ચૂંટણી સમયે નેતાઓને જેલમાં ધકેલવા, નોટિસો આપવી યોગ્ય નહી : ત્રણ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોનો અભિપ્રાય

ED action against opposition leaders : ચૂંટણી પંચ (EC) ના પૂર્વ વડાઓ અનુસાર, આવી પ્રકારની કાર્યવાહીઓને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં હસ્તક્ષેપ તરીકે જોઈ શકાય છે, જે સમાન અવસરને અસર કરે છે, ચૂંટણી પંચે હસ્તક્ષેપ કરવો જોઈએ.

April 01, 2024 17:41 IST
ચૂંટણી સમયે નેતાઓને જેલમાં ધકેલવા, નોટિસો આપવી યોગ્ય નહી : ત્રણ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોનો અભિપ્રાય
ઈડી દ્વારા વિપક્ષ નેતાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી (ફોટો - જનસત્તા)

ED Action against Opposition Leaders : લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોનો પ્રચાર શરૂ થઈ ગયો છે. સત્તાધારી ભાજપ ‘વિકસિત ભારત’નું સપનું બતાવી રહી છે. હવે સામાન્ય વલણ એ રહ્યું હશે કે, વિરોધ પક્ષોએ ભાજપ પાસેથી તેના 10 વર્ષના કાર્યકાળનો હિસાબ માંગ્યો હોત અને ‘વિકસિત ભારત’ના વચન પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા હોત.

પરંતુ આવું થઈ રહ્યું નથી. વિરોધ પક્ષ અન્ય સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક તેમના નેતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે કેટલાક પક્ષને વિઘટનથી બચાવવાના પડકારનો સામનો કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓ સતત કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડારમાં આવી રહ્યા છે. કોંગ્રેસ, AAP અને અન્ય પક્ષોનો આરોપ છે કે, મોદી સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદથી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત હવે ત્રણ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે, તાજેતરના સમયમાં જે રીતે IT (ઇન્કમ ટેક્સ) અને ED (Enforcement Directorate) એ વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, તે ચૂંટણીમાં અસમાનતા પેદા કરી રહી છે. ત્રણ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરો ધ ઈન્ડિયન એક્સપ્રેસના દામિનીનાથ સાથે વાત કરી છે. જેમાં એસવાય કુરેશી ઉપરાંત બે મુખ્ય ચૂંટણી કમિશનરોએ નામ જાહેર ન કરવાની વિનંતી કરી છે.

કોંગ્રેસને IT ની નોટિસ પર મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?

શનિવારે (30 માર્ચ) કોંગ્રેસે કહ્યું કે, તેને વર્ષ 2014-2015 અને 2016-2017 માટે આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. નોટિસમાં રૂ. 1,745 કરોડનો ટેક્સ જમા કરવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ 1994-1995 અને 2017-2018 માટે નોટિસ આવી હતી. જો આપણે તાજી અને જૂની નોટિસની રકમને જોડીએ તો આઈટી વિભાગે કુલ રૂ. 3,567 કરોડના ટેક્સની માંગણી કરી છે. આ સિવાય IT વિભાગે જૂના લેણાંની ચુકવણી માટે કોંગ્રેસના ખાતામાંથી 135 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે.

ચૂંટણી પંચ (EC) ના પૂર્વ વડાઓ અનુસાર, આવી પ્રકારની કાર્યવાહીઓને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં હસ્તક્ષેપ તરીકે જોઈ શકાય છે અને ચૂંટણી પંચે ઓછામાં ઓછી એજન્સીઓ સાથે બેઠક કરી એ જાણવું જોઈએ કે, IT વિભાગ તેની કરની માંગ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી તેને મોકૂફ કેમ નથી રાખી શકતુ કે રાખી શકશે કે નહી?

ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસના દામિની નાથને કહ્યું, “મને વ્યક્તિગત રીતે લાગે છે કે, ચૂંટણી પંચ ચોક્કસપણે તેને રોકી શકે છે કારણ કે તે સમાન અવસરને અસર કરી રહ્યું છે. ચૂંટણી પંચની અંદર, અમે હંમેશા ચૂંટણી દરમિયાન ટાળી શકાય તેવી ક્રિયાઓ ટાળવાના સિદ્ધાંતનું પાલન કર્યું છે. એ પૂછવું જ જોઈએ કે, શું આવી બાબતોને ચૂંટણીના સમયગાળા માટે મોકૂફ રાખવાથી કોઈ ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન થાય તેમ છે? આ કિસ્સામાં કોઈ ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન નથી. આ ત્રણ મહિના પછી પણ કરી શકાય છે.

અન્ય એક પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, જેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે: “આયોગમાં અમારા સમય દરમિયાન આવી પરિસ્થિતિઓ ક્યારેય ઊભી થઈ ન હતી, તેથી કમિશને ક્યારે પગલાં લીધાં તેનું કોઈ ઉદાહરણ આપવું મુશ્કેલ છે. જો કે, આદર્શ આચાર સંહિતાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ચૂંટણીમાં ભાગ લેનાર પ્રત્યેક વ્યક્તિ માટે એક સમાન અવસર સુનિશ્ચિત કરવામાં આવે. જો ચૂંટણી પ્રચાર દરમિયાન કર એજન્સીઓ મુખ્ય વિપક્ષી પાર્ટીને નોટિસો જાહેર કરતી રહે છે, તેમના ખાતા ફ્રીઝ કરતી રહે છે અને તેમાંથી પૈસા પણ કાપતી રહે છે, તો પંચે નક્કર કારણો માટે સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ) ને પૂછવું પડશે. શું આ કાર્યવાહી માટે ચૂંટણી સુધી રાહ ન જોઈ શકાય? “આ પંચ અને સીબીડીટી વચ્ચેની બેઠક દ્વારા શક્ય થઈ શકે છે.”

નેતાઓ સામેની કાર્યવાહી પર પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?

તાજેતરના મહિનાઓમાં, ED એ અલગ-અલગ કેસોમાં વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી છે, શોધખોળ હાથ ધરી છે, સમન્સ જાહેર કરી છે અને ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આ મહિનાની શરૂઆતમાં દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની ધરપકડ કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ સીઈસીએ જણાવ્યું હતું કે, જ્યારે ઇડી નેતાઓને એવા સમયે પૂછપરછ માટે બોલાવે છે જ્યારે તેઓએ ચૂંટણી પ્રચારમાં સામેલ થવાનું હોય, ત્યારે તે પણ સમાન અવસરને પણ જોખમમાં મૂકે છે. ભૂતપૂર્વ સીઈસીએ કહ્યું, “રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં ચૂંટણી પંચ રસ્તામાં આવી શકે નહીં, પરંતુ જો આવો કોઈ કેસ ન હોય તો આઈટી વિભાગ અને ઈડી બે મહિના સુધી રાહ જોઈ શકે છે.”

ત્રીજા ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, જેમણે નામ ન આપવાની શરતે કહ્યું: “આ એક જટિલ મામલો છે અને હું સમજી શકું છું કે, ચૂંટણી પંચ માટે તેની સાથે કામ કરવું કેટલું મુશ્કેલ હશે. પરંતુ હકીકત એ છે કે, જ્યારે રાજકીય પક્ષની ભંડોળની પહોંચ બંધ થઈ જાય છે ત્યારે તમે ચૂંટણી લડવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો છો? શું આ લેવલ પ્લેઇંગ ફિલ્ડને અસર કરતું નથી? આ મેચમાં અમ્પાયર તરીકે, ચૂંટણી પંચ મૌન રહી શકે નહીં અને તેમને દરોડા અને એકાઉન્ટ્સ ફ્રીઝ કરવા અને ટેક્સની માંગણી જેવી કાર્યવાહી મોકૂફ રાખવા માટે પરામર્શ અથવા કેન્દ્રીય એજન્સીઓ સાથે મીટિંગ દ્વારા ઉકેલ શોધવો જોઈએ, અને તેમણે એજન્સીઓને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

વિપક્ષી નેતાઓની ધરપકડ પર કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?

ધ ઈન્ડિયન એક્સપ્રેસના આઈડિયા એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેનાર બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચૂંટણી પહેલા જેલમાં ધકેલી દેવાના સવાલ પર કહ્યું, “અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી, અમે તેમને જેલમાં નાખ્યા નથી.

જ્યારે એક્સપ્રેસની શુભાંગી ખાપરે પીયૂષ ગોયલને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે કહ્યું, “તેમાં અમારી ભૂમિકા ક્યાં છે? કાયદો લોકોને તેમના ખોટા કામો માટે પકડે છે. જ્યારે એજન્સીઓ આ પગલા લઈ રહી હતી ત્યારે તેઓએ તેના પરિણામો વિશે વિચારવું જોઈએ. અમારી પાસે ભારતમાં મજબૂત ન્યાયતંત્ર છે, એક મજબૂત વ્યવસ્થા છે, જે દરેકના અધિકારોનું રક્ષણ કરે છે. તમે આમ આદમી પાર્ટીના એક નેતાની વાત કરી રહ્યા છો પરંતુ તેમના ઘણા સાથીદારો લાંબા સમયથી જેલમાં છે.

વિરોધ પક્ષો વારંવાર કહી રહ્યા છે કે, મોદી સરકાર તપાસ એજન્સીઓ દ્વારા તેમના પર હુમલો કરી રહી છે. વિપક્ષના આ આરોપ પર પીયૂષ ગોયલ કહે છે કે, “કોઈ પણ તેમના (વિપક્ષ) શબ્દોથી પ્રભાવિત થવાનું નથી. લોકો ખુશ છે કે, મોદી કડક કાર્યવાહી કરે છે અને ખોટું કરનારાઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. ધ્યાનમાં રાખો કે, જો કોઈ પીએમ ઉભા થઈને કહે કે તે લાચાર છે અને ભ્રષ્ટાચાર જીવનનો એક ભાગ છે, તો સામાન્ય માણસને તે પસંદ નહી આવે. યાદ રાખો કે કેવી રીતે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ 1985 માં કહ્યું હતું કે, સરકાર દ્વારા ખર્ચવામાં આવતા દરેક રૂપિયામાંથી માત્ર 15 પૈસા લાભાર્થી સુધી પહોંચે છે અને બાકીના વચેટિયાઓ ખાઈ જાય છે? એ તે સરકારની મજબૂરી છે. “લોકોને એવા નેતા ગમે, જે સમસ્યાઓનો હલ કરે છે.”

મોદી સરકારમાં ED ના 95% કેસોમાં વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા

સપ્ટેમ્બર 2022માં પ્રકાશિત ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, યુપીએ શાસનની સરખામણીમાં મોદી સરકાર હેઠળના રાજકારણીઓ વિરુદ્ધ EDના કેસોમાં ચાર ગણો વધારો થયો છે.

એક્સપ્રેસે કોર્ટના રેકોર્ડ, એજન્સીની વિગતો અને પૂછપરછ, અટકાયત, ધરપકડ, ED દ્વારા દરોડા પાડવા માટે લેવામાં આવેલા રાજકારણીઓના અહેવાલોના અભ્યાસ પર આધારિત અહેવાલ.

ED action against opposition leaders - 1
2004 થી 2014 નો આંકડો

આ જ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, 2014 અને 2022 વચ્ચે 121 અગ્રણી રાજકારણીઓ પર ED દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 115 વિપક્ષી નેતાઓ હતા, એટલે કે 95% કેસમાં વિપક્ષી નેતાઓ ED ના નિશાના પર હતા.

વિપક્ષ પાર્ટીઓનેતાઓની સંખ્યા
કોંગ્રેસ24
ટીએમસી19
એનસીપી11
શિવસેના08
ડીએમકે06
બીજેડી06
આરજેડી05
બીએસપી05
એસપી05
ટીડીપી05
આપ03
આઈએનએલડી03
વાયએસઆરસીપી03
સીપીએમ02
એનસી02
પીડીપી02
આઈએનડી02
એઆઈડીએમકે01
એમએનએસ01
એસબીએસપી01
ટીઆરએસ01
2014 થી 2022 નો આંકડો

આ યુપીએ શાસન (2004 થી 2014) દરમિયાન કરવામાં આવેલી EDની કાર્યવાહીથી વિપરીત છે. યુપીએ શાસન દરમિયાન એજન્સી દ્વારા કુલ 26 રાજકીય નેતાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 14 વિપક્ષી નેતાઓ હતા એટલે કે અડધાથી વધુ (54%).

PC - IE
પીસી આઈ (ફોટો – જનસત્તા)

જ્યારે આઇડિયા એક્સચેન્જ પર પિયુષ ગોયલને પૂછવામાં આવ્યું કે, જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી EDએ વિપક્ષી નેતાઓ સામે 95 ટકા કેસ દાખલ કર્યા છે, ત્યારે કેન્દ્રીય મંત્રીએ રિપોર્ટ પર જ સવાલો ઉઠાવ્યા હતા. “માત્ર કારણ કે તે તમારો રિપોર્ટ તેની વિશ્વસનીયતામાં વધારો કરતું નથી,” તેમણે કહ્યું, તમે આનો અંદાજ લગાવી શકો છો. હું આવા કોઈ તથ્યો કે આંકડાઓથી વાકેફ નથી. સરકાર અથવા તપાસ એજન્સીઓ કેવી રીતે કાર્ય કરશે, તે તમારી ધારણા નક્કી કરશે નહીં.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા કચ્ચાથીવુ ટાપુને લઈ શું હંગામો છે? 1974માં કોંગ્રેસે શ્રીલંકા સાથે કર્યો હતો કરાર? શું છે મામલો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડનું વિશ્લેષણ કરતાં, ધ ઈન્ડિયન એક્સપ્રેસના સહયોગી સંપાદક નીરજા ચૌધરીએ લખ્યું છે કે, ભાજપ કેજરીવાલ સહિતના મોટા AAP નેતાઓની ધરપકડનો ફાયદો ઉઠાવીને આમ આદમી પાર્ટીમાં નેતૃત્વ શૂન્યતાનો પર્દાફાશ કરવા માંગે છે, જેથી વિપક્ષના હુમલાને કારણે લાચાર બનેલી પાર્ટી કોઈ વ્યૂહરચના બનાવી ન શકે અને તૂટી જાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ