Lal Bahadur Shastri Jayanti 2024, લાલ બહાદુર શાસ્ત્રી જયંતી 2024 : 2 ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે. લાલ બહાદુર શાસ્ત્રી તેમના શાંત અને સુંદર સ્વભાવના કારણે દરેક ભારતવાસીના મનમાં વસેલા છે. લાલ બહાદુર શાસ્ત્રી એક ભારતીય રાજકારણી અને રાજનેતા હતા જેમણે 1964 થી 1966 સુધી ભારતના બીજા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. આ પહેલા તેઓ ભારતના ગૃહમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ તેમનું બાળપણ એકદમ અલગ હતું. તેમના જીવન વિશે અહીં જાણીએ.
લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવનનો પરિચય
- લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ મુગલસરાયમાં થયો હતો. તેમનું નામ લાલ બહાદુર શ્રીવાસ્તવ હતું. લાલ બહાદુર શાસ્ત્રીના પિતા શરદ પ્રસાદ શ્રીવાસ્તવ શિક્ષક હતા. તેઓ માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમની માતા રામદુલારી દેવી તે સમયે માત્ર વીસ વર્ષના હતા, તે પોતાના ત્રણ બાળકો સાથે તેમના પિતાના ઘરે રહેવા ગયા હતા.
- લાલ બહાદુર વારાણસીની કાશી વિદ્યાપીઠમાં જોડાયા. અહીં તેઓ દેશના મહાન વિદ્વાનો અને રાષ્ટ્રવાદીઓના પ્રભાવમાં આવ્યા. વિદ્યાપીઠ દ્વારા તેમને આપવામાં આવેલી સ્નાતકની પદવીનું નામ ‘શાસ્ત્રી’ હતું પરંતુ તે તેમના નામના ભાગરૂપે લોકોના મનમાં વસી ગયું હતું.
- તેમના શિક્ષક નિષ્કામેશ્વર પ્રસાદ મિશ્રની પ્રેરણાથી લાલ બહાદુર શાસ્ત્રી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. શાસ્ત્રીએ જાન્યુઆરી 1921માં બનારસમાં ગાંધી અને પંડિત મદન મોહન માલવિયા દ્વારા આયોજિત જાહેર સભામાં હાજરી આપી હતી.
- જ્યારે તે 10માં ધારણમાં હતા ત્યારે તેમણે માત્ર 3 મહિના પહેલા જ પોતાનો અભ્યાસ બંધ કરી દીધો અને આઝાદીની ચળવળમાં જોડાયા હતા. ગાંધીના ઉપદેશોને અનુસરીને તેમણે લાલા લજપત રાયના સર્વન્ટ્સ ઑફ ધ પીપલ સોસાયટીના સભ્ય તરીકે દલિતોના જીવનને સુધારવા માટે સંઘર્ષ કર્યો.
- 1927માં તેમના લગ્ન મિર્ઝાપુરના રહેવાસી લલિતા દેવી સાથે થયા હતા. તેમણે દહેજના નામે એક ચરખો અને હાથથી વણાયેલા થોડા મીટર કપડા લીધા હતા. 1930માં મહાત્મા ગાંધીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને દાંડી કૂચ કરી હતી.
- આઝાદી પછી જ્યારે 1946 માં કોંગ્રેસની સરકારની રચના થઈ ત્યારે તેમને તેમના ગૃહ રાજ્ય ઉત્તર પ્રદેશના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ટૂંક સમયમાં તેઓ ગૃહમંત્રી બન્યા હતા. 1951માં તેઓ નવી દિલ્હી આવ્યા અને કેન્દ્રીય કેબિનેટના ઘણા વિભાગોનો હવાલો સંભાળ્યો જેમ કે રેલવે મંત્રી, પરિવહન અને સંચાર મંત્રી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી.
- આ સમય દરમિયાન એક રેલવે દુર્ઘટના થઇ હતી. જેમાં ઘણા લોકોના મોત થયા હતા. રેલવે દુર્ઘટના માટે પોતાને જવાબદાર માનીને રેલવે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દેશ અને સંસદે તેમની અભૂતપૂર્વ પહેલની ખૂબ પ્રશંસા કરી.
- સત્તામાં રહેતા પંડિત જવાહરલાલ નેહરુનું 27 મે, 1964ના રોજ નિધન થયું હતું. શાસ્ત્રી 9 જૂને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કે. કામરાજના નેતૃત્વમાં વડાપ્રધાન બન્યા હતા.
- 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના અંત પછી તાશ્કંદમાં એક શાંતિ સમજૂતી થઈ હતી. એક દિવસ પછી 11 જાન્યુઆરી, 1966ના રોજ લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું
- તેમને રાષ્ટ્રીય નાયક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના સન્માનમાં વિજય ઘાટ મેમોરિયલ બનાવવામાં આવ્યું હતું. તેમને મરણોત્તર ભારત રત્ન પણ મળ્યો હતો.





