Kunal Kamra Eknath Shine News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ગયા મહિને મીડિયા સાથેની વાતચીતમાં વિરોધીઓને ગર્ભિત ચેતવણી આપી હતી. મી એક સમાન કાર્યકર્તા આહે, માતર મેં બાલાસાહેબ યાંચ કાર્યકર્તા આહે… માલા હલક્યત ઘુ નાકા. મરાઠીમાં તેમણે એવું કહ્યું હતું કે, હું એક સામાન્ય કાર્યકર છું. પણ બાળા સાહેબ ઠાકરેનો કાર્યકર છું. મને હળવાશથી ન લો.
કુણાલ કામરાએ એકનાથ શિંદે સામે કરેલી ટિપ્પણીને લઇને શિવસેના આક્રમક બની છે. રવિવારે રાતે મુંબઈના ખાર સ્થિત હેબિટેટ સ્ટુડિયોમાં કુણાલ કામરા અને શિવસેનાના કાર્યકરો વચ્ચે તોડફોડ થઇ હતી. આ એ જ સ્ટુડિયા છે કે જ્યાં કુણાલ કામરાએ એક શો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે એકનાથ શિંદેને ગદ્દાર ગણાવ્યા હતા. જેને લઇને સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા અને શિવસેના વિવાદ ખૂબ ચગ્યો છે.
અયોગ્ય ટિપ્પણી મામલે શિવસેનાએ ફરિયાદ કરતાં પોલીસે કુણાલ કામરા સામે ગુનો નોંધ્યો છે. જોકે આ મામલે કામરા પોતાના નિવેદન પર અડગ છે અને આ મુદ્દે માફી માંગવા તૈયાર નથી. તો બીજી તરફ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે એ એવી ટિપ્પણી કરી છે કે, વાણી સ્વાતંત્ર્યની મર્યાદા હોવી જોઇએ.
કામરા અને શિંદે બંને પોત પોતના નિવેદન પર અડગ છે. જાણે કે એવું લાગી રહ્યું છે કે, એક નવો રાજકીય તખ્તો ઘડાઇ રહ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ ઉઠી રહી છે કે, શિંદે જૂથ ફરી એકવાર જુની શિવસેના બનવા તરફ આગળ આવી રહી છે અને પોતાનું નેતૃત્વ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે.
હવે અહીં મહત્વની વાત એ છે કે, શિવસેના કાર્યકરો કુણાલ કામરાએ કહેલા ‘ગદ્દાર’ શબ્દ પર આક્રમક બની રહ્યા છે એ શબ્દ કટ્ટર હરિફ રાજકીય પક્ષો દ્વારા વારંવાર કરાયો છે. વિપક્ષી મહા વિકાસ આઘાડી (MVA) પક્ષો દ્વારા વિધાનસભા અને જાહેર રેલીઓમાં શિંદે વિરુદ્ધ વારંવાર કરવામાં આવ્યો છે.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેનાને તોડી અને તેમના ધારાસભ્યોને એનડીએમાં લઇ જવા સુધીના ઘટનાક્રમ બાદ એકનાથ શિંદે સામે વારંવાર ગદ્દાર શબ્દ પ્રયોગ થયો છે. હવે અહીં પ્રશ્ન એ છે કે શિંદે સેના આ વખતે કેમ આટલી વધુ આક્રમક બની આગળ આવી રહીછે!
આ પણ વાંચો: વિવાદ વચ્ચે એકનાથ શિંદેએ શું કહ્યું
મહારાષ્ટ્રમાં સત્તાધીશ ભાજપ આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનના સુત્રોના જણાવ્યા અનુસાર, કામરાના આ આક્ષેપો પર શિવસેના આક્રમક પ્રતિક્રિયા આપી રહી છે એ આગામી ચૂંટણીલક્ષી દેખાઇ રહી છે. આ વર્ષના અંતમાં રાજ્યમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપિલ કોર્પોરેશન (BMC) અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા શિંદેના નેતૃત્વને પુન:પ્રમાણિત કરવાના પ્રયાસનો એક ભાગ દેખાઇ રહ્યું છે.





