Independence Day 2024 : દેશ 15 ઓગસ્ટ, 2024 ના રોજ પોતાનો 78 મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ આઝાદી મેળવવા માટે અનેક વીર સપૂતોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આપણો પ્રથમ સ્વતંત્રતા દિવસ 77 વર્ષ પહેલા 15 ઓગસ્ટ 1947ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
ઘણાં વર્ષોના સંઘર્ષ બાદ આખરે બ્રિટિશ સંસદે ભારતને આઝાદ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ કરવા માટે સંસદે ભારતના છેલ્લા બ્રિટીશ ગવર્નર જનરલ લુઇસ માઉન્ટબેટનને 30 જૂન, 1947 સુધીમાં ભારતને સત્તા સોંપવાનો આદેશ આપ્યો હતો.
જોકે માઉન્ટબેટને આ તારીખ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો અને ભારત સરકારને સત્તા સોંપવા માટે 15 ઓગસ્ટ, 1947ની પસંદગી કરી. તેમણે બે કારણોસર આ પગલાને યોગ્ય ઠેરવ્યું હતું. પહેલું તેઓએ કહ્યું કે તેઓ રક્તપાત અથવા રમખાણો ઇચ્છતા નથી અને બીજું માઉન્ટબેટને 15 ઓગસ્ટની પસંદગી કરી કારણ કે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનની શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી.
ભારતીય સ્વતંત્રતા બિલ 4 જુલાઈ 1947 ના રોજ બ્રિટીશ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું
માઉન્ટબેટનના ઇન્પુટના આધારે ભારતીય સ્વતંત્રતા બિલ 4 જુલાઈ 1947 ના રોજ બ્રિટીશ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું અને એક પખવાડિયામાં પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદામાં 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતમાં બ્રિટિશ શાસનનો અંત લાવવાની અને ભારત અને પાકિસ્તાનના ડોમિનિયનની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી હતી. બંને દેશોને બ્રિટિશ કોમનવેલ્થથી અલગ થવાની મંજૂરી આપવામાં આવી હતી.
ફ્રીડમ એટ મિડનાઇટમાં માઉન્ટબેટનને ટાંકવામાં આવ્યું છે મેં જે તારીખ પસંદ કરી હતી તે અચાનક સામે આવી ગઈ. મેં એક પ્રશ્નના રૂપમાં આ પસંદ કરી. હું એ બતાવવા સંકલ્પબદ્ધ હતો કે હું આખા આયોજનનો માસ્ટર છું. જ્યારે મને પૂછવામાં આવ્યું કે શું કોઈ તારીખ નક્કી કરી છે? હું જાણતો હતો કે તે ટૂંક સમયમાં જ થવાનું છે. ત્યાં સુધી મેં તે વિશે યોગ્ય રીતે વિચાર્યું ન હતું. મેં વિચાર્યું કે તે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની આસપાસ હશે અને પછી મેં 15 ઓગસ્ટની તારીખ આપી કારણ કે તે જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ 1945ના રોજ કોરિયા દ્વીપ જાપાનના ક્રૂર શાસનમાંથી મુક્ત થયું હતું.
ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ (Indian Independence Bill)શું છે?
માઉન્ટબેટનના નિર્ણય બાદ ભારતીય સ્વતંત્રતા બિલ 4 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ સંસદના હાઉસ ઓફ કોમન્સમાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં ભારતની આઝાદી ઉપરાંત તત્કાલિન દેશને ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત કરવાની વાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો – ધ્વજવંદન અને ધ્વજ ફરકાવવા વચ્ચે શું તફાવત છે, તમે કદાચ આ નહી જાણતા હોવ
ભારત અને પાકિસ્તાન બંનેને એક જ તારીખે આઝાદી મળી પરંતુ પાકિસ્તાન 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. પાકિસ્તાનની આઝાદીની તારીખ પણ 15 ઓગસ્ટ છે. ભારતીય સ્વતંત્રતા બિલમાં બંને દેશોની આઝાદીની તારીખ 15 ઓગસ્ટ જણાવવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા જારી કરવામાં આવેલી પ્રથમ ટપાલ ટિકિટમાં 15 ઓગસ્ટને તેનો સ્વતંત્રતા દિવસ ગણાવ્યો હતો.
મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાનને પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે 15 ઓગસ્ટ પાકિસ્તાન સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ બનવાનો દિવસ છે. તે મુસ્લિમ રાષ્ટ્રના ભાગ્યની પરિપૂર્ણતાનું પ્રતીક છે, જેણે તેની માતૃભૂમિ મેળવવા માટે વર્ષોથી મહાન બલિદાન આપ્યું છે.
1948માં પાકિસ્તાને 14 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. આવું એટલા માટે થયું કારણ કે કરાચીમાં સત્તા હસ્તાંતરણ સમારોહ 14 ઓગસ્ટ, 1947ના રોજ યોજવામાં આવ્યો હતો અથવા એટલા માટે કારણ કે 14 ઓગસ્ટ, 1947ના રોજ રમઝાનની 27મી તારીખ હતી, જે મુસ્લિમો માટે ખૂબ જ પવિત્ર તારીખ છે.





