અમિત શાહે જણાવી જમ્મુ કાશ્મીરમાં રાજ્યના દરજ્જો મળવાની તારીખ, POK માટે કહી આવી વાત

Lok Sabha Election 2024 : અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વધુ મતદાન થતાં મોદી સરકારની કાશ્મીર નીતિ સાચી સાબિત થઈ છે. અલગાવવાદીઓએ પણ મોટી સંખ્યામાં ચૂંટણીમાં ભાગ લીધો છે

Written by Ashish Goyal
May 26, 2024 18:37 IST
અમિત શાહે જણાવી જમ્મુ કાશ્મીરમાં રાજ્યના દરજ્જો મળવાની તારીખ, POK માટે કહી આવી વાત
એક ચૂંટણી રેલી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ (તસવીર - બીજેપી ટ્વિટર)

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ સરકાર જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની પ્રક્રિયા શરૂ કરશે. સરકાર ત્યાં 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવાનું કામ પૂર્ણ કરશે. પીટીઆઈ સાથેની વાતચીતમાં અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વધુ મતદાન થતાં મોદી સરકારની કાશ્મીર નીતિ સાચી સાબિત થઈ છે. તેમણે કહ્યું કે અલગાવવાદીઓએ પણ મોટી સંખ્યામાં ચૂંટણીમાં ભાગ લીધો છે. તેમણે કહ્યું કે પછાત વર્ગના સર્વેની વાત હોય કે વિધાનસભા અને લોકસભા મત વિસ્તારના સીમાંકનનું કામ, બધું જ યોજના પ્રમાણે થઈ રહ્યું છે.

સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ, જ્ઞાતિની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ

અમિત શાહે કહ્યું કે મેં સંસદમાં કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પછી અમે રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરીશું. અમે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. કારણ કે સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ જ અનામત આપી શકાય છે. અનામત આપવા માટે આપણે જુદી જુદી જ્ઞાતિઓની સ્થિતિ જાણવી પડે છે, આ થઇ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ પછી વિધાનસભાની ચૂંટણી યોજાશે. અમે સુપ્રીમ કોર્ટની અંતિમ તારીખ પહેલા પ્રક્રિયા પૂર્ણ કરીશું.

ગૃહમંત્રીએ કહ્યું – વધારે મતદાન ઘાટીમાં મોટા ફેરફારના સંકેત છે

સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બર 2023 ના રોજ ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણી દરમિયાન કાશ્મીર ઘાટીમાં પ્રમાણમાં વધારે મતદાન થવા પર શાહે કહ્યું કે તેમનું માનવું છે કે ઘાટીમાં મોટો બદલાવ આવ્યો છે.

અમિત શાહે કહ્યું કે મતદાનની ટકાવારી વધી છે. કેટલાક લોકો કહેતા હતા કે ખીણના લોકો ભારતીય બંધારણમાં માનતા નથી. પરંતુ આ ચૂંટણીઓ ભારતીય બંધારણ હેઠળ યોજાઇ હતી. હવે કાશ્મીરનું કોઈ બંધારણ નથી. તે નાબૂદ કરવામાં આવ્યું છે. ભારતીય બંધારણ હેઠળ ચૂંટણી યોજાઈ હતી. જેમણે અલગ દેશની માંગ કરી અને જે લોકો પાકિસ્તાન સાથે જવા માંગે છે. પછી તે સંગઠનના સ્તરે હોય કે વ્યક્તિગત રીતે. તેઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. હું માનું છું કે આ લોકશાહીની અમે અમારી કાશ્મીર નીતિની મોટી જીત છે. નરેન્દ્ર મોદી સરકારની જે 10 વર્ષની નીતિ રહી છે એ જ તેની સફળતા છે.

આ પણ વાંચો – 1987 ની હેરાફેરીનું પુનરાવર્તન કરવા માંગો છો… મહેબૂબા મુફ્તી હડતાળ પર કેમ બેઠા?

પાર્ટી ઘાટીમાં પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગેલી છે

ચૂંટણી પંચે શનિવારે કહ્યું કે કાશ્મીર ઘાટીની ત્રણ સીટ શ્રીનગર (38.49 ટકા), બારામુલ્લા (59.1 ટકા) અને અનંતનાગ-રાજૌરી (53 ટકા)માં ઘણા દાયકાઓમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. કાશ્મીર ખીણમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે કોઈ ઉમેદવાર કેમ ન ઉતાર્યો તે અંગે પૂછવામાં આવતા અમિત શાહે કહ્યું હતું કે પાર્ટી હજી પણ ખીણમાં તેના સંગઠનને મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે અમે ભવિષ્યમાં ચોક્કસપણે અમારા ઉમેદવારોને મેદાનમાં ઉતારીશું. અમારા સંગઠનનો વિસ્તાર થઇ રહ્યો છે અને અમારું સંગઠન મજબૂત થવાની પ્રક્રિયામાં છે.

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ના જમ્મુ-કાશ્મીર સાથે વિલયની શક્યતા અંગે પૂછવામાં આવતા અમિત શાહે કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે માને છે કે પીઓકે 1947-48થી ભારતનો ભાગ હોવો જોઈતો હતો પરંતુ પાકિસ્તાન સાથેના પ્રથમ યુદ્ધમાં જવાહરલાલ નહેરુ સરકાર દ્વારા સમય પ્રમાણે યુદ્ધવિરામને કારણે તે દૂર થઈ ગયું હતું. તેમણે કહ્યું કે જો ચાર દિવસ પછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોત તો પીઓકે આપણું હોત.

તેમણે કહ્યું કે પીઓકેના જમ્મુ-કાશ્મીરમાં સંભવિત પ્રવેશ અંગેનો નિર્ણય ફક્ત ખૂબ જ ગંભીર ચર્ચા પછી જ લઈ શકાય છે. તેમણે કહ્યું કે આ એક એવો મુદ્દો છે જે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાહે કહ્યું કે પીઓકેનું વિલીનીકરણ ભાજપના ઘોષણાપત્રનો એક ભાગ છે. આ ઉપરાંત આ અંગે સંસદમાં ઠરાવ પસાર થઈ ચૂક્યા છે, તે પણ સર્વસંમતિથી થયો છે. કોંગ્રેસ પાર્ટીને કદાચ ખ્યાલ નહીં હોય કે તેઓએ પણ આ માટે વોટ આપ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ