આતંકવાદીઓ પર હુમલો કરવાની તૈયારી, 26 શંકાસ્પદોની અટકાયત, પેરા કમાન્ડો જંગલમાં ઉતર્યા

Kathua Terrorist Attack : કઠુઆ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના અને સુરક્ષાદળો આતંકીઓને શોધી પાડવા માટે જંગલ પહાડ એક કરી રહ્યા છે. સ્થાનિકોને પણ આતંકીઓને સપોર્ટ ન કરવા જણાવ્યું છે.

Written by Kiran Mehta
July 11, 2024 18:22 IST
આતંકવાદીઓ પર હુમલો કરવાની તૈયારી, 26 શંકાસ્પદોની અટકાયત, પેરા કમાન્ડો જંગલમાં ઉતર્યા
કઠુઆ આતંકવાદી હુમલો

Kathua Terrorist Attack | કઠુઆ આતંકી હુમલો : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે સુરક્ષા દળો પણ સજ્જ જોવા મળી રહ્યા છે. જમ્મુના કઠુઆ જિલ્લાના માચેડી-બિલાવર વિસ્તારમાં પહાડી જંગલોમાંથી આતંકીઓએ સેના પર હુમલો કર્યો હતો. પરંતુ સેનાના જવાનોએ પણ તેમની ચાલને નિષ્ફળ બનાવી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો.

સેનાના જવાનોએ આતંકવાદીઓ પર 5000 થી વધુ ગોળીઓ ચલાવી હતી, જેના કારણે આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ભાગવાની ફરજ પડી હતી. જમ્મુ અને કાશ્મીરમાં સોમવારે સેનાના જવાનોની ટ્રક પરના જીવલેણ હુમલાના સંબંધમાં કઠુઆ જિલ્લાના માચેડી-બિલાવર વિસ્તારના ઓછામાં ઓછા 26 રહેવાસીઓને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ હુમલા બાદ 22 ગઢવાલ રાઈફલ્સના પાંચ જવાન શહીદ થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.

એક અધિકારીએ જણાવ્યું કે, એનઆઈએની એક ટીમ એમ્બ્યુશ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસમાં પોલીસને મદદ કરી રહી છે. સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને પેરા કમાન્ડોના જવાનો આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારના પહાડી વિસ્તારો અને જંગલોમાં શોધ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈને પકડવામાં કે ઠાર કરવામાં આવ્યા નથી.

ભારે વરસાદના કારણે ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા શોધ ચલાવવી મુશ્કેલ બની ગઈ છે. અધિકારીઓએ બડનોટા ગામ નજીક ઘાત લગાવી હુમલાની ઘટનાઓને એકસાથે જોડવાનું શરૂ કર્યું છે. જ્યાં વધુ ફોર્સ આવે તે પહેલા બે કલાકથી વધુ સમય સુધી સતત ગોળીબાર ચાલ્યો હતો.

એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ, ત્રણના ગ્રુપમાં, પહાડી પર બે જગ્યાએ અને ગાઢ જંગલમાં છુપાઈને, ગ્રેનેડ અને ગોળીબારથી સૈનિકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બપોરના 3.30 વાગ્યે જ્યારે ટ્રકો માચેડી-કિંડલી-મલ્હાર રોડ પર વળાંક પર પહોંચી ત્યારે તેમના પર સતત ગોળીબાર થયો હતો.

ભારે ગોળીબારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, સૈનિકોએ વધુ જાનહાનિ અટકાવવા અને આતંકવાદીઓને તેમના હથિયારો ચલાવતા અટકાવવા ગોળીબાર ચાલુ રાખ્યો હતો. એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, ભારતીય સેનાની ગઢવાલ રેજિમેન્ટના સૈનિકોએ આતંકવાદીઓ પર 5,189 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના કારણે તેઓને સ્થળ પરથી ભાગી જવાની ફરજ પડી હતી.

પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના સહયોગી કાશ્મીર ટાઈગર્સે હુમલાની જવાબદારી લીધી હતી. સૂત્રોએ જણાવ્યું કે, સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે, શું તેઓએ ઓચિંતો હુમલો કરતા પહેલા આતંકવાદીઓને જોયા હતા કે તેમને કોઈ મદદ કરી હતી.

આ પણ વાંચો – IMD Weather Forecast Today : 13 જુલાઈ સુધી દેશભરમાં વરસાદનું એલર્ટ, ક્યાંક પૂરનો, તો ક્યાંક ભૂસ્ખલનનો ખતરો

અધિકારીઓએ આતંકીઓને આશ્રય આપવા, કે ભોજન આપવા અથવા આતંકવાદીઓને જોયા બાદ પણ વિસ્તારમાં છુપાઈ જવા અને નાસી છૂટવામાં મદદ કરનાર સ્થાનિકોને ચેતવણી આપી છે. જમ્મુમાં આતંકવાદ-સંબંધિત હિંસામાં તાજેતરના વધારાથી ઊંચાઈના વિસ્તારોના સ્થાનિકો ભયભીત થયા છે, જેમણે આતંકવાદી જોખમોનો સામનો કરવા ગ્રામ સંરક્ષણ જૂથોને મજબૂત બનાવવાની માંગ કરી છે. ડોડા જિલ્લામાં, મંગળવારે સાંજે ગોલી ઘડી-ભગવા જંગલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર બાદ બીજી શોધ ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ