Kolkata Doctor Rape Case Polygraph Test: કલકત્તા નર્સ સાથે દુષ્કર્મ કેસના આરોપીનો શુક્રવારે પોલીગ્રાફ ટેસ્ટ થયો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પોલીગ્રાફ ટેસ્ટ ને નાર્કો ટેસ્ટ ગણાવી મૂંઝવણમાં મૂકી દીધા છે. જ્યારે હકીકતમાં બંને ટેસ્ટ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે.
પોલિગ્રાફ ટેસ્ટ એટલે શું?
પોલીગ્રાફ ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આવામાં માણસના હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, દરેક વસ્તુની સતત મશીનો દ્વારા તપાસ કરવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે, દરેક સવાલનો જવાબ આપતી વખતે વ્યક્તિનું શરીર પણ એક રીતે રિએક્ટ કરે છે. તે પ્રતિક્રિયા એ જાણવામાં મદદ કરે છે કે આરોપી સાચું બોલે છે કે જૂઠું. અહીં એ સમજવું જરૂરી છે કે આ ટેસ્ટ દરમિયાન આરોપીને કોઈ ઈન્જેક્શન આપવામાં આવતું નથી. તે સભાન હોય છે, તેના વર્તનનો ક્યાસ કાઢવામાં આવે છે.
નાર્કો ટેસ્ટ શું છે?
નાર્કો ટેસ્ટની વાત કરવામાં આવે તો આરોપીને ઇન્જેક્શન દ્વારા સોડિયમ પેન્ટોથલની દવા આપવામાં આવે છે. એ દવાથી માણસ બેભાન અવસ્થામાં આવી જાય છે, પણ એનું મન જાગૃત હોય છે. એવું માનવામાં આવે છે કે સૌથી મોટો આરોપી પણ તે ટેસ્ટની સામે નિષ્ફળ જાય છે અને સત્યની કબૂલાત કરે છે.
પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ વચ્ચેનો તફાવત
પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ વચ્ચેનો એક મોટો તફાવત છે. સૌથી મોટો તફાવત એ છે કે પોલીગ્રાફ ટેસ્ટમાં વ્યક્તિને કોઇ ઇન્જેક્શન આપવામાં આવતું નથી જ્યારે નાર્કો ટેસ્ટમાં વ્યક્તિને ઇન્જેક્શન આપીને જ પ્રશ્નો પૂછવામાં આવે છે. આમ જોવા જઈએ તો બંને ટેસ્ટમાં એક વાત કોમન પણ છે, ઉપરોક્ત બંને ટેસ્ટ માટે કોર્ટની પરવાનગી લેવી જરૂરી છે. ઉપરાંત જે વ્યક્તિ પર આ ટેસ્ટ કરવાનો હોય તેની સહમતિ લેવી પડે છે.
આ પણ વાંચો | કોલકાત્તા રેપ મર્ડર કેસ : કેમ આ સમયને માનવામાં આવે છે મમતા બેનર્જી માટે સૌથી મોટો પડકાર?
કલકત્તા રેપ કેસ લેટેસ્ટ અપડેટ
કલકત્તા નર્સ દુષ્કર્મ કેસમાં આરોપી સંજય રોયને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો છે. અદાલતે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. બીજી તરફ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ સીબીઆઇ દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં તેની શંકાસ્પદ ભૂમિકા પણ રહી છે.