Kolkata hotel fire : પશ્ચિમ બંગાળમાં કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારની એક હોટલમાં મંગળવારે રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બુરાબજાર વિસ્તારમાં ઋતુરાજ હોટલના પરિસરમાં રાત્રે લગભગ 8.15 વાગ્યે આ ઘટના બની હતી.
કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘આગની ઘટના ઋતુરાજ હોટલના પરિસરમાં લગભગ 8:15 વાગ્યે બની હતી. 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ટીમોએ ઘણા લોકોને બચાવી લીધા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. વધુ તપાસ ચાલુ છે. તપાસ માટે વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે, તેમણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
મમતા બેનર્જીએ ફોન પર માહિતી લીધી
સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફોન પર આ ઘટનાની માહિતી લીધી અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમને કમિશનર મનોજ વર્મા સાથે ઘટનાસ્થળની મુલાકાત લેવા કહ્યું. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ સુભાંકર સરકારે પણ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીકા કરી અને ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, “તે એક દુઃખદ ઘટના છે. આગ લાગી. ઘણા લોકો હજુ પણ બિલ્ડિંગમાં ફસાયેલા છે. ત્યાં કોઈ સુરક્ષા નહોતી. મને ખબર નથી કે મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહી છે.”
સુકાંત મજમુદારે શોક વ્યક્ત કર્યો હતો
અગાઉ કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે “કડક મોનિટરિંગ” કરવાની હાકલ કરી હતી. સુકાંત મજમુદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘કોલકત્તાના બારાબજારના મેચુઆ વિસ્તારમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં સાથી નાગરિક મનોજ પાસવાનના દુ:ખદ મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું. હું તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું અને તેમના દિવંગત આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
હું રાજ્ય પ્રશાસનને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક બચાવવા, તેમની સલામતીની ખાતરી કરવા અને તેમને જરૂરી તબીબી અને માનવતાવાદી સહાય પૂરી પાડવા વિનંતી કરું છું. વધુમાં, હું ભવિષ્યમાં આવી દુ:ખદ ઘટનાઓને રોકવા માટે આગ સલામતીનાં પગલાંની સંપૂર્ણ સમીક્ષા અને વધુ કડક દેખરેખ માટે અપીલ કરું છું.’





