હું અમદાવાદમાં રહું છે, મતદાન માટે ગામડે કે અન્ય રાજ્યમાં જવા પેઇડ રજા મળી શકે? જાણો શું છે નિયમ

Voters Rights Paid Leave On Voting Day : મતદાન કરવું ભારતના પ્રત્યેક પુખ્યવયના નાગરિકનો અધિકાર છે. ભારતમાં લોકસભા ચૂંટણી 2024 માટે સાત તબક્કામાં મતદાન થશે. નિયમ મુજબ સરકારી સંસ્થા ઉપરાંત અને ખાનગી કંપનીઓના કર્મચારીઓ મતદાનના દિવસે પેઇડ રજા મેળવવા હકદાર છે.

Written by Ajay Saroya
April 09, 2024 19:20 IST
હું અમદાવાદમાં રહું છે, મતદાન માટે ગામડે કે અન્ય રાજ્યમાં જવા પેઇડ રજા મળી શકે? જાણો શું છે નિયમ
વોટર કાર્ડ મતદાન માટે જરૂરી દસ્તાવેજ છે. (File Photo)

Voters Rights Paid Leave On Voting Day : ભારત લોકશાહી દેશ છે. લોકશાહી દેશમાં મતદાન/ ચૂંટણી મારફતે સરકાર બને છે. ભારતમાં લોકસભા ચૂંટણી 2024ની ઘોષણા થઇ ગઇ છે. ચૂંટણી પંચ અનુસાર લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરે છે. જો કે ખાનગી કંપનીમાં નોકરી કરતા પગારદાર કર્મચારીઓ મતદાનના દિવસે પગાર સાથે રજા એટલ કે પેઇડ લીવ મેળવવા હકદાર છે કે નહીં તેની જાણકારી હોતી નથી.

મતદાન માટે પેઇડ રજાનો કાયદો

ભારતીય કાયદામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે તમામ પ્રકારની સંસ્થાઓ અને કંપનીઓના કર્મચારીઓને પેઇડ રજા મળવાનો નિયમ છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ (RP Act) 1951 ની સંબંધિત કલમ હેઠળ નિયમ ઉલ્લંઘનના કિસ્સામાં દંડની જોગવાઇ કરવામાં આવી છે.

આરપી એક્ટની કલમ 135(બી)ની પેટા કલમ 1 અનુસાર કોઇ પણ વેપારી પ્રવૃત્તિ, ઔદ્યોગિક એકમ અથવા કોઇ પણ સંસ્થામાં નોકરી કરનાર વ્યક્તિ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે હકદાર છે. દરેક વ્યક્તિને મતદાનના દિવસે રજા આપવામાં આવે.

ત્યારબાદ પેટા કલમ-2 અનુસાર – પેટા કલમ (1) મુજબ રજા આપવામાં આવી હોવાના કારણે આવી કોઇ પણ વ્યક્તિના વેતનમાં કોઇ કપાત કે ઘટાડો કરવામાં આવશે નહીં. જો કોઇ કર્મચારીને તે દિવસની રજાનું વેતન ન મળ્યુ હોય તો તે પગાર મેળવવા હકદાર છે.

મતદાનના દિવસે પગાર કાપનાર કંપનીને કેટલો દંડ થશે?

સામાન્ય રીતે મતદાનના દિવસે તમામ કર્મચારીઓને રજા આપવાનો નિયમ છે. જો કે મતદાનના દિવસે રજા ન આપનાર કે પગાર કાપનાર કંપની માટે દંડની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરોક્ત જોગવાઇનું ઉલ્લંઘન કરનાર કંપની કે નોકરીદાતા 500 રૂપિયા સુધીના દંડને પાત્ર રહેશે.

Election security deposit, Lok Sabha Elections 2024
ભારતમાં ઘણા પ્રકારની ચૂંટણીઓ થાય છે. આથી અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી કરવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)

મતદાનના દિવસે પેઇડ રજા મેળવવા કોણ હકદાર નથી?

ઉપરોક્ત જોગવાઇઓ એવા મતદારોને લાગુ પડતી નથી જેની ગેરહાજરીથી તે જે રોજગાર કે કાર્યક્ષેત્રમાં કાર્યરત છે ત્યાં કોઇ જોખમ ઉભુ થવાની કે મોટું નુકસાન થવાની સંભાવના રહે છે.

મતદાન કરવા માટે રજા ન મળે તો ક્યાં ફરિયાદ કરવી?

જો કોઇ કંપની તેના કર્મચારીને મતદાન કરવા માટે રજા ન આપે તો તે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી શકે છે અથવા ચૂંટણી સંબંધિત અધિકારીનો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો | શું ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે છે? કંપનીમાં તૈયાર થવાથી લઈને સ્ટ્રોંગ રૂમમાં જવા સુધી કેવી હોય છે સુરક્ષા

શહેરમાં રહેતા લોકોને ગામડે મતદાન કરવા માટે પેઇડ રજા મળશે?

નિયમ મુજબ મતદાન માટે પેઇડ રજાનો નિયમ સરકારી અને ખાનગી બંને સંસ્થાના કર્મચારીને લાગુ થાય છે. સૌથી મુશ્કેલી એવા મતદારોને પડે છે જેઓ તેમના મત વિસ્તારથી દૂર રહે છે. ઘણી વખત પોતાના મત વિસ્તારથી દૂર રહેતા લોકો મતદાન કરી શકતા નથી.ઉદાહરણ તરીકે – જો કોઇ વ્યક્તિ અમદાવાદમાં રહે છે અને તેનું નામ મહેસાણાના કોઇ ગામના મત વિસ્તારમાં છે, તો તે વ્યક્તિ મહેસાણામાં મતદાન હોય ત્યારે પેઇડ રજા મેળવવા હકદાર છે. અન્ય રાજયમાં રહેતા મતદારોના કિસ્સામા જે તે રાજ્યમાં જ્યારે મતદાન હોય ત્યારે કર્મચારીને પેઇડ રજા મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ