Kolkata Rape And Murder Case : પશ્ચિમ બંગાળમાં કોલકાતા રેપ અને મર્ડર કેસમાં મમતા સરકારની ટિકા થઇ રહી છે. આ દરમિયાન પશ્ચિમબંગા છાત્ર સમાજ નામના સંગઠને બળાત્કાર અને હત્યાના વિરોધમાં નબન્ના અભિયાન કાઢ્યું છે. તેને પોલીસે અટકાવી દીધું છે. પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. પ્રદર્શનકારીઓ પર વોટર કેનન અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા.
આ દરમિયાન ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું છે કે અસલી તાનાશાહી બંગાળમાં ચાલી રહી છે. મમતા બેનર્જીનું વલણ તાનાશાહી છે. ભાજપે નબન્ના (રાજ્ય સચિવાલય) અભિયાનનું સમર્થન કર્યું છે તો ડાબેરી પક્ષોએ તેને ભાજપ અને આરએસએસનું ષડયંત્ર ગણાવ્યું છે. નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને હાવડા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે.
કોલકાતા છાવણીમાં ફેરવાયું
કોલકાતા પોલીસે વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને શહેરને છાવણીમાં ફેરવી દીધું છે. આ અભિયાનને રોકવા માટે 6000 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને 19 સ્થળોએ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા. આ સાથે જ નબન્ના ભવનની બહાર 3 લેયરની સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો – કોલકાતા રેપ કેસનો નવો વીડિયો સામે આવ્યા બાદ મમતા સરકાર ઘેરાઈ, ઘટનાસ્થળે જોવા મળ્યો સંદીપ ઘોષ
પોલીસને અધિકારીઓને સજાગ રહેવા અને સીસીટીવી ફૂટેજ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. કોલકાતા પોલીસે આ અભિયાનના આયોજકોને એક મેઇલ પણ મોકલ્યો છે, જેમાં રેલીનું નેતૃત્વ કરનારા નેતાઓની વિગતો માંગવામાં આવી છે. કોલકાતા પોલીસે આયોજકો પાસેથી માહિતી માંગી છે કે આ રેલીમાં કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે અને તેનો માર્ગ શું હશે.
કોલકાતામાં યુજીસી નેટની પરીક્ષાનું આયોજન
જણાવી દઈએ કે 27 ઓગસ્ટે કોલકાતામાં યુજીસી નેટની પરીક્ષા પણ છે. આવી સ્થિતિમાં કોલકાતા પોલીસ પણ આ અંતર્ગત તૈયારી કરી રહી છે કે કોઈ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે. ટીએમસીએ આ વિરોધ પ્રદર્શન માટે ભાજપ સહિત સમગ્ર વિપક્ષને જવાબદાર ઠેરવ્યો છે. ટીએમસીએ કહ્યું છે કે વિપક્ષ રાજ્યમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કોલકાતા કેસમાં સામે આવ્યો નવો વીડિયો
આ દરમિયાન કોલકાતા કેસમાં વિરોધ પક્ષોએ હવે પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાની લાશ મળ્યાના થોડા જ સમયમાં ઘટનાસ્થળે એકઠા થયેલા અનેક લોકોના ટોળાનો એક કથિત વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં તત્કાલીન આરજી કર પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષ, તેમના વકીલ સાંતનુ ડે, પોલીસ અને હોસ્પિટલના સિક્યોરિટી સેમિનાર હોલમાં જોવા મળી રહ્યા છે, જ્યાં ગુનો થયો હતો.