Kuwait Building Fire Accident : કુવૈતમાં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં 49 લોકોના મોત થયા હતા અને 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જાણકારી અનુસાર મૃતકોમાં 40 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જેમની ઓળખ થઈ છે તેમાંથી મોટાભાગના લોકો કેરળના રહેવાસી છે. મૃતકોમાં ઘણા યુવાનો પણ સામેલ છે. જેમાં 27 વર્ષીય શ્રીહરિ પ્રદીપનું પણ મોત થયું છે.
શ્રીહરિ પ્રદીપ તે કંપનીમાં પોતાની પ્રથમ નોકરી શરુ કરી હતી
ગયા અઠવાડિયે જ 27 વર્ષીય શ્રીહરિ પ્રદીપ તે કંપનીમાં પોતાની પ્રથમ નોકરી શરુ કરી હતી. જ્યાં તેમના પિતા એક દાયકાથી કામ કરી રહ્યા હતા. પ્રદીપ કેરળનો વતની છે અને મિકેનિકલ એન્જિનિયર હતો. શ્રીહરિ પાંચ દિવસ પહેલા જ કંપનીમાં જોડાયા હતા.
કેરળ સરકારના જણાવ્યા અનુસાર આગમાં મૃત્યુ પામેલા 49 લોકોમાં લગભગ 40 ભારતીયોનો સમાવેશ થાય છે અને તેમાંથી લગભગ 24 કેરળના હતા. શ્રીહરિના પિતા પ્રદીપે આગવાળી ઇમારતથી ત્રણ બિલ્ડિંગ દૂર રહેતા ગુરુવારે સવારે હોસ્પિટલના શબઘરમાં તેમના પુત્રની ઓળખ કરી હતી. બુધવારે કેરળના કોટ્ટાયમ જિલ્લાના ઇથિથાનમમાં તેમનો પરિવાર પ્રાર્થના કરી રહ્યા હતા કે શ્રીહરિ જીવંત મળી આવે.
આ પણ વાંચો – કોણ છે કેજી અબ્રાહમ? કુવૈતની એ બિલ્ડિંગ જેમા આગ લાગતા 40 થી વધુ ભારતીયોના કરુણ મોત
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ઇથિથાનમમાં પરિવારના પાડોશી શૈલજા સોમને જણાવ્યું હતું કે બુધવારે જ્યારે આ ઘટના બની ત્યારે શ્રીહરિના પિતા પ્રદીપ એપાર્ટમેન્ટમાં દોડી ગયા હતા જ્યાં તેમનો પુત્ર રહેતો હતો. આગ લાગવા અને સુરક્ષાકર્મીઓની ચેતવણીના કારણે તે અંદર જઈ શક્યા ન હતા. ત્યારે કોઈએ પ્રદીપને કહ્યું કે શ્રીહરિ ઈજાગ્રસ્ત છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
પુત્રની શોધમાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં દોડતા રહ્યા
શૈલજા સોમને કહ્યું હતું કે બુધવારે આખો દિવસ પ્રદીપ તેના પુત્રની શોધમાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં દોડતા રહ્યા હતા. આખરે હોસ્પિટલના એક સ્ટાફ મેમ્બરે કોઇ નિશાની હોય તો તે જણાવવા કહ્યું હતું. શ્રીહરિેએ તેના બંને કાંડા પર ટેટૂ ચિતરાવ્યું હતું. ત્યાર બાદ સ્ટાફ મેમ્બર પ્રદીપને શબઘરમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે દીકરાની લાશની ઓળખ કરી હતી. પાડોશીના જણાવ્યા અનુસાર શ્રીહરિ દાઝ્યા ન હતા પરંતુ ધુમાડાના કારણે ગૂંગળામણથી તેનું મોત નીપજ્યું હતું.
પ્રદીપે લગભગ એક દાયકાથી એનબીટીસી માટે કામ કર્યું છે અને તેમની પત્ની દીપા ગૃહિણી છે. શ્રીહરિ ઉપરાંત પ્રદીપને વધુ બે પુત્રો છે. અર્જુન હોસ્પિટાલિટી સેક્ટરમાં કામ કરે છે અને બીજો પુત્ર આનંદ રિટેલ ક્ષેત્રમાં કામ કરે છે.





