Lok Sabha Election 2024 BJP Candidate List : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આમાં પાર્ટીએ જ્ઞાતિ સમીકરણો અને મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન આપ્યું છે. ભાજપે તેના સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશ માટે 51 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે, જેમાં એકપણ સાંસદની ટિકિટ કાપવામાં આવી નથી, જે પાર્ટીના સાવધાનીપૂર્વક આગળ વધવાના અભિગમના સંકેત આપે છે.
ઉત્તરપ્રદેશ હાલના દિવસોમાં ભાજપનો ગઢ બની ગયો છે પરંતુ એવી ઘણી બેઠકો છે જ્યાં 2019માં મોદી લહેર હોવા છતાં ભાજપ બેઠક જીતી શક્યું ન હતું, જેના માટે આ વખતે પાર્ટીએ નવા ચહેરાઓ પર દાવ લગાવ્યો છે.
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ઉત્તર પ્રદેશની હારેલી બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી છે જેમાં શ્રાવસ્તી, આંબેડકર નગર, જોનપુર અને નગીના લોકસભા બેઠક છે. આ બેઠક પર ભાજપ 2019ની ચૂંટણીમાં વિપક્ષ સામે હાર્યુ હતુ. હવે આ બેઠકો જીતવા માટે ભાજપે એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે અને ચાર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યુ છે.
આ વખતે ભાજપે શ્રાવસ્તીથી નૃપેન્દ્ર મિશ્રાના પુત્ર સાકેત મિશ્રાને, આંબેડકર નગર બેઠક પર બસપા માંથી આવેલા રિતેશ પાંડે, જૌનપુરમાં કૃપાશંકર સિંહ (ભૂતપૂર્વ ગૃહ રાજ્ય મંત્રી, મહારાષ્ટ્ર) અને ઓમ કુમારને નગીના બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં હારેલી બેઠકો પર ઉભા રહેલા આ ઉમેદવારો પર ભૂતકાળની હારનો કોઈ બોજ નથી કે તેમની સામે કોઈ પૂર્વાગ્રહ પણ નથી.
નવા ઉમેદવારોની આકર્ષક છાપ
સૌથી પહેલા વાત કરીયે કૃપાશંકર સિંહની, તો તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને વર્ષ 2004માં મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. આ સાથે તેઓ 2011 સુધી મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા. કહેવાય છે કે તેમણે 2009માં શિવસેના સામે કોંગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ભાજપે યુપીની જૌનપુર સીટ પરથી તેમના નામની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.
આ ઉપરાંત શ્રાવસ્તીથી ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર સાકેત મિશ્રા દેવરિયાના રહેવાસી છે. સાકેતના દાદા પંડિત બદલુરામ શુક્લાને પ્રદેશના પ્રભાવશાળી બ્રાહ્મણ ચહેરા તરીકે જોવામાં આવે છે. તેઓ કોંગ્રેસના સાંસદ પણ રહી ચૂક્યા છે. આંબેડકર નગર સીટ પર પણ ભાજપની નજર છે. આ બેઠક પર પાર્ટીએ રિતેશ પાંડેને ટિકિટ આપી છે, જેઓ તાજેતરમાં BSPમાંથી BJPમાં જોડાયા હતા, જેમની સાથે PM મોદીએ તાજેતરમાં સંસદની કેન્ટીનમાં લંચ લીધું હતું.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024: ભાજપના પ્રથમ 195 ઉમેદવાર લિસ્ટમાં ગુજરાતના 15, દસ રિપીટ, પાંચ નવા ચહેરા
આ ઉપરાંત નગીના લોકસભા બેઠક પરથી ઓમ કુમાર પણ પાર્ટીનો મહત્વનો ચહેરો છે, જેમને પાર્ટીએ આ વખતે વિરોધ પક્ષોના કિલ્લાને તોડવા માટે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.