Lok Sabha Election 2024 Phase 2 Voting Turnout : લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર 25 એપ્રિલે મતદાન થયું હતું. આ લોકસભા બેઠકો પર 16 કરોડ મતદાર છે. જો કે વર્ષ 2019ની તુલનામાં આ વખતે 3 ટકા ઓછું વોટિંગ થયું છે. અલબત્ત આ ઘટાડો લોકસભા ચૂંટણી 2024ના 19 એપ્રિલના પ્રથમ તબક્કામાં જોવા મળેલા 4.5 ટકાના ઘટાડા કરતા ઓછો છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે 7 વાગ્યાના અંદાજ મુજબ 66.7% મતદાન થયું હતું. આ લખાય છે ત્યાં સુધીમાં ચૂંટણી પંચે કોઈ નિવેદન જારી કર્યું ન હતું અથવા મતદાનના આંકડા જાહેર કર્યા હતા.
2019માં આમાંથી 83 બેઠકો પર એકંદર મતદાન – આસામની પાંચ બેઠકો સીમાંકનમાંથી પસાર થઈ હતી અને તેથી તુલનામાં સામેલ કરવામાં આવતી નથી – 69.64% હતું.
પ્રથમ તબક્કામાં જે 102 બેઠકો પર ચૂંટણી થઇ હતી, ત્યાં 16 કરોડથી વધુ મતદાર તેમના મત આપવા માટે પાત્ર હતા, ત્યાં લગભગ 65.5% મતદાન થયું હતું, જે 2019માં નોંધાયેલા 70 ટકાની તુલનાએ ઓછું મતદાન છે.
શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં, ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં છ બેઠકો ધરાવતા મધ્ય પ્રદેશમાં 58.59% મતદાન નોંધાયું હતું, જે 2019 કરતાં 9.41 ટકાનો ઘટાડો દર્શાવે છે, બીજા તબક્કામાં રાજ્યોમાં સૌથી તીવ્ર ઘટાડો છે.
લોકસભાની ચૂંટણી 2024, બીજા તબક્કાનું મતદાન – Express photo by Shashi Ghosh
ઉત્તર પ્રદેશની જે આઠ બેઠકો પર શુક્રવારે મતદાન થયું હતું ત્યાં સરેરાશ 6.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ 8 બેઠક માંથી મુથરા જ્યાં ભાજપ સાંસદ હેમા માલિની ત્રીજા ટર્મની ચૂંટણી લડી રહ્યા છે ત્યાં સાંજે 6 વાગે ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ્લિકેશન મુજબ સૌથી વધુ 11 ટકા મતદાન ઘટ્યું છે.
અન્ય રાજ્યો જ્યાં મતદાન કુલ સરેરાશ કરતા વધુ ઘટ્યું છે જેમાં બિહારમાં 3.6 ટકા, કેરળમાં 6.8 ટકા, ત્રિપુરામાં 3.24 અને પશ્ચિમ બંગાળમાં 4.5 ટકા ઓછું વોટિંગ થયું છે.
બીજા તબક્કામાં મણિપુરની એક સીટ, આઉટર મણિપુરમાં મતદાન 81.9% હતું, જો કે સીટના એક ભાગમાં પ્રથમ તબક્કામાં પણ મતદાન થયું હતું.
બીજા તબક્કામાં કઇ બેઠકો પર મતદાન વધ્યું
કર્ણાટક , છત્તીસગઢ અને જમ્મુમાં મતદાનમાં થોડો વધારો જોવા મળ્યો છે. તો રાજસ્થાનની 13 બેઠકો પર મતદાનમાં વર્ષ 2019ના 68 ટકાની સામે આ વખતની લોકસભા ચૂંટણી 2024માં 80.3 ટકા મતદાન થયું છે, એટલે કે મતદાનમાં 12.3 ટકાનો તીવ્ર વધારો જોવા મળ્યો છે.
વાયનાડ સહિતની કેટલીક હાઇ-પ્રોફાઇલ બેઠકો, જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી લડ્યા હતા, ત્યાં પણ મતદાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. વાયનાડમાં સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાનમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
મધ્યપ્રદેશના સીઈઓના ઓફિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે: હાલની વ્યવસ્થા અને મતદાર જાગૃતિ કાર્યક્રમોને વધારવા સહિત મતદારોની ઉંચી ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે યોગ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. અત્યાર સુધી એવું જણાય છે કે વધતા તાપમાન અને લગ્નસિઝનને કારણે મતદાન ઓછું થયું છે. મધ્ય પ્રદેશમાં, ખેડૂતો તરીકે સૌથી વધુ લોકો કામ કરે છે અને આ તે સમય છે જ્યારે તેઓને લગ્ન માટે સમય મળે છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવા કહે છે – અમને અત્યાર સુધી ઓછા મતદાનનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તે હવામાન અથવા હીટવેવ હોય તેવું લાગતું નથી કારણ કે 2019ની ચૂંટણી દરમિયાન પણ આવું જ હવામાન હતું. સાંજના સમયે પણ બૂથ ખાલી જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 ના બીજા તબક્કાના મતદાનમાં, મથુરામાં અગાઉની સરખામણીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. મથુરામાં આ વખતે 47 ટકા મતદાન થયું હતું જ્યારે 2019માં 60 ટકા વોટિંગ થયું હતું.
લોકસભાની ચૂંટણી 2024, બીજા તબક્કાનું મતદાન – (Photo: PRD, Kerala)
તેઓ ઉમેરે છે કે – હાલ ખેતીની સીઝન પણ નથી. અમે લાંબા સમયથી મતદાન જાગરૂકતા કાર્યક્રમો ચલાવી રહ્યા છીએ, પરંતુ આવા ઘટાડા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી સંજય કૌલે જણાવ્યું હતું કે કેરળમાં 2024ની લોકસભા ચૂંટણી માટે કામચલાઉ મતદાન 71.16 ટકા છે. 2021ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં 74 ટકા મતદાન હતું, આમ લોકસભા ચૂંટણી 2024ના મતદાન ખૂબ ઓછું કહી શકાય નહીં. ઓછા મતદાનનું એક કારણ રાજ્યમાં પ્રવર્તમાન ગરમ હવામાન હોઈ શકે છે. મતદાનના દિવસે, મતદાનના સવારના કલાકોની સરખામણીમાં બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી મતદાન ઓછું હતું. અંતિમ મતદાન ડેટા ઉપલબ્ધ થશે ત્યારે જ વિગતવાર વિશ્લેષણ કરી શકાશે.
આ પણ વાંચો | ચૂંટણી સિઝનમાં હેલિકોપ્ટર માલિકોને અઢળક કમાણી: જાણો એક કલાકનું ભાડું કેટલું? ભારતમાં કૂલ કેટલા હેલિકોપ્ટર?
અગાઉની ચૂંટણીઓની તુલનામાં લોકસભા ચૂંટણી 2024માં મતદાન દરમિયાન ઇવીએમમાં કોઈ ખામી નોંધાઈ નથી. છેલ્લી ચૂંટણીમાં, મતદાન મશીનમાં ખામીનો સરેરાશ દર પાંચ ટકા હતો. પરંતુ આ વખતે, માત્ર 0.44 ટકા બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ અને 2.1 ટકા VVPAT ને ક્ષતિગ્રસ્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.