Kolkata Doctor Rape And Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાનો શિકાર થયેલી ટ્રેઇની ડોક્ટરના કેટલાક સાથીઓએ આ કેસ અંગે મહત્વની માહિતી આપી છે. તેમનું કહેવું છે કે આ કોઈ સામાન્ય ગુનાનો કેસ નથી. તેની ડાયરીઓમાંથી જાણવા મળ્યું છે કે પીડિતા કામના ભારે દબાણ હેઠળ હતી, જેમાં સતત 36 કલાકની શિફ્ટમાં કામ કરવાનો સમાવેશ થતો હતો.
‘કોઈ સામાન્ય બળાત્કાર અને હત્યાનો કેસ નથી’
પીડિતાના એક સાથીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને એ પણ જણાવ્યું હતું કે ડોક્ટરનું મોત કોઇ સામાન્ય બળાત્કાર અને હત્યાનો કેસ નથી. મૃતક મહિલા ડોક્ટરના સહકર્મીએ પૂછ્યું કે આરોપી સંજય રોયને કેવી રીતે ખબર પડી કે પીડિતા સેમિનાર હોલમાં એકલી છે? તેણે કહ્યું કે સંજય રોય એક મોટી માછલી (મોટા માણસ) દ્વારા રચવામાં આવેલા કાવતરાનો ભાગ હોઈ શકે છે. તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. સિવિક વોલેન્ટિયર સંજય રોયને કેવી રીતે ખબર પડી કે તે સમયે તે સેમિનાર હોલમાં એકલી હતી?
અન્ય એક સાથીદારે દાવો કર્યો હતો કે પીડિતા તેના વિભાગમાં સંભવિત ડ્રગ સાઇફનિંગ રેકેટનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે કહ્યું કે શક્ય છે કે એ કોઈક બાબત વિશે ઘણું બધું જાણતી હોય.
આ પણ વાંચો – ગુનેગારોની ધરપકડ, પરિવારને આર્થિક મદદ, આરજી કર મેડિકલ કોલેજના ડોક્ટરોએ પ્રશાસન સામે રાખી આ ડિમાન્ડ
31 વર્ષીય મૃત ડોક્ટરની માતાએ ખુલાસો કર્યો હતો કે તેમની પુત્રીએ હુમલાના થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં ન જવાનું કહ્યું હતું. માતાએ કહ્યું કે તે કહેતી હતી કે તેને હવે આરજી કર માં જવું ગમતું નથી. તેઓ અમને અમારી મૃત પુત્રીનો ચહેરો જોવા દેતા નથી. અમે આજીજી કરતા રહ્યા પરંતુ અમને તેનો ચહેરો જોવાની મંજૂરી આપી ન હતી. અમને કહેવામાં આવ્યું હતું કે તપાસ ચાલી રહી છે. તેઓએ અમને ખૂબ જ પીડા આપી.
સેમિનાર હોલમાં હત્યાને લઇને શંકા?
પીડિતાના પિતાએ કહ્યું કે અમે પોલીસની ખામીઓ મળી હતી અને તેની જાણ સીબીઆઈને કરી હતી. હવે અમને શંકા છે કે શું સેમિનાર હોલમાં તેની હત્યા કરવામાં આવી હતી. બની શકે તે તેની હત્યા ક્યાંક બીજે કરવામાં આવી હોય. પિતાએ સીબીઆઈ તપાસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને જવાબદારોને સખતથી સખત સજા કરવાની માંગ કરી હતી.





