India Alliance : જમ્મુ-કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધન હજી પણ આગામી લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને લઈને સંઘર્ષ કરી રહ્યું છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. કોંગ્રેસ અને એનસી વચ્ચેની પ્રથમ રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી. તેમણે કહ્યું કે પહેલા રાઉન્ડની વાતચીતમાં કોંગ્રેસે જે પ્રસ્તાવ આપ્યા હતા, તે અમારા વરિષ્ઠ નેતાઓ સ્વીકારી શક્યા નથી. જોકે તેમણે ચોક્કસપણે કહ્યું છે કે નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ સાથે ઇન્ડિયા ગઠબંધનમાં ચૂંટણી લડવા જઈ રહી છે, પરંતુ તેમના આ નિવેદને પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કર્યો છે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં કુલ 6 બેઠકો છે
જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં કુલ 6 બેઠકો છે. જેમાંથી ત્રણ બારામુલા, અનંતનાગ અને શ્રીનગર નેશનલ કોન્ફરન્સે જીતી હતી. જ્યારે જમ્મુ, ઉધમપુર અને લદ્દાખમાં ભાજપે જીત મેળવી હતી. ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે અમે જમ્મુ, ઉધમપુર અને લદ્દાખની સીટ પર ચર્ચા કરી રહ્યા છીએ. જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે કે શું નેશનલ કોન્ફરન્સ કાશ્મીરમાં કોંગ્રેસને એક પણ સીટ આપવાના મૂડમાં નથી? આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સ અન્ય ત્રણ બેઠકો પર પણ કોંગ્રેસ પર દબાણ લાવી રહી છે, જે ગઠબંધનના મામલે કોંગ્રેસ માટે પડકારજનક બની શકે છે.
લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને એનસી વચ્ચે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. પરંતુ ઓમર અબ્દુલ્લાનુ કહેવુ છે કે બહુ જલ્દી કે બીજા રાઉન્ડની વાતચીતમા આ મામલો ઉકેલાઈ જશે. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનનો હેતુ ભાજપને હરાવવાનો છે, નહીં કે સાથી પક્ષોની બેઠકો ઓછી કરવાનો. એટલા માટે નેશનલ કોન્ફરન્સ કાશ્મીરમાં જીતેલી ત્રણ સીટો પર કોઈ પણ પ્રકારની ચર્ચા કરી રહી નથી. આ ઉપરાંત તેમણે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો – આ લોકો કેરળમાં એકબીજાના દુશ્મન, બાકી જગ્યાએ BFF છે, પીએમ મોદીએ કોંગ્રેસ અને CPI (M) ગઠબંધન પર કર્યો પ્રહાર
ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા
આ ઉપરાંત ઓમર અબ્દુલ્લાના પિતા અને દિગ્ગજ નેતા ફારુક અબ્દુલ્લાએ લોકસભા ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપમાં લોકો આવશે અને જશે તેમાં કોઇ નવી વાત નથી. આ ચૂંટણીમાં થાય છે. તેની અસર અમારા પર થવાની નથી. આપણે આપણી ચૂંટણી લડવાની છે, પોતાના દમ પર જ લડવાની છે. તેમાં કોઈ શંકા નથી કે આપણે કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાની છે. કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી અંગે ફારૂકે કહ્યું કે ઓમર વાત કરી રહ્યા છે. તે થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે. અમે સાથે મળીને લડીશું. જે ગ્રુપ (ઇન્ડિયા ગઠબંધન) બનાવવામાં આવ્યું છે તેને મજબૂત કરવું ખૂબ જરૂરી છે. જો આપણે એવું નહીં કરીએ તો આપણે આપણા દેશને મુશ્કેલીમાં મુકી દઈશું.
વિધાનસભાની ચૂંટણી કેમ નથી થતી?
આ સાથે જ ફારૂકે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે તે લોકોએ નક્કી કરવાનું છે કે લોકો એવા લોકો સાથે રહેવા માંગે છે જેમણે આપણી પાસેથી બધું જ લૂંટી લીધું છે. ખુદા જાણે આગળ શું કરશે. સાવચેત રહો, વિધાનસભાની ચૂંટણીઓ પણ થશે તેવી અમને આશા છે. જ્યારે અમે સંસદીય ચૂંટણી લડી શકીએ છીએ તો વિધાનસભાની ચૂંટણી કેમ ના લડી શકીએ.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જમ્મુ અને લદ્દાખમાં ભાજપને ત્રણ સીટો મળી હતી. ત્રણ બેઠકો નેશનલ કોન્ફરન્સે જીતી હતી, જ્યારે કોંગ્રેસને એકપણ સીટ મળી ન હતી.





