Kuwait Building Fire Accident: કુવૈતના મંગફ શહેરમાં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ આગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 ભારતીય કામદારોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આગ ગ્રાઉન્ડ ફ્લોર પર કિચનમાં લાગી હતી અને આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. આ પછી, ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. આ દુર્ઘટના બાદ હવે મકાન માલિક પર સવાલો ઉઠી રહ્યા છે.
કુવૈત આગ દુર્ઘટનામાં 40 ભારતીયનો મોત
કુવૈત આગ દુર્ઘટનામાં 40 ભારતીયનો મોત થાય છે. કુવૈતના ગૃહ મંત્રી શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે પોલીસને બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે, બિલ્ડિંગમાં રહેતા મજૂરો માટે જવાબદાર કંપનીના માલિકની પણ ધરપકડ થવી જોઈએ.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે જે કંઈ પણ થયું તે મકાનના માલિકોની લાલચનું પરિણામ છે. કંપની એક જ બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં મજૂરોને તેમના લોભ માટે ખીચોખચ પૂરી દે છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની તકેદારી આપણે સૌ રાખીશું.
કુવૈત આગ દુર્ઘટના – બિલ્ડિંગનો માલિક કોણ છે?
કેજી અબ્રાહમ એનબીટીસી ગ્રુપના એમડી છે. તે કુવૈતમાં એક મોટું કન્સ્ટ્રક્શન ગ્રૂપ છે. તેઓ કેરળના ક્રાઉન પ્લાઝાના પ્રમુખ પણ છે. આ એક ફાઇવ સ્ટાર હોટલ છે. અબ્રાહમે કેરળમાં અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ કર્યું છે. કેજી અબ્રાહમ કેરળના થિરુવલ્લાના એક મોટા બિઝનેસમેન છે. અબ્રાહમ કેજીએ તરીકે ઓળખાય છે. તેઓ કેજીએ ગ્રુપના ચેરમેન અને ફાઉન્ડર છે. તે કુવૈતમાં ઓઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેને નાસિર એમ અલ બદ્દાહ એન્ડ પાર્ટનર જનરલ ટ્રેડિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ કંપની (એનબીટીસી) તરીકે ઓળખવામાં આવે છે.
કુવૈત બિલ્ડિંગમાં આગ કેવી રીતે લાગી?
સ્થાનિક સમય મુજબ સવારે 4:30 વાગ્યે કામદારોના કેમ્પના રસોડામાં લાગેલી આગે ઝડપથી ઉપરના માળને ચપેટમાં લઇ લીધા હતા. આ કારણે ત્યાં રહેતા કામદારો કાચની બારીઓ સીલબંધ હોવાના કારણે ફસાઇ ગયા હતા. આગથી બચવા માટે કેટલાક લોકો બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા હતા. ધુમાડાને કારણે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને ગૂંગળામણ થવા લાગી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો | કુવૈત આગ દુર્ઘટના, 40 ભારતીય સહિત 43 ના મોત, એસ જયશંકરે કર્યું દુઃખ વ્યક્ત
કુવૈતમાં ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ પરિસ્થિતિ જાણવા માટે મંગફમાં સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે અલ-એડન હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આગ દૂર્ઘટનામાં ઘાયલ થયેલા 30થી વધુ કામદારોને અહીં દાખલ કરવામાં આવ્યા છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ ઘણા દર્દીઓને મળ્યા છે અને તેમને દૂતાવાસ તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી આપવામાં આવી છે. દૂતાવાસે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.





