Lok Sabha Election 2024 BJP Campaign On Ram Temple: લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ખુલ્લેઆમ હિન્દુઓના ભગવાન રામના નામે મત માંગી રહી છે. ભાજપ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને પોતાની ઉપલબ્ધી ગણાવી રહી છે. પરંતુ વંચિત બહુજન અઘાડી (વીબીએ)ના નેતા પ્રકાશ આંબેડકરનું માનવું છે કે રામ મંદિરના નિર્માણમાં ભાજપનું યોગદાન શૂન્ય છે.
અંગ્રેજી સમાચાર પત્ર ધ ટેલિગ્રાફ સાથેની મુલાકાતમાં પ્રકાશ આંબેડકરને પૂછવામાં આવ્યું હતું કે, જે ભાજપના કાર્યકરો રામ મંદિર નિર્માણ, કલમ 370 નાબૂદ કરવા અને નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ)ને મોદી સરકારની મોટી સિદ્ધિઓ તરીકે રજૂ કરી રહ્યા છે, તેનો તેઓ કેવી રીતે સામનો કરશે?
કોઇ ગઠબંધન વગર ચૂંટણી મેદાનમાં ઉતરનાર પ્રકાશ આંબેડરે જવાબ આપ્યો – કલમ 370 હટાવ્યા બાદ પણ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ શાંતિપૂર્ણ નથી. કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં ન હોવાથી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી નથી. જ્યાં સુધી રામ મંદિરની વાત છે તો દેશના દરેક ગામમાં રામ મંદિર છે. રામ મંદિર પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ભાજપનું યોગદાન શૂન્ય છે.
સવાલ એ થાય છે કે પ્રકાશ આંબેડકરના નિવેદનમાં કેટલી સચ્ચાઈ છે, રામ મંદિર માટે ચલાવેલા અભિયાનમાં ભાજપ અને મોદીનું ભૂમિકા શું હતી? રામ મંદિર નિર્માણનો મુદ્દો લાંબા સમયથી ભાજપના ઢંઢેરામાં છે એ વાત સાચી, પણ હકીકતમાં મંદિર નિર્માણમાં ભાજપનું શું યોગદાન રહ્યું છે?
રામ મંદિર ક્યારે બન્યો ભાજપનો મુદ્દો?
ભારતીય જનતા પાર્ટી અને જનસંઘની સ્થાપનાના ઘણા સમય પહેલા જ કોંગ્રેસનો એક વર્ગ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના અભિયાનમાં કૂદી પડ્યો હતો. 22-23 ડિસેમ્બર 1949ની રાત્રે બાબરી મસ્જિદમાં રામ લલ્લાની મૂર્તિ મૂકવામાં આવી હતી. જ્યારે નહેરુને આ વાતની ખબર પડી તો તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા. તેમણે મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને પ્રતિમા હટાવવા જણાવ્યું હતું.
તત્કાલીન ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે કે નાયર અને સિટી મેજિસ્ટ્રેટ ગુરુ દત્તસિંહે પ્રતિમાને હટાવવાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં ફૈઝાબાદ કોંગ્રેસમાં પણ સર્વસંમતિ સધાઈ નહોતી. કોંગ્રેસના ધારાસભ્ય બાબાએ ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, જો આ પ્રતિમાને હટાવવામાં આવશે તો તેઓ વિધાનસભા અને પક્ષમાંથી રાજીનામું આપી દેશે.
બાબા રાઘવ દાસ ફૈઝાબાદના મોટા નેતા હતા, પંતે પોતે તેમના માટે પ્રચાર કર્યો હતો. તેઓ દિગ્ગજ સમાજવાદી નેતા આચાર્ય નરેન્દ્ર દેવને હરાવીને વિધાનસભા પહોંચ્યા હતા.
મંદિર અને રામને સમર્થન આપતા કોંગ્રેસના નેતાઓની યાદીમાં ઘણા નામો ઉમેરવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદનું તાળું ખોલ્યું હતું. સરકારે ટીવી ચેનલ પર રામાયણ પ્રસારિત કરવા માટે પોતાના માહિતી અને પ્રસારણ મંત્રી બદલ્યા હતા. નરસિંહ રાવની સરકાર વખતે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. નીરજા ચૌધરીના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે રાવ પોતે રામ મંદિર બનાવવા માંગતા હતા. આ માટે તેમણે ટ્રસ્ટ બનાવીને જમીન પણ સંપાદિત કરી હતી.
જ્યાં સુધી ભાજપ રામ મંદિર અભિયાનમાં જોડાવાની વાત છે તો 1989માં થયું હતું. 1984ની ચૂંટણીમાં ભાજપ બે બેઠકો પર સમેટાઈ ગયું હતું. આ પછી પાર્ટીએ અટલ બિહારી વાજપેયીને અધ્યક્ષ પદ પરથી હટાવીને લાલકૃષ્ણ અડવાણીને કમાન સોંપી હતી. અડવાણી પ્રમુખ બનતાની સાથે જ મુરલી મનોહર જોશીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા.
અડવાણીના અધ્યક્ષ બન્યાના લગભગ એક મહિના બાદ 11 જૂન 1989ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. આ જ બેઠકમાં અડવાણીના નેતૃત્વમાં ભાજપે વિહિપની રામમંદિરની માગણીને ઔપચારિક સમર્થન આપવાનો ઠરાવ પસાર કર્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ શરૂઆતથી જ રામ મંદિર માટે પ્રચાર કરી રહી હતી. તુકદોજી મહારાજ વિહિપના સ્થાપક સભ્યોમાંના એક હતા. તુકદોજી મહારાજ ભારત સાધુ સમાજના પ્રથમ પ્રમુખ હતા, જેની સ્થાપનામાં કોંગ્રેસની ભૂમિકા હતી.
આ તો થઇ ભાજપ દ્વારા મંદિર આંદોલનમાં જોડાવાની વાત છે. જ્યાં સુધી નરેન્દ્ર મોદીના મંદિર અભિયાન સાથે સંબંધની વાત છે તો તેની વિશે પણ જાણીયે…
મંદિર અભિયાનમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા
હાલ ભાજપ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રામ મંદિર નિર્માણના નામે મત માંગી રહી છે. રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન ભાજપે નરેન્દ્ર મોદીને અડવાણીની રથયાત્રાના શિલ્પી ગણાવ્યા હતા. ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, 1990માં ભાજપે મંદિરના નિર્માણ માટે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી હતી, જેના શિલ્પી અને રણનીતિકાર હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા.
ભાજપના આ દાવાને સંઘની પત્રિકા સાથે જોડાયેલા પત્રકારો પણ સમર્થન આપતા નથી. આરએસએસ સાથે સંકળાયેલા સાપ્તાહિક મેગેઝિન ઓર્ગેનાઇઝરના ભૂતપૂર્વ સંપાદક શેષાદ્રી ચારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, રામ મંદિર આંદોલનને જન આંદોલન કેવી રીતે બનાવી શકાય તેની યોજના બનાવવા માટે આરએસએસએ 1980માં તેની પ્રથમ બેઠક યોજી હતી. આ આંદોલન પાછળના માસ્ટર માઇન્ડ હતા મોરાપન્ટ પિંગલે. ગંગા માતા યાત્રા અને ઇંટ મૂકવા જેવા કાર્યક્રમો સમગ્ર યોજનાનો એક ભાગ હતા. અડવાણીની રથયાત્રા કદાચ આવી ચોથી ઘટના હતી.
30 વર્ષથી વધુ સમય સુધી રામ મંદિર અભિયાનને કવર કરનાર પત્રકાર સુમન ગુપ્તાએ ઓગસ્ટ 2020 માં Rediff.com સૈયદ ફિરદૌસ અશરફ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મંદિર આંદોલનમાં મોદીની કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા નથી.
મોટાભાગના વિશ્લેષકો માને છે કે નરેન્દ્ર મોદીએ અડવાણીને રથયાત્રાના ગુજરાત ચરણના આયોજનમાં મદદ કરી હતી. આ સમગ્ર અભિયાનમાં તેમની કોઈ ખાસ ભૂમિકા નહોતી. ભાજપની વેબસાઈટે પણ મોદીના યોગદાનનો ઉલ્લેખ કર્યો નથી.
મંદિર નિર્માણમાં ભાજપની ભૂમિકા શું છે?
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ થયું છે. આ મંદિરનું ટ્રસ્ટ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નવી દિલ્હીના રાજકારણની વાત આવે ત્યારે મોદી પોતાને રામ મંદિરના મુદ્દા સાથે જોડવામાં અચકાતા હતા.
2024 અને 2019માં પોતાના બે સફળ ચૂંટણી અભિયાન દરમિયાન મોદી એ તત્કાલિન વિવાદિત સ્થળ પર જવાનું ટાળ્યુ હતુ. 2014માં ભાજપને ઉત્તર પ્રદેશ માંથી સૌથી વધુ ચૂંટણી ફાયદાની અપેક્ષા હતી. મોદી એ અયોધ્યાની આસપાસ એક ચૂંટણી સભા સંબોધીત કર હતી જો કે રામ જન્મભૂમિ સ્થળે ગયા ન હતા.
2019માં પણ જ્યારે એક વાર ફરી લોકસભા ચૂંટણી આવી ત્યારે પણ મોદી એ એક પણ વિવાદિત સ્થળની મૂલાકાત લીધી ન હતી. જો કે તેમણે 1 મે, 2019માં અયોધ્યાથી માત્ર બે કિમી દૂર ગોસાઇગંજમાં એક જનસભા સંબોધિત કરી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના લિઝ મેથ્યુએ એક લેખમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં અયોધ્યા અથવા રામ મંદિરનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર 2019ના રોજ જ્યારે મંદિર નિર્માણનો રસ્તો સાફ કરી દીધો તો વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું કે અયોધ્યામાં નિર્માણની પહેલની પાછળ તેઓ પ્રેરક બળના રૂપમાં ઓળખાવા માંગશે.
લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા રામ મંદિરનો ઉપયોગ
ભાજપ પોતાના ચૂંટણી પ્રચારમાં રામ મંદિરનો સતત ઉપયોગ કરી રહી છે. 17 એપ્રિલના રોજ રામ નવમી (હિન્દુ તહેવાર) પર આસામમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ લોકોને અયોધ્યામાં રામ મંદિરમાં કરવામાં આવતી સૂર્ય તિલક વિધિમાં ભાગ લેવા માટે તેમના મોબાઇલ ફોન પર ફ્લેશલાઇટ ચાલુ કરવા જણાવ્યું હતું.
જનસભા બાદ મોદીએ પોતાની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે તેમણે સૂર્ય તિલક વિધિનો વીડિયો જોયો. ભાજપના સત્તાવાર હેન્ડલે આ વિધિની તસવીર પોસ્ટ કરી હતી અને કેપ્શન આપ્યું હતું કે: તમારા એક મત ની શક્તિ!.
ભાજપના ઘણા નેતાઓએ પણ મત માટે રામનો એક પ્રતિક રી઼તે ઉપયોગ કર્યો છે. મેરઠથી ભાજપ ઉમેદવાર અરુણ ગોવિલને એક ચૂંટણી રેલીમાં રામની તસવીર દર્શાવ્યા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ તરફથી નોટિસ મળી છે. જો કે, આનાથી ભાજપના નેતાઓ દ્વારા રામના નામે મત માંગવાનું બંધ ન થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ એક ચૂંટણી રોડ શોમાં રામની તસવીર હાથમાં પકડેલા જોવા મળ્યા હતા.
ધર્મના આધાર પર મત માંગવા ભ્રષ્ટ આચરણ
જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 123 અનુસાર – ધર્મ, વંશ, જાતિ, સમુદાય, ભાષાના આધાર પર મત માંગવા કે ધાર્મિક પ્રતિકના આધાર પર મત માંગવાને ભ્રષ્ટ આચરણ માનવામાં આવ્યું છે.
જો એવું સાબિત થઇ જાય તો કોઇ ઉમેદવાર ભ્રષ્ટ આચરણ કરી રહ્યા હતા, તો ઉપરોક્ત નિયમની કલમ 100 હેઠળ તે ઉમેદવારનું ચૂંટણી પાત્રતા રદ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી : એક તીર બે નિશાન, મોદી અને ભાજપ બંને માટે હવે 400 પારનો અર્થ બદલાયો
વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, ચૂંટણી પ્રક્રિયામાં ધર્મ, વંશ, જાતિ, સમુદાય કે ભાષાની કોઇ ભૂમિકા હોવી જોઇએ નહીં. જો આ આધારો પર મત માંગવામાં આવો તો ઉમેદવારની ચૂંટણી રદ થઇ શકે છે.