Jan Vishwas Rally : રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના વડા લાલુ પ્રસાદ યાદવે બિહારમાં એક રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે મોદી અસલી હિન્દુ નથી. તેમની માતાજીનું નિધન થયું, આખરે કેમ તેમણે પોતાના વાળ અને દાઢી ન ઉતરાવ્યા, હિન્દુ ધર્મમાં તો દરેક બાળક આવું કરે છે.
નીતિશ કુમારને અમે ફક્ત પલટૂરામ કહ્યા હતા – લાલુ પ્રસાદ યાદવ
આ પછી લાલુ યાદવે સીએમ નીતિશ કુમાર પર મોટો રાજકીય હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે અગાઉ ક્યારેય નીતિશને ગાળો આપી નથી, છેલ્લી વખત જ્યારે તેઓ અમને છોડીને ગયા હતા ત્યારે અમે ફક્ત પલટૂરામ કહ્યા હતા. આ વખતે પણ પલટી ગયા છે, અમારાથી ભૂલ થઇ ગઇ, તેજસ્વીએ પણ ભૂલ કરી છે, નીતિશ ફરી પીએમ મોદીના પગમાં ચાલ્યા ગયા છે.
લાલુ પ્રસાદ યાદવે ભાજપને પડકાર આપતા કહ્યું કે ગાંધી મેદાન ખાતેની આજની રેલીથી હું તમને આહ્વાન કરું છું કે અમે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને નેસ્તનાબુદ કરી નાખીશું. લાલુ તરફથી જૂના દિવસોને યાદ કર્યા હતા અને એ વાત પર ભાર મૂક્યો હતો કે પહેલા બિહારમાં પછાતો સાથે કેવી રીતે અન્યાય થતો હતો. પરંતુ સીએમ બન્યા બાદ તેમણે પરિસ્થિતિ બદલી નાખી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું – પરિવર્તનની શરૂઆત બિહારથી જ થશે
બિહારમાં પટનાના ગાંધી મેદાનમાં ઇન્ડિયા એલાયન્સની જન વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે દેશમાં વિચારધારાની લડાઈ છે અને પરિવર્તનની શરૂઆત બિહારથી જ થાય છે. અમારી લડાઈ લોકશાહીને બચાવવાની છે અને ભાજપ-આરએસએસની વિરુદ્ધ છે. એક તરફ નફરત, હિંસા અને ઘમંડ છે, અને બીજી બાજુ પ્રેમ, આદર અને ભાઈચારો છે. ઇન્ડિયા એલાયન્સનો સારાંશ એક જ વાક્યમાં આપી શકાય છે, ‘નફરતના બજારમાં મોહબ્બત કી દૂકાન’. નફરતનું સૌથી મોટું કારણ અન્યાય છે.
આ પણ વાંચો – ભાજપની પ્રથમ યાદીમાં સૌથી વધુ ઉમેદવાર કઇ જ્ઞાતિના? જાણો કેવી રીતે જ્ઞાતિ સમીકરણનું સંતુલન જાળવ્યું
અખિલેશ યાદવે પણ રેલીને સંબોધિત કરી
લાલુ પહેલા અખિલેશ યાદવે પણ રેલીને સંબોધિત કરી હતી. તેમના તરફથી ભાજપને હરાવવાની ફોર્મ્યુલા જણાવવામાં આવી હતી. અખિલેશ યાદવે કહ્યું કે એક તરફ ઉત્તર પ્રદેશ ’80 હરાઓ’નો નારો આપી રહ્યું છે, જ્યારે બિહાર પણ ’40 હરાઓ’નો નારા લગાવી રહ્યું છે. જો યુપી અને બિહાર મળીને 120 સીટો પર હરાવી દેશે તો ભાજપનું શું થશે? 2024માં ‘સંવિધાન મંથન’ થવા જઈ રહ્યું છે. એક તરફ બંધારણના રક્ષકો છે અને બીજી બાજુ બંધારણના ભક્ષકો છે, તેઓ બંધારણનો નષ્ટ કરવા માગે છે.
આ રેલીમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષી દળોના નેતાઓ સામેલ થયા હતા.





