Lok Sabha Election 2024 Voting : લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં 102 લોકસભા બેઠક માટે મતદાન થયું છે. નવાઈની વાત તો એ છે કે વિશ્વના સૌથી શક્તિશાળી લોકશાહી પર્વની ઉજવણી પર મતદાન ગત ચૂંટણી કરતાં પણ ઓછું હતું. ગત ચૂંટણી કરતા આ વખતની લોકસભા ચૂંટણીમાં 4 ટકા ઓછું મતદાન થયું હતું. દેશભરના ચૂંટણી અધિકારીઓ મતદાનમાં ઘટાડાને લઈને ચિંતિત છે.
શુક્રવારે દેશની 102 લોકસભા સીટો પર વોટિંગ થયું, જેમાં 16 કરોડથી વધુ મતદાતાઓએ ભાગ લીધો. લગભગ 65.5 ટકા મતદાન થયું હતું, જે ગત ચૂંટણી દરમિયાન 70 ટકા હતું. જો કે, ચૂંટણી પંચે હજુ સુધી આ અંગે અંતિમ આંકડા જાહેર કર્યા નથી. ચૂંટણ પંચની વોટર ટર્નઆઉટ એપ્લિકેશન મુજબ શનિવારે સાંજે 7 વાગ્યે સુધીમાં પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 19માં મતદાન ઘટ્યું હતું.
39 બેઠકો સાથે તમિલનાડુમાં ગત ચૂંટણી કરતા મતદાનની ટકાવારીમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે. પાંચ બેઠકો ધરાવતા ઉત્તરાખંડમાં લગભગ છ ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું છે. આ જ રીતે રાજસ્થાનની 25માંથી 12 બેઠકો પર ગત ચૂંટણી કરતા 6 ટકા ઓછું મતદાન થયું હતું.
પ્રથમ તબક્કામાં વધુ મતદાન થયું
છત્તીસગઢની બસ્તર બેઠકની વાત કરીએ તો બસ્તરમાં પણ એક ટકાનો વધારો થયો છે. પ્રથમ વખત ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત બસ્તરના 56 ગામોમાં મતદાન યોજાયું હતું. મેઘાલયમાં બે બેઠકો પર 74 ટકા મતદાન નોંધાયું હતું. લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન સામાન્ય રીતે પછીના તબક્કાઓ માટેનો ટ્રેન્ડ નક્કી કરે છે, જે છેલ્લી બે સંસદીય ચૂંટણીઓમાં જોવા મળ્યું હતું.

ઉદાહરણ તરીકે, 2019માં સાત તબક્કાના મતદાનમાં પ્રથમ તબક્કામાં સૌથી વધુ 69.5 ટકા મતદાન નોંધાયું હતું. એ જ રીતે, 2014ની નવ તબક્કાની સંસદીય ચૂંટણીનો પ્રથમ તબક્કો સૌથી ઊંચો એટલે કે લગભગ 69 ટકા હતો. ચૂંટણી પંચના અધિકારીઓ આ પેટર્નને લઈને ચિંતિત છે.
ઓછા મતદાનથી ચૂંટણી અધિકારીઓ ચિંતિત
ચૂંટણી પંચે તેમના તરફથી મતદારોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરવા તમામ પ્રયત્નો કર્યા છે. 10 થી વધુ સેલિબ્રિટીઝને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાથી લઇ જાગૃતિ ફેલાવવા માટે બીબીસીઆઈ સાથે મળી કામ કરવા સુધી ભાર મૂક્યો છે. આ બાબતે એક સિનિયર ચૂંટણી અધિકારીએ કહ્યું, અમે કોઈ કસર છોડી નથી. બધુ કરવા છતા અમે મતદાનમાં ઘટાડો જોયો છે, જે ભલે ચિંતાજનક નથી પરંતુ આશ્ચર્યજનક જરૂર છે.
આ આંકડો ચિંતાજનક કેમ છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર 102માંથી 10 જેટલી બેઠકોને બાદ કરતાં લગભગ તમામ બેઠકો પર મતદાનમાં ઘટાડો થયો છે. ચૂંટણી પંચના અંદાજો દર્શાવે છે કે પ્રથમ તબક્કાના મતદાનમાં એકંદરે ચાર ટકાનો ઘટાડો થવાનો અર્થ એ થશે કે ગત વખતની તુલનામાં આશરે 48 લાખ મતદાર મતદાન માટે આવ્યા નથી. એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે કયું વય જૂથ મોટી સંખ્યામાં આવ્યું નથી તે કહેવું મુશ્કેલ છે; અન્યથા તેમને આગામી તબક્કામાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવું અમારા માટે સરળ હોત.

લગ્નસરાની સિઝન અને ગરમીથી મતદાન ઘટ્યું?
ચૂંટણી અધિકારીઓનું માનવું છે કે ગરમીના કારણે મતની ટકાવારી ઘટી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની ધારણા છે, ચૂંટણી પંચ માટે આ એક મહત્વપૂર્ણ પડકાર છે. તેમણે કહ્યું, અમે હજી સુધી આનો જવાબ કેવી રીતે આપવો તે નક્કી કર્યું નથી, પરંતુ આપણે મતદારોને આગામી તબક્કામાં મતદાન કરવા માટે આપવા પ્રોત્સાહિત કરવાનો માર્ગ શોધવો પડશે.”
ચૂંટણી અધિકારીઓએ વધતી ઉનાળાની ગરમીથી લઈને લગ્નસરાની સિઝનનો હવાલો આપ્યો અને એવું અનુમાન લગાવ્યું હતું કે આ પરિબળોને કારણે આ વખતે મતની ટકાવારીમાં ઘટાડો થયો છે. તેમણે ચેતવણી આપી હતી કે તેઓ હજી પણ આ કારણોસર કેટલા મતોને અસર થઈ છે તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી : પ્રથમ તબક્કાના મતદાન બાદ કોણ આગળ – INDIA ગઠબંધન કે BJP? મતદાનની પેટર્નથી સમજો
બિહારથી લઇને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સુધી ગરમીને મતની ટકાવારીમાં ઘટાડાનો સૌથી મોટો મુદ્દો માનવામાં આવે છે. હવે જોવાનું એ છે કે ચૂંટણી પંચ આને પાર પાડવામાં કેવી રીતે સફળ થાય છે.





