BJP Candidate List For Lok Sabha Election 2024 : ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી જ્યારે અમિત શાહ ગાંધીનગરથી અને રાજનાથ સિંહ લખનૌથી ચૂંટણી લડશે. ભાજપની પ્રથમ યાદીમાં રિપિટની સાથે-સાથે અમુક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આ સાથે એક સામાજિક ન્યાયનો સંદેશ પણ છે. ભાજપે જૂના નેતાઓ અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન બનાવ્યું છે.
બાંસુરી સ્વરાજ નવી દિલ્હીથી લડશે ચૂંટણી
સ્વર્ગીય સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને નવી દિલ્હીથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી આ બેઠક પરથી સાંસદ છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે શિવરાજ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે સુષ્મા સ્વરાજને વિદિશા લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
ઉમેદવારોની પસંદગીમાં, જીતવાની ક્ષમતા, પ્રતિનિધિત્વ અને પક્ષની જરૂરિયાતો અનુસાર શાંતિથી કામ કરવાની વૃત્તિ મહત્વની છે. પાર્ટીએ જાતિ અને લિંગના આધારે સામાજિક ન્યાય માટે તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. ભાજપની લોકસભા ચૂંટણી 2024ની પ્રથમ યાદીમાં 29 ટકા ઓબીસી (57 ઉમેદવારો), 14 ટકા એસસી (27 ઉમેદવારો), અને 9 ટકા એસટી (18 ઉમેદવારો)નો સમાવેશ કર્યો છે.
ભાજપની પ્રથમ યાદીમાં અનામત વર્ગના ઉમેદવારોની કુલ ટકાવારી લગભગ 52 ટકા છે. પ્રથમ યાદીમાં માત્ર એક મુસ્લિમ ઉમેદવાર છે. કેરળના મલપ્પુરમથી અબ્દુલ સલામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને 50 વર્ષથી ઓછી ઉંમરના 47 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપની સામાજિક ન્યાયના સમીકરણને ધ્યાનમાં રાખતા પીએમ મોદીનો ભાર મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો પર છે.
છત્તીસગઢમાં 7 સાંસદોની ટિકિટ કપાઇ
છત્તીસગઢમાં ભાજપે તેના 9માંથી 7 સાંસદો બદલ્યા છે. માત્ર દુર્ગથી માત્ર વિજય બઘેલ અને રાજનાંદગાંવથી સંતોષ પાંડેએ પોતાની સીટ બચાવી શક્યા છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પાર્ટીએ પોતાના મોટાભાગના જૂના ઉમેદવારોને જાળવી રાખ્યા છે. પરંતુ યુપીમાં ઘણી મહત્વની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. વરુણ ગાંધી અને મેનકા ગાંધીને હજુ સુધી ટિકિટ આપવામાં આવી નથી.
આ પણ વાંચો | 2019માં મોદી લહેર છતાં ભાજપ આ 4 બેઠક જીતી શકી નહી, હવે નવા ઉમેદવાર પર લગાવ્યો દાવ
છેલ્લી વખત ભોપાલથી કોંગ્રેસના દિગ્વિજય સિંહને હરાવનાર પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નામ મધ્યપ્રદેશથી ભાજપ ની પ્રથમ યાદીમાં નથી. તેવી જ રીતે, લોકસભામાં દાનિશ અલી વિરુદ્ધ પોતાના તીક્ષ્ણ નિવેદન માટે ટીકાનો સામનો કરી રહેલા રમેશ બિધુરીને પણ ટિકિટ આપવામાં આવી નથી. આવી જ રીતે, પાર્ટીએ દિલ્હીથી તેના પાંચ ઉમેદવારોની પ્રથમ યાદીમાં માત્ર મનોજ તિવારીને જ મેદાનમાં ઉતાર્યા છે. હર્ષવર્ધનની ટિકિટ પણ રદ કરવામાં આવી છે.