Lok Sabha Election 2024 BJP Candidate Ujjwal Nikam: લોકસભા ચૂંટણી 2024માં ભાજપ 400 બેઠક જીતવાનો દાવો કર્યો છે. શનિવારે રાજકીય વર્તુળોમાં પારો ગરમ થયો જ્યારે ભાજપે પોતાના દિગ્ગજ નેતા પૂનમ મહાજનની ટિકિટ કાપી. પૂનમ મહાજન ભાજપના પૂર્વ ફાયરબ્રાન્ડ નેતા પ્રમોદ મહાજનની પુત્રી છે, પરંતુ આ વખતે પાર્ટીએ તેમના સ્થાને એક એવા વ્યક્તિને ઉમેદવાર બનાવ્યા છે જે તેમની કારકિર્દીની પ્રથમ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ખૂબ જ પ્રખ્યાત ચહેરો ગણાતા મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી સત્તાધારી પક્ષે ઉજ્જવલ નિકમને ઉમેદવાર જાહેર કર્યા છે.
પૂનમ મહાજન સતત બે વાર ભાજપના સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ 2019માં તેમની જીતનું માર્જિન ભાજપ માટે તણાવનો વિષય હતો. જેના કારણે પાર્ટીએ પૂનમ મહાજનને બદલે લોકસભા ચૂંટણી 2024 માટે ઉજ્જવલ નિકમને પસંદ કર્યા છે. ઉજ્જવલ નિકમ દેશનો ખૂબ જ લોકપ્રિય ચહેરો રહ્યો છે, જેના કારણે ભાજપે તેમના પર દાવ લગાવ્યો છે.
ઉજ્જવલ નિકમ કોણ છે
ઉજ્જવલ નિકમની વાત કરીએ તો તેઓ દેશના જાણીતા વકીલ રહી ચૂક્યા છે. તે ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેઓ મુંબઈમાં 26/11ના હુમલાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બન્યા હતા. રસપ્રદ વાત એ છે કે પ્રમોદ મહાજનની હત્યા કેસમાં તેઓ સરકારી વકીલ પણ હતા, અને આજે તેઓ પ્રમોદ મહાજનની પુત્રી પૂનમની લોકસભા બેઠક પરથી મજબૂત ઉમેદવાર બની ગયા છે.
ઉજ્જવલ નિકમે ઘણા મહત્વપર્ણ કેસ લડ્યા
મુંબઈ નોર્થ સેન્ટ્રલ એક સમયે કોંગ્રેસનો ગઢ હતો પરંતુ આજે તે ભાજપનો ગઢ બની ગયો છે. કોંગ્રેસે આ બેઠક પરથી વર્ષા ગાયકવાડને મેદાનમાં ઉતાર્યા છે. 26/11ના મુંબઈ હુમલા ઉપરાંત નિકમે 1993ના બોમ્બ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યા સહિત અનેક હાઈપ્રોફાઈલ કેસોમાં સરકારી વકીલપ બન્યા છે.
ઉજ્જવલ નિકમે અજમલ કસાબને ફાંસીના માંચડે પહોંચાડ્યો
26/11ના મુંબઈ હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસના માંચડે પહોંચાડવામાં ઉજ્જવલ નિકમે વકીલ તરીકે મોટી ભૂમિકા ભજવી હતી. વર્ષ 2016માં નિકમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પદ્મશ્રીથી નવાજ્યા હતા. વર્ષ 2009માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે સતારા સ્વાતંત્ર્ય સેનાની ઉંદાલકર પુરસ્કાર એનાયત કર્યો હતો. ઉજ્જવલ નિકમ જ્યારે મુંબઈ હુમલા કેસના ચીફ પ્રોસિક્યુટર બન્યા ત્યારે સરકારે તેમને ઝેડ-સિક્યોરિટી પણ આપી હતી.
મુંબઈ હુમલામાં પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ આમિર કસાબની સુનાવણીમાં નિકમ સરકારી વકીલ પણ હતા અને કસાબની ફાંસીની સજા અંગે તેમણે કોર્ટમાં દલીલો કરી હતી, આ કેસ તેમની સફળતાની કહાણી બની ગયો છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024: રામના નામે ભાજપ માંગી રહી છે મત, અયોધ્યા રામ મંદિર નિર્માણમાં મોદીનું યોગદાન કેટલું?
કસાબને બિરયાની ખવડાવવાનો વિવાદ
ઉજ્જવલ નિકમે એક વખત કસાબને બિરયાની ખવડાવાની વાત કહી એક વાર ઘણો મોટો વિવાદ ઉભો કર્યો હતો. જો કે પાછળથી કસાબને ફાંસી આપ્યાના ત્રણ વર્ષ બાદ તેણે વાતચીતમાં કહ્યું હતું કે કસાબે ક્યારેય મટન બિરયાની માંગી નથી કે તેને બિરયાની પણ આપવામાં આવી નથી. તેમણે આ વાત એટલા માટે કહી હતી કારણ કે કસાબ માટે ભાવનાત્મક માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અજમલ કસાબને લઇને ઘણી ચર્ચા થઇ હતી અને આ કેસને ઇમોશનલ એંગલ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. નિકમે કહ્યું હતું કે બિરયાનીની વાતોથી વાતાવરણ ઘણું બદલાઈ ગયું હતું.





