Wayanad Landslide Tribal Family Rescued: કેરળના વાયનાડમાં ભયાનક ભૂસ્ખલન વચ્ચે જંગલમાં ફસાયેલા ચાર બાળકો સહિત એક આદિવાસી પરિવારને વન અધિકારીઓએ જંગલમાં બહાદુરીપૂર્વક બચાવી લીધા હતા. કલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.હાશીસના નેતૃત્વમાં ચાર સભ્યોની ટીમે ગુરુવારે એક આદિવાસી પરિવારને બચાવવા માટે જંગલની અંદર પ્રવેશ કર્યો હતો.
ગુફામાં ત્રણ બાળકો અને પિતા પણ ફસાયા, ખાવા માટે કંઈ ન હતું
વાયનાડના પનિયા સમુદાય સાથે સંબંધ ધરાવતો આ પરિવાર ટેકરી પરની ગુફામાં ફસાઈ ગયો હતો, જેમાં ઊંડી ખીણ હતી. પરિવારમાં એકથી ચાર વર્ષના ચાર બાળકો પણ હતા. વન અધિકારીઓની ટીમને ગુફા સુધી પહોંચવામાં સાડા ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો. હાશીસે જણાવ્યું હતું કે ગુરુવારે તેમને જંગલ વિસ્તાર નજીક એક મહિલા અને ચાર વર્ષનો છોકરો મળ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે વધુ ત્રણ બાળકો અને તેમના પિતા ગુફામાં ફસાયા છે અને તેમની પાસે ખાવા માટે કંઈ જ નથી.
આ પરિવાર આદિવાસી સમુદાયના એક ખાસ વર્ગનો છે, જે સામાન્ય રીતે બહારના લોકો સાથે ભળી જવાનું પસંદ કરતું નથી. તેઓ સામાન્ય રીતે વન પેદાશો પર આધાર નિર્ભર રહે છે અને ચોખા ખરીદવા માટે તે વસ્તુઓને સ્થાનિક બજારમાં વેચે છે. પરંતુ એવું લાગે છે કે ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તેમની પાસે ખાવા માટે કંઈ નહોતું.
ફોરેસ્ટ રેન્જ અધિકારીએ જણાવ્યું કે, ભારે વરસાદ વચ્ચે લપસણા અને ઉભા પહાડ પર ચઢાણ કરવું પડ્યું હતું. બાળકો ખૂબ જ ડરી ગયા હતા અને થાકી ગયા હતા, અમે તેમની સાથે જે કંઈ પણ ખાવાનું લઈ ગયા હતા તે આપી દીધું હતું. ઘણી સમજાવટ પછી, તેના પિતા અમારી સાથે આવવા માટે સંમત થયા. અમે બાળકોને અમારા શરીર સાથે બાંધી દીધા અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. તેઓને અટ્ટમાલા ઓફિસમાં લાવવામાં આવ્યા જ્યાં બાળકોને ખવડાવવામાં આવ્યા તેમજ કપડાં અને જુતા આપવામાં આવ્યા હતા. હાલ તેમને ત્યાં જ રાખવામાં આવ્યા છે. બાળકો હવે સુરક્ષિત છે.
સોશિયલ મીડિયા પર એક અધિકારી એક બાળકને પોતાના હાથમાં લઈને જઈ રહ્યો હોય તેવા દ્રશ્યો વાઈરલ થયા હતા. કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને સોશિયલ મીડિયા પર વન અધિકારીઓના બહાદુરીભર્યા પ્રયાસની પ્રશંસા કરી હતી. હેશીસની સાથે બ્લોક ફોરેસ્ટ ઓફિસર બી.એસ.જયચંદ્રન, બીટ ફોરેસ્ટ ઓફિસર કે.અનિલ કુમાર અને ક્વિક રિસ્પોન્સ ટીમના સભ્ય અનૂપ થોમસે સાત કિલોમીટરથી વધુ ચાલીને પરિવારને બચાવી લીધો હતો.