Kolkata-Rape Murder | કોલકાતા- રેપ મર્ડર : બુધવારે કોલકાતાની આરજી કર હોસ્પિટલની બહાર વિરોધ માટે એકત્ર થયેલ ભીડ ગુસ્સે થઈ ગઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલ પરિસરમાં ઘૂસી વાહનોની તોડફોડ કરી હતી. સીબીઆઈ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસની તપાસ કરી રહી છે. તો, આ સમગ્ર ઘટનાને લઈને ભાજપે ટીએમસી પર હુમલો કર્યો છે. ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારી અને પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે.
એક તાલીમાર્થી ડૉક્ટરે કહ્યું, ‘અમે 11 વાગે વિરોધ સ્થળ છોડી જવાના હતા, પરંતુ બહાર લોકોનું એક મોટું ટોળુ હતું જે ‘We want Justice’ નો નારો લગાવી રહ્યા હતા. બધાની વિનંતી છતાં તેઓ ત્યાંથી જતા ન હતા.’ તેમણે કહ્યું કે, ભીડ ગુસ્સે થઈ ગઈ હતી અને તેઓ કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અચાનક ટોળુ ઘસી આવ્યું અને તોડફોડ કરવા લાગ્યા. એક પોલીસકર્મીએ જણાવ્યું કે, કેવી રીતે ટોળાએ પોલીસના વાહનો પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે તેમની પીઠ પર ઈંટ વાગી. ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના અહેવાલો પણ મળ્યા હતા.
આ ઘટના પર ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું કે, બુધવારે રાત્રે આરજી કરમાં ગુંડાગીરી અને તોડફોડની તમામ હદ વટાવી ગઈ હતી. એક જનપ્રતિનિધિ તરીકે મેં હમણાં જ કોલકાતા પોલીસ કમિશનર સાથે વાત કરી અને તેમને વિનંતી કરી કે, આજની હિંસા માટે જવાબદાર દરેક વ્યક્તિની ઓળખ કરવામાં આવે, તેને જવાબદાર ઠેરવવામાં આવે અને આગામી 24 કલાકમાં ન્યાય આપવામાં આવે, પછી ભલે તે કોઈપણ રાજકીય પક્ષનો હોય.
આ સમગ્ર ઘટના પર કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે કહ્યું કે, હું ખૂબ જ ગુસ્સે છું, જે થયું તે નહોતું થવું જોઈતું હતું. અમે જે યોગ્ય છે તે બધુ જ કર્યું. હવે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, મોટિવેટેડ મીડિયા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે કોલકાતા માટે દુઃખદ છે. આ પ્રસંગે પોલીસ કમિશનર વિનીત ગોયલ, જોઈન્ટ CP (HQ) મેરાજ ખાલિદ, DCP સેન્ટ્રલ ઈન્દિરા મુખર્જી, DCP (ઉત્તર) અભિષેક ગુપ્તા હાજર હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલમાં તૈનાત પોલીસકર્મીઓની સંખ્યા ઓછી હતી, જેના કારણે તે ઉશ્કેરાયેલી ભીડને નિયંત્રિત કરી શકી ન હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા. મળતી માહિતી મુજબ ઘણા લોકો ઘાયલ થયા છે. વિરોધીઓએ હોસ્પિટલ પરિસરમાં પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચો – જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાથી આખો દેશ સ્તબ્ધ, હું પીડિત પરિવારની સાથે ઉભો છું : રાહુલ ગાંધી
કોલકાતામાં લેડી ડોક્ટર સાથે બનેલી ઘૃણાસ્પદ ઘટના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બુધવારે રાત્રે પણ પ્રદર્શનકારીઓ દિલ્હી એઈમ્સની બહાર એકઠા થયા હતા અને ન્યાયની માંગણી કરી હતી. મળતી માહિતી મુજબ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. ભીડ ઉશ્કેરાઈ ગઈ અને બેરિકેડ તોડી અંદર ઘૂસી ગઈ. ટોળાએ હોસ્પિટલમાં તૈનાત પોલીસ ટીમ પર કાબૂ મેળવી લીધો હતો. કોલકાતાથી સામે આવેલા વીડિયોમાં આરજી કર હોસ્પિટલની બહાર પ્રદર્શનકારીઓની ભીડ જોવા મળી રહી છે. લોકોને ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવતા પણ સાંભળી શકાય છે.





