્યું હતું. ગ્રામજનો માટે ખોવાયેલા ડોગનું પરત આવવું એ એક ચમત્કાર છે. ગામના લોકો આ ડોગને પ્રેમથી મહારાજ કહે છે.
વાસ્તવમાં, કૂતરો દક્ષિણ મહારાષ્ટ્રના તીર્થધામ પંઢરપુરમાં ભીડમાં ખોવાઈ ગયો હતો, પરંતુ લગભગ 250 કિમીની મુસાફરી કરીને તે ઉત્તર કર્ણાટકના બેલાગવી ગામમાં પાછો ફર્યો હતો. જૂનના છેલ્લા સપ્તાહમાં મહારાજ તેના માલિક સાથે વાર્ષિક ‘વારી પદયાત્રા’ પર ગયો હતા. તે તેના માલિક કમલેશ કુંભારના પાછળ-પાછળ ચાલતો જ ગયો હતો. કુંભારે જણાવ્યું કે, તેઓ દર વર્ષે અષાઢ એકાદશી અને કાર્તિકી એકાદશીના દિવસે પંઢરપુર જાય છે. તેમણે કહ્યું, આ વખતે મહારાજ પણ તેમની સાથે હતો.
કુંભારે કહ્યું કે, મહારાજને હંમેશા ભજન સાંભળવાનું પસંદ હતું. એકવાર તે મારી સાથે મહાબળેશ્વર નજીક જ્યોતિબા મંદિરની યાત્રાએ પણ પગપાળા આવ્યો હતો. તે મારી સાથે ભજન સાંભળીને લગભગ 250 કિમી સુધી ચાલ્યો. તે અમારા સંઘ સાથે ચાલતો હતો, તે અમને બધાને ભજન ગાતા સાંભળતો હતો.
માલિકે ઘણી શોધ કરી પણ મહરાજ ક્યાંય ન મળ્યો
કુંભારે વધુમાં જણાવ્યું હતું કે, વિઠોબા મંદિરની મુલાકાત લીધા પછી તેમણે જોયું કે, મહારાજ (કૂતરો) ગુમ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ તેને શોધવા માટે બહાર ગયો તો ત્યાંના લોકોએ તેમને કહ્યું કે, ડોગને બીજા જૂથ સાથે જતો જોયો છે. “મેં ત્યારબાદ પણ તેને બધે જ શોધ્યો હતો અને તે મળ્યો નહોતો. મને લાગ્યું કે, કદાચ લોકો સાચા છે કે, તે બીજા કોઈ સંઘની સાથે આગળ વધ્યો હશે. કમલેશે વધુમાં કહ્યું, “હું 14 જુલાઈના રોજ મારા ઘરે પાછો ફર્યો હતો”.
કુંભાર આગળ કહે છે, “બીજે દિવસે મહારાજ મારા ઘરની સામે ઉભો હતો. જાણે કશું બન્યું જ ન હોય એમ તે પૂંછડી હલાવતો હતો. તે સ્વસ્થ્ય અને એકદમ સારો દેખાતો હતો.” કુંભારએ જણાવ્યું કે, મહારાજ પાછો મળવાની ખુશીમાં તેમણે અને ગામના લોકોએ સાથે મળીને મિજબાની કરી અને ઉજવણી કરી.
ગામના લોકો કહે છે કે, મહારાજને તેમના ગામનો રસ્તો મળી ગયો અને એકલો આટલે દૂરથી ચાલીને ગામમાં પહોંચ્યા તે એક ચમત્કાર છે. તે ઘરથી 250 કિમીથી વધુ દૂર હતો, જ્યારે ખોવાઈ ગયો. અમે માનીએ છીએ કે, તે ભગવાન પાંડુરંગા હતા જેમણે મહારાજાને માર્ગ બતાવ્યો હતો.





