Rohini Acharya Quits Politics Family : આરજેડી સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને બિહાર વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ મોટો ઝટકો લાગ્યો છે. તેમની પુત્રી રોહિણી આચાર્યએ રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. રોહિણી આચાર્યએ એમ પણ કહ્યું છે કે તે પરિવાર સાથેના સંબંધો તોડી રહી છે. રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
રોહિણી આચાર્યએ શું કહ્યું
રોહિણી આચાર્યએ એક્સ પોસ્ટમાં ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે સંજય યાદવ અને રમીઝે તેને આવું કરવા કહ્યું હતું અને હવે તે બધી ભૂલ અને બધા આરોપ પોતાના પર લઈ રહી છે. હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આવું કરવા કહ્યું હતું અને હું બધો દોષ મારા ઉપર લઇ રહી છું.
સંજય યાદવ આરજેડીના રાજ્યસભા સાંસદ છે અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના પુત્ર અને વારસદાર તેજસ્વી યાદવના વિશ્વાસુ સહાયક છે . પીટીઆઈના અહેવાલ મુજબ રમીઝ તેજસ્વીનો જૂનો મિત્ર હોવાનું કહેવાય છે જે પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના એક રાજકીય પરિવારમાંથી આવે છે.
ગયા મહિને પણ લાલુ પ્રસાદના પરિવારના સભ્યોમાં મતભેદ જાહેરમાં આવ્યા હતા જ્યારે રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના પિતા અને ભાઈ તેજસ્વીને અનફોલો કર્યા હતા.
એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવાથી તે નારાજ હતી. જોકે વિધાનસભા ચૂંટણી દરમિયાન તે નાના ભાઈ તેજસ્વી માટે પ્રચાર કરતી જોવા મળી હતી, જે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા.
કોણ છે રોહિણી આચાર્ય?
રોહિણી આચાર્ય લાલુ પ્રસાદની યાદવની પુત્રી છે. આચાર્ય લાયકાતે ડૉક્ટર છે. જોકે તેણે ગૃહિણી બનવાનું પસંદ કર્યું અને સિંગાપોરમાં પતિ સાથે સ્થાયી થઇ હતી. થોડા વર્ષો પહેલા તેણે પોતાના પિતાને કિડની દાન કરી હતી. ગયા વર્ષે સારણથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ પરાજય થયો હતો.
આ પણ વાંચો – બિહારમાં કોંગ્રેસના કારમા પરાજય પછી રાહુલ ગાંધીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
આરજેડીને ફક્ત 25 બેઠકો મળી
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. 243 સભ્યોની બિહાર વિધાનસભામાં મહાગઠબંધનને માત્ર 35 બેઠકો મળી છે, જ્યારે એનડીએને 202 બેઠકો મળી છે. ભાજપને 89, જેડીયુને 85, લોક જનશક્તિ પાર્ટીને 19, હિન્દુસ્તાની અવામ મોરચાને 5 અને રાષ્ટ્રીય લોક મોરચાને 4 બેઠકો મળી હતી. બીજી તરફ આરજેડીને 25, કોંગ્રેસને 6, સીપીઆઈ (એમએલ)ને 2, ઈન્ડિયન ઈન્ક્લુઝિવ પાર્ટી અને સીપીએમને 1-1 બેઠકો મળી છે.





