Karnataka High Court Judgement On Child Pornography Case: ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઓનલાઈન જોવા વિશે કર્ણાટક હાઇકોર્ટે મોટું નિવેદન આપ્યું છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઓનલાઇન જોવી એ આઇટી એક્ટ હેઠળ ગુનો ન કહી શકાય, એવું કર્ણાટક હાઇકોર્ટે અવલોકન કર્યું છે. હકીકતમાં એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ઉલ્લેખ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈએ માત્ર ચાઇલ્ડ પોર્નોગ્રાફી જ જોઇ છે, તો તેની સામે કેસ નોંધી શકાતો નથી, જ્યાં સુધી આવા વીડિયો અથવા તસવીર શેર કરવામાં આવ્યા ન હોય ત્યાં સુધી તેને આઇટી એક્ટ હેઠળ ગુનો માનવામાં આવશે નહીં.
શું છે આ સમગ્ર મામલો?
આ કેસની વાત કરીયે તો ગયા વર્ષે ઈનાયતુલ્લાહ નામના એક વ્યક્તિ પર આરોપ લાગ્યો હતો કે તેણે પોતાના ફોનમાં 50 મિનિટ સુધી બાળકોની અશ્લીલ તસવીરો જોઈ હતી, તેણે પોર્ન વીડિયો જોયા હતા. આ ઘટનાના બે મહિના બાદ બેંગલુરુ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 બી હેઠળ ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ આ ફરિયાદને ઈનાયતુલ્લાહ એ પડકારી હતી.
અરજદારના વકીલે શું કહ્યું?
અરજદારના વકીલે અદાલતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તેમના અસીલને બાળકોના પોર્ન વીડિયો જોવાની લત લાગી ગઇ છે, પરંતુ તેમણે ક્યારેય આવા વીડિયો શેર કર્યા નથી કે વાયરલ કર્યા નથી. આ તર્કના આધારે કેસ પાછો ખેંચવાની માગણી કરવામાં આવી હતી. જોકે, સામા પક્ષે એવી દલીલ કરી હતી કે, આ વ્યક્તિએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોઇ છે અને તેની સામે પગલાં લેવા જોઇએ. પરંતુ હાઈકોર્ટે સમગ્ર કેસની સુનાવણી બાદ ફરિયાદ રદ કરવાનો નિર્ણય લીધો છે.
હાઇકોર્ટે શું કહ્યું?
કર્ણાટક હાઇકોર્ટે કહ્યું કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67બીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ બાળકોની અશ્લીલ તસવીરો બનાવે છે અને ઈલેક્ટ્રોનિક માધ્યમથી શેર કરે છે તો તેને સજા થઈ શકે છે. પરંતુ અહીં અરજદારે કોઈ પોર્નોગ્રાફી બનાવી નથી, તેણે કોઈને શેર પણ નથી કરી, તેણે માત્ર જોયું છે. આઈટી એક્ટમાં તેને ગુનો ગણી શકાય નહીં.
આ પણ વાંચો | નકલી દસ્તાવેજો સાથે નોકરી મેળવનાર IAS પૂજા ખેડકર એકલી નથી, અન્ય અધિકારીઓ…
કર્ણાટક હાઇકોર્ટના ચુકાદો કેમ મહત્વપૂર્ણ છે
હવે કર્ણાટક હાઈકોર્ટ નો આ ચુકાદો એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે દેશમાં ઘણા પ્રસંગોએ એવા કેસ નોંધવામાં આવે છે જ્યાં કોઈએ પોર્નોગ્રાફી વીડિયો જોયો હોય. પરંતુ હવે જ્યારે અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી આ પ્રકારનો વીડિયો શેર ન કરવામાં આવે ત્યાં સુધી તેને અપરાધની શ્રેણીમાં લાવી શકાય નહીં.





