Kolkata doctor rape-murder case updates : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં જુનિયર ડોક્ટરો આક્રોશમાં છે. છેલ્લા 33 દિવસથી ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પોતાની 5 મુદ્દાની માંગણીઓ સાથે વિરોધ કરી રહ્યા છે. સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત માટે જૂનિયર ડૉક્ટર સીએમ આવાસ પર પહોંચી ગયા છે. જોકે આ મીટિંગ ટળી ગઇ છે. ડોક્ટર્સ લાઇવ ટેલિકાસ્ટ પર અડગ રહ્યા હોવાના કારણે મીટિંગ ટળી છે.
સીએમ મમતા બેનર્જી સાથે બેઠક કરવા પહોંચેલા જુનિયર ડોક્ટર્સ સીએમ આવાસના ગેટ પર ઉભા રહ્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જી ગેટ પર પહોંચ્યા અને ડોક્ટર્સને સમજાવ્યા હતા. ડોક્ટરો એ વાત પર અડગ છે કે મીટિંગનું વીડિયો રેકોર્ડિંગ થવું જોઈએ. આ માટે તેમના વીડિયોગ્રાફરને મીટિંગમાં આવવા દેવા જોઈએ. જોકે મમતા બનર્જીએ કહ્યું કે તમારા વીડિયોગ્રાફરને મીટિંગમાં આવવા દેવામાં નહીં આવે. તેના બદલે અમે તમને મીટિંગનું રેકોર્ડિંગ આપીશું, પરંતુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ વીડિયો રેકોર્ડિંગ આપવામાં આવશે.
આ પણ વાંચો – પીએમ આવાસમાં ગાયે વાછરડાને જન્મ આપ્યો, પીએમ મોદીએ વરસાવ્યો વ્હાલ, જુઓ વીડિયો
આ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધ કરી રહેલા ડોક્ટરો સાથે મુલાકાત કરવા આરજી કર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું તમારા વિરોધને સલામ કરું છું. હું વિદ્યાર્થી નેતા હતી. મેં મારા વિદ્યાર્થી જીવન દરમિયાન ઘણા આંદોલનો પણ કર્યા છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તમે વરસાદમાં વિરોધ કરી રહ્યા છો. આ માટે હું તમને સલામ કરું છું. હું તમારી બધી માંગણીઓ પર વિચાર કરીશ. મને મારા પદની ચિંતા નથી. લોકોનું સ્થાન મારા પદ કરતાં ઊંચું છે.
જુનિયર ડોક્ટરોએ આ 5 માંગણીઓ મૂકી છે
- ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા પછી પુરાવાને નષ્ટ કરવા માટે જવાબદાર લોકોને જવાબદારી નક્કી થાય અને તેમને સજા થવી જોઈએ.
- મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
- કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલ અને આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમના રાજીનામાની માંગણી કરી છે
- આરોગ્ય કર્મચારીઓ માટે વધુ સારી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
- સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ધમકીની સંસ્કૃતિને ખતમ કરવામાં આવે.