Kartavya Bhawan: દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીએ નવા કેન્દ્રીય સચિવાલયના એક બિલ્ડિંગ KB3નું ઉદ્ઘાટન કર્યું છે. તેને કર્તવ્ય ભવન નામ આપવામાં આવ્યું છે, જે હવે સત્તાનો એક મહત્વપૂર્ણ કોરિડોર માનવામાં આવે છે. અહીં લિફ્ટની સુવિધાથી લઈને એન્ટ્રી સ્માર્ટ કાર્ડ રીડર્સ પણ લગાવવામાં આવશે. કર્તવ્ય ભવનમાં કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ મંત્રીઓ અને અધિકારીઓનું કાર્યાલય પણ રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત 10 ઇમારતોમાંથી પ્રથમ કેબી 3નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટર, આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી તોખન સાહુ, કેબિનેટ સચિવ ટી વી સોમનાથન અને આવાસ અને શહેરી બાબતોના સચિવ શ્રીનિવાસ કટીકિથલા ઉપસ્થિત રહ્યા હતા.
કયા વિભાગોનું કાર્યાલય હશે?
નવા બિલ્ડિંગમાં ગૃહ મંત્રાલય, વિદેશ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ, ગ્રામીણ વિકાસ, કાર્મિક, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની સાથે સાથે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસ પણ હશે. નોર્થ બ્લોક, શાસ્ત્રી ભવન, કૃષિ ભવન અને ઉદ્યોગ ભવન સહિત જે ઇમારતોમાંથી આ મંત્રાલયો સ્થળાંતર કરી રહ્યા છે ત્યાં એક્સેસ કંટ્રોલ સિસ્ટમનો મર્યાદિત ઉપયોગ થાય છે.
હાલની સરકારી કચેરીની મોટાભાગની ઇમારતોમાં પ્રવેશનું નિયમન કાગળના પાસ અથવા સરકારી ઓળખકાર્ડ દ્વારા કરવામાં આવે છે અને સ્માર્ટ કાર્ડ રીડર્સ ફક્ત અધિકારીઓના શૌચાલયોની પહોંચ માટે જ લગાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય કર્તવ્ય ભવનમાં ટ્રાન્સફર થઇ ગયું છે, જ્યારે બાકીના મંત્રાલયોને ઉદ્ઘાટન બાદ ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો – પીએમ મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે જાય તેવી સંભાવના
મંત્રીએ પ્રોજેક્ટ વિશે માહિતી આપી
કેન્દ્રીય મંત્રી મનોહર લાલે મંગળવારે કેબી3માં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, ત્રણ ઈમારતો કેબી 1, 2 અને 3 નો ખર્ચ 3,690 કરોડ રૂપિયા છે અને અંતિમ ખર્ચ નિર્માણ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે. આ સાથે કેન્દ્રીય મંત્રીએ સંકુલ કેબી 1 અને 2ની અન્ય બે ઇમારતો વિશે જણાવ્યું હતું કે તેમનું કામ પણ 1 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
આ પત્રકાર પરિષદમાં આવાસ અને શહેરી બાબતોના સચિવ શ્રીનિવાસ કટીકિથલાએ જણાવ્યું હતું કે આ ઇમારત સરકારી તંત્રનો સૌથી મહત્ત્વનો અને સંવેદનશીલ ભાગ હોવાથી તેની સુરક્ષા વ્યવસ્થા વ્યાપક છે. તેમણે ઉમેર્યું હતું કે તેમાં માત્ર અંદર અને બહાર સીસીટીવી કન્ટ્રોલ સિસ્ટમ જ નથી, પણ ઓળખ-આધારિત એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ પણ છે.