Lok Sabha Election 2024: 3 વર્ષમાં વિખેરાઈ ગયુ 300 બેઠક જીતી સરકાર બનાવનાર ગઠબંધન, વાંચો ઐતિહાસિક લોકસભા ચૂંટણીની કહાણી

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ 4 જૂને જાહેર થવાના છે. ભૂતકાળમાં નજર કરીયે તો વર્ષ 1977ની લોકસભા ચૂંટણી ઘણી ઐતિહાસિક હતી, જેમાં જનતા પાર્ટીએ 542 માંથી 298 બેઠક જીતી કોંગ્રેસને પછાડી હતી.

Written by Ajay Saroya
June 01, 2024 00:41 IST
Lok Sabha Election 2024: 3 વર્ષમાં વિખેરાઈ ગયુ 300 બેઠક જીતી સરકાર બનાવનાર ગઠબંધન, વાંચો ઐતિહાસિક લોકસભા ચૂંટણીની કહાણી
ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ (Express Archive)

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 પરિણામની રાહ જોવાઇ રહી છે. ભારતમાં ચૂંટણી ઇતિહાસ પર નજર કરીયે તો 1977ની લોકસભા ચૂંટણી દેશના ઇતિહાસમાં પહેલી એવી ચૂંટણી હતી જ્યારે પહેલી બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી હતી. જનતા પાર્ટીના ગઠબંધને 298 સીટો જીતીને સરકાર બનાવી હતી.

આ ચૂંટણી કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધી માટે રાજકીય રીતે કટોકટીના સમયમાં થઈ હતી. 1975માં અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણીમાં ગેરરીતિના આધારે ઈન્દિરા ગાંધીની 1971ની ચૂંટણીને રદ કરી દીધી હતી. જે બાદ ઈન્દિરા ગાંધી સરકારે 1975માં કટોકટી જાહેર કરી હતી. કટોકટીના 21 મહિનાના સમયગાળા દરમિયાન, ભારતમાં પ્રેસ – મીડિયા પર મોટા પ્રમાણમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને વિરોધીઓ અને વિપક્ષના નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી હતી.

માર્ચ 1977માં ચૂંટણીની ઘોષણા

કટોકટીને કારણે 1967 ની નિર્ધારિત લોકસભાની ચૂંટણીઓ પાછી ઠેલવાઇ હતી અને માર્ચ 1977 માં નવી ચૂંટણીની ઘોષણા કરવામાં આવી હતી. ચૂંટણીઓ જાહેર થયા પછી તરત જ, સાતમાંથી ચાર રાષ્ટ્રીય પક્ષો – ચરણસિંહની ભારતીય લોકદળ (બીએલડી), ભારતીય જનસંઘ, કોંગ્રેસ (ઓ) અને સોશિયાલિસ્ટ પાર્ટી એક સાથે ભળી ગયા. આ નવા પાર્ટીનું નામ જનતા પાર્ટી હતું જે કટોકટી અને કોંગ્રેસનો વિરોધ કરી રહી હતી.

ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ)એ જનતા ગઠબંધનને માન્યતા ન આપી હોવાથી, પાર્ટીએ મોટાભાગના રાજ્યોમાં બીએલડીના બેનર હેઠળ અને તમિલનાડુ અને પોંડિચેરીમાં કોંગ્રેસ (ઓ)ના બેનર હેઠળ ચૂંટણી લડી હતી.

જનતા પાર્ટીએ 542માંથી 298 બેઠકો જીતી

જનતા પાર્ટીએ લોકશાહી વિરુદ્ધ સરમુખત્યારશાહીના નારા હેઠળ એક અભિયાન શરૂ કર્યું હતું, જે દેશમાં ઇન્દિરા ગાંધી અને કટોકટી પ્રત્યે વધી રહેલા અસંતોષ પર આધારિત હતું. જનતા પાર્ટીએ ચૂંટણીમાં લોકસભાની 542 બેઠકોમાંથી 298 બેઠકો જીતી હતી, એટલે કે પાર્ટીએ લડેલી બેઠકોમાંથી લગભગ 73 ટકા બેઠકો જીતી હતી. ચૂંટણી બાદ મોરાજી દેસાઇએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય બંનેને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

11 મે, 1977ના રોજ ECI એ જનતા પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપી

11 મે, 1977ના રોજ ચૂંટણી પંચે જનતા પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપી અને બીએલડીનું પ્રતીક જનતા પાર્ટીનું પ્રતીક બની ગયું. પાર્ટીએ પોતાના સહયોગીઓ સાથે મળીને સરકાર બનાવી. કોંગ્રેસ માત્ર 154 બેઠકો જીતી શકી હતી, જે 2014 સુધીમાં પાર્ટીએ જીતેલી સૌથી ઓછી બેઠકો છે. કોંગ્રેસ માટે સૌથી ખરાબ ચૂંટણી 2014ની સામાન્ય ચૂંટણી હતી જ્યારે તેણે માત્ર 44 બેઠકો જીતી હતી.

ઉત્તર પ્રદેશની તમામ 85 બેઠકો પર જનતા પાર્ટીએ જીત મેળવી

ખાસ કરીને ઉત્તર ભારતમાં જનતા ગઠબંધન સફળ રહ્યું હતું. પાર્ટીએ ઉત્તર પ્રદેશની તમામ 85, બિહારની 54માંથી 52 અને મધ્ય પ્રદેશની 40માંથી 37 બેઠકો જીતી હતી. તેણે રાજસ્થાનની 24 અને મહારાષ્ટ્રની 19 બેઠકો જીતી હતી, જેમાં મુંબઈની તમામ બેઠકોનો પણ સમાવેશ થાય છે. જનતા પાર્ટીએ હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢની તમામ બેઠકો જીતી હતી.

આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને કેરળની 154માંથી 92 બેઠકો જીતીને કોંગ્રેસે દક્ષિણમાં અમુક અંશે સત્તા જાળવી રાખી હતી. કોંગ્રેસ (ઓ) બેનર હેઠળ જનતા પાર્ટીએ કેરળમાં એક પણ બેઠક જીતી ન હતી, કર્ણાટકમાં બે અને તમિલનાડુમાં ત્રણ બેઠકો જીતી હતી.

જનતા પાર્ટીની સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં

જનતા પાર્ટી કોંગ્રેસ વિરોધી ભાવના સાથે સત્તામાં આવી પરંતુ લાંબા સમય સુધી ટકી શકી નહીં. મોરારજી દેસાઈએ સત્તા સંભાળ્યાના એક વર્ષ બાદ તેમના ગૃહપ્રધાન ચરણસિંહે રાજીનામું આપી દીધું હતું. ચરણસિંહ ૧૯૭૯માં નાણામંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે સરકારમાં પાછા ફર્યા હતા, પરંતુ જનતા પાર્ટી (સેક્યુલર)ની રચના કરવા માટે બીજી વખત રાજીનામું આપ્યું હતું.

1977થી 1979 વચ્ચે 76 સાંસદો જનતા ગઠબંધનથી અલગ થઇ ગયા હતા. જ્યારે 1980માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે ફરી સત્તા હાંસલ કરી હતી. જનતા પાર્ટીને માત્ર 31 બેઠકો મળી હતી અને જનતા પાર્ટી (સેક્યુલર)ને 41 બેઠકો મળી હતી. થોડા સમય બાદ જનતા ગઠબંધન તૂટી ગયું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ